BJPએ બીજા બાવીસ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં, પણ...
પ્રતીકાત્મક તસવીર
સત્તાધારી મહાયુતિમાં સામેલ ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગઈ કાલે રાજ્યની વધુ ૨૨ વિધાનસભા બેઠકના ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં હતાં. આ અગાઉ ગયા રવિવારે BJPએ ૯૯ ઉમેદવારો જાહેર કર્યા હતા. આ સાથે રાજ્યની ૧૨૧ બેઠકના BJPના ઉમેદવારો ફાઇનલ થઈ ગયા છે; પણ મુંબઈની બોરીવલી, ઘાટકોપર-ઈસ્ટ, વર્સોવા અને મીરા-ભાઈંદર વિધાનસભા બેઠકોનું રહસ્ય અકબંધ છે એટલે આ બેઠકો પર ઉમેદવારીનો દાવો કરનારા નેતાઓએ હજી થોડો સમય રાહ જોવી પડશે. આજે BJPનું ત્રીજું અને ફાઇનલ લિસ્ટ આવવાની શક્યતા ગઈ કાલે પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ વ્યક્ત કરી હતી.
બોરીવલી, ઘાટકોપર-પૂર્વ અને વર્સોવા વિધાનસભાની બેઠક BJP પાસે છે. બોરીવલીમાં સુનીલ રાણે અને ઘાટકોપર-ઈસ્ટમાં પરાગ શાહ વિધાનસભ્ય છે. જોકે આ બન્ને બેઠકો પર વધુ દાવેદારી કરવામાં આવી રહી છે. ભારે રસ્સીખેંચને લીધે બીજા લિસ્ટમાં પણ ઉમેદવારો જાહેર નથી કરવામાં આવ્યા. વર્સોવા બેઠકમાં ભારતી લવેકર બે ટર્મથી વિધાનસભ્ય છે અને પક્ષના સર્વેમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાથી આ બેઠકના ઉમેદવારની જાહેરાત પણ હોલ્ડ પર રાખવામાં આવી છે.
ADVERTISEMENT
ગુજરાતી અને જૈનોની બહોળી વસ્તીવાળા મીરા-ભાઈંદરમાં ગીતા જૈન અપક્ષ વિધાનસભ્ય હોવા છતાં તેઓ BJP અને શિંદેસેના સાથે તાલમેલ રાખી રહ્યાં છે. જોકે આ બેઠક પર BJPના ભૂતપૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા પણ ટિકિટ માગી રહ્યા છે એટલે બળવાની શક્યતાને ધ્યાનમાં રાખીને છેલ્લી ઘડી સુધી આ બેઠકની જાહેરાત નહીં કરવામાં આવે એવું જાણવા મળ્યું હતું.