° °

આજનું ઇ-પેપર
Friday, 27 May, 2022


બાળાસાહેબ હોવાનો ભ્રમ રાખનાર મુન્નાભાઈના મગજમાં કેમિકલ લોચો

15 May, 2022 10:34 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરેનું નામ લીધા વિના હિન્દુત્વ અને મરાઠી મુદ્દા ઉઠાવનારા મુન્નાભાઈ ગણાવ્યા : બીજેપી, નરેન્દ્ર મોદી અને દેવેન્દ્ર ફડણવીસ પર હિન્દુત્વ અને મોંઘવારીના મુદ્દે પ્રહાર કર્યા

ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે

બાંદરાના એમએમઆરડીએ મેદાનમાં શિવસેના દ્વારા ગઈ કાલે કોવિડ મહામારી બાદ સૌથી મોટી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ હિન્દુત્વ અને મોંઘવારી બાબતે બીજેપી અને દેવેન્દ્ર ફડણવીસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આ સમયે મુંબઈને તોડવાનો વિચાર કરનારાઓને સફળ નહીં થવા દેવાય એમ કહ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ બીએમસીમાં શિવસેનાએ કેવું અને કેટલું કામ કર્યું છે એમ કહીને એક રીતે બીએમસીની ચૂંટણીનું બ્યુગલ ફૂંક્યું હતું. રાજ ઠાકરે ભલે પોતાને બાળાસાહેબ સમજતા હોય, તેમને તેમના ભ્રમમાં રાચવા દો, આપણે એને ગંભીરતાથી લેવાની જરૂર નથી એમ તેમણે કહ્યું હતું. અઢી વર્ષથી બીજેપી મહાવિકાસ આઘાડી સરકારને તોડવાના પ્રયાસ કરી રહી છે, પણ એમાં સફળતા નથી મળી એટલે હવે તે એ, બી, સી અને ડી ટીમ દ્વારા રાજ્યમાં લોકોને ભડકાવવાનો પ્રયાસ કરી રહી હોવાનો આરોપ પણ તેમણે કર્યો હતો. જોકે આ જાહેર સભા માટે શિવસેના દ્વારા જારી કરવામાં આવેલા ટીઝરમાં બધાના માસ્ક ઉતારીશ એમ કહ્યું હતું એવું આ સભામાં નહોતું જણાયું.

બાંદરા-પૂર્વમાં આવેલા એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં શિવસેના દ્વારા આયોજિત જાહેર સભામાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે પચાસ મિનિટ ભાષણ કર્યું હતું. શરૂઆતમાં તેમણે બીજેપી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘હું ફરી કહું છું કે યુતિ કરીને અમે પચીસ વર્ષ ગુમાવ્યાં. ઘોડો ક્યારેય ગધેડા સાથે ચાલી ન શકે એટલે અમે ગધેડા અમને લાત મારે એ પહેલાં જ તેમને ત્યજી દીધા છે. દેવેન્દ્ર ફડણવીસ એક વખત બોલી ગયા હતા કે મુંબઈને મહારાષ્ટ્રમાંથી સ્વતંત્ર બનાવાશે. અમે આવું ક્યારેય થવા નહીં દઈએ. મુંબઈને મહારાષ્ટ્ર સાથે જોડવા માટે હુતાત્માઓએ આહુતિ આપી છે એ એળે જવા નહીં દેવાય.’

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘કોવિડ બાબતની મુખ્ય પ્રધાનો સાથેની બેઠકમાં વડા પ્રધાને મોંઘવારીને કાબૂમાં રાખવા માટે રાજ્યોએ પેટ્રોલના ભાવ ઘટાડવાની સલાહ આપી હતી. અમે પેટ્રોલ-ડીઝલ પરનો વૅટ ઘટાડવા તૈયાર છીએ, પણ મુંબઈને જીએસટીનો હિસ્સો આપવાનો છે એ તો આપો. મુંબઈને આપવું કંઈ નથી અને રાજ્યને બદનામ કરવાનું કામ તેઓ કરે છે એ યોગ્ય નથી.’

ઉદ્ધવ ઠાકરેએ બીજેપીને સવાલ કર્યો હતો કે ‘તમે કહો છો કે અત્યારની શિવસેના બાળાસાહેબની નથી. અમે તમને પૂછીએ છીએ કે જનસંઘ કે સંઘના વિચારો પર ચાલનારા અને પક્ષને મજબૂત કરનારા નિષ્ઠાવાન લોકો બીજેપીમાં અત્યારે કેમ દેખાતા નથી? એ સમય અને અત્યારની બીજેપીમાં જમીન-આસમાનનો ફરક છે એ વાત તમે કેમ સ્વીકારતા નથી? તમારું હિન્દુત્વ બુરખાની અંદરનું છે જે હવે ખુલ્લું પડી ગયું છે.’

જનતાની સુરક્ષા બાબતે તેમણે કહ્યું હતું કે ‘કાશ્મીરમાં પંડિતોની હત્યા થઈ રહી છે. તેમને સુરક્ષા નથી આપી શકતા અને મહારાષ્ટ્ર કે મુંબઈના કેટલાક તીનીપાટિયા લોકોને ઝેડ કે વાય પ્લસની સિક્યૉરિટી આપી દેવાય છે. સિક્યૉરિટી માટેના આ રૂપિયા જનતાના છે. કાશ્મીરી પંડિતોની સુરક્ષા વધારવાની જરૂર છે. સરકારે એના પર ધ્યાન આપવાની જરૂર છે.’

અઢી વર્ષમાં સરકાર પાડવાના અનેક પ્રયાસ બાદ પણ સફળતા ન મળતાં બીજેપી એ, બી, સી કે ડી ટીમ દ્વારા રાજ્યમાં માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો આરોપ કરતાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘કોવિડના કપરા સમયથી અત્યાર સુધી મહાવિકાસ આઘાડી સરકાર વિકાસનું કામ કરી રહી છે. એમાં રોડાં નાખવા માટે બીજેપી ઓવૈસી, રાજ ઠાકરે કે નવનીત રાણા જેવા લોકોનો ઉપયોગ કરી રહી છે. હનુમાન ચાલીસા કે મહાઆરતી કરવાના પ્રયાસથી રાજ્યમાં માહોલ બગાડવાનું કામ થઈ રહ્યું છે. સભા અને ઉત્તર સભાને બદલે રાજ્યના વિકાસ માટે તમામ પક્ષે સાથે આવવાની જરૂર છે.’

મોંઘવારી વિશે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘કોવિડના સમયમાં વડા પ્રધાને લોકોને થાળી-વાટકા વગાડીને ગો કોરોના ગો... કરાવ્યું હતું. બે વર્ષ પહેલાંની ખાલી થાળી આજેય ખાલી છે. કેન્દ્ર સરકાર મફતમાં અનાજ પૂરું પાડવાનો દાવો કરે છે, પરંતુ એને રાંધવા માટેના ગૅસનો ભાવ આસમાને પહોંચ્યો છે. કેટલાક પ્રશ્ને મહારાષ્ટ્રને બદનામ કરવાને બદલે કેન્દ્ર સરકારે મોંઘવારીને નિયંત્રણમાં રાખવાનો વિચાર કરવો જોઈએ.’

રાજ ઠાકરેનું નામ લીધા વિના ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘કેટલાક લોકો બાળાસાહેબ હોવાનો ભ્રમમાં જીવે છે. શાલ ઓઢીને, મરાઠાનો મુદ્દો ઉઠાવીને કે હિન્દુત્વને મુદ્દે સભાઓ કરીને ખરા હિન્દુત્વવાદી હોવાનો દાવો કરી રહ્યા છે. આપણે તેમને ગંભીરતાથી લેવાની જરૂર નથી. ‘મુન્નાભાઈ...’ ફિલ્મમાં હીરોને ગાંધીજી દેખાતા હતા એમ ભ્રમમાં જીવી રહેલાઓને બાળાસાહેબ દેખાય છે. ‘મુન્નાભાઈ એમબીબીએસ’ ફિલ્મના અંતમાં સરકિટ સાથે મુન્નાભાઈ ગામભેગા થઈ જાય છે એવા જ હાલ ભ્રમમાં જીવી રહેલી આ વ્યક્તિના થશે. તેના મગજમાં કેમિકલ લોચો છે.’

હિન્દુત્વ વિશે તેમણે કહ્યું હતું કે ‘હિન્દુત્વ ટોપીમાં નહીં, માથામાં હોય છે. કેટલાક લોકોએ ભગવી ટોપી પહેરવાનું શરૂ કર્યું છે. તેમનું હિન્દુત્વ પોકળ હોય છે. ખરું હિન્દુત્વ કસોટીના સમયે લોકોને આપેલું વચન પાળવાનું છે. બાળાસાહેબ ઠાકરેએ અમને એવું જ શીખવ્યું છે. બાબરીના ઢાંચાને તોડી પડાયો હતો ત્યારે શિવસૈનિકો કારસેવકોમાં સામેલ હોવાનો બાળાસાહેબે ગર્વ વ્યક્ત કર્યો હતો, જ્યારે બીજેપી કે સંઘના અનેક નેતાઓએ આ વિશે કંઈ નહોતું કહ્યું. દેવેન્દ્ર ફડણવીસ ૧૯૯૨માં અયોધ્યા ગયા હતા એમ કહેતા હોય તો તેમની સામે શંકા ઊપજે છે. તેઓ જો ખરેખર અયોધ્યા ગયા હોત તો તેમના વજનથી ઢાંચો તૂટી જાત અને બીજાઓની મહેનત બચી જાત.’ 

આજે ઉત્તર ભારતીય મંચ પરથી ફડણવીસ ઉદ્ધવ ઠાકરેને જવાબ આપશે
મુખ્ય પ્રધાન ઉદ્વવ ઠાકરેએ ૧૪ મેએ બાંદરાના એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં જાહેર સભાનું આયોજન કરવાની જાહેરાત કર્યા બાદ બીજેપીના વરિષ્ઠ નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે બીકેસીની સભાનો જવાબ આપવા માટે ગોરેગામના એનએસઈ મેદાનમાં ઉત્તર ભારતીય સમાજની સભાના આયોજનની જાહેરાત કરી હતી. આજની આ સભામાં દેવેન્દ્ર ફડણવીસ ઉદ્ધવ ઠાકરેને જવાબ આપશે. બીજેપીએ શિવસેનાને જવાબ આપવા માટે ઉત્તર ભારતીયોને આગળ કર્યા છે. આ કાર્યક્રમમાં ઉત્તર ભારતીય સમાજ દેવેન્દ્ર ફડણવીસનું સન્માન કરશે. આ સમયે દેવેન્દ્ર ફડણવીસ ઉદ્ધવ ઠાકરેને જવાબ આપવાની સાથે તેમને અરીસો બતાવશે. મુંબઈ બીએમસીની ચૂંટણીને ધ્યાનમાં રાખીએ તો આ સભાનું ઘણું મહત્ત્વ છે.

15 May, 2022 10:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

રાજ્યસભાની ચૂંટણીમાં શિવસેનાએ પસંદ કરેલા કોઈ પણ ઉમેદવારનું અમે સમર્થન કરીશું

એનસીપીના પ્રમુખ શરદ પવારે જણાવ્યું હતું કે તેમનો પક્ષ મહારાષ્ટ્રમાં રાજ્યસભાની છ બેઠકોની આગામી ચૂંટણીમાં સંભાજીરાજે છત્રપતિ અથવા શિવસેના દ્વારા પસંદ કરવામાં આવેલા અન્ય કોઈ પણ ઉમેદવારનું સમર્થન કરશે.

23 May, 2022 08:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

રાજ ઠાકરેની આજની પુણેની સભા ફરી એક વાર ચકચારભરી બનવાનાં એંધાણ

ગૂડી પડવાના દિવસે શિવાજી પાર્ક, ત્યાર બાદ થાણે અને એ પછી ઔરંગાબાદમાં હિન્દુત્વના મુદ્દાને મુખ્ય મુદ્દો બનાવીને મહારાષ્ટ્રની જનતાને સંબોધનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેની આજે પુણેમાં સભા યોજાવાની છે.

22 May, 2022 07:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

શિવસેનાની સામે કૉન્ગ્રેસે નોંધાવ્યો સત્તાવાર વિરોધ

બીએમસીની ચૂંટણી માટે વૉર્ડનું માળખું તૈયાર કરતી વખતે મહાવિકાસ આઘાડીના સાથી પક્ષોને વિશ્વાસમાં ન લીધા હોવાથી કોર્ટમાં જવાની પ્રદેશ કૉન્ગ્રેસ પ્રમુખે આપી ધમકી

19 May, 2022 08:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK