° °

આજનું ઇ-પેપર
Sunday, 03 July, 2022


વિધાન પરિષદમાં પણ હિતેન્દ્ર ઠાકુર કિંગ મેકર?

20 June, 2022 10:20 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બહુજન વિકાસ આઘાડીના બે વિધાનસભ્યોના મત મેળવવા માટે કૉન્ગ્રેસ, બીજેપી અને એનસીપીના નેતાઓની દોડાદોડ

હિતેન્દ્ર ઠાકુર Legislative Council Elections

હિતેન્દ્ર ઠાકુર

મહારાષ્ટ્ર વિધાન પરિષદની ૧૦ બેઠક માટે આજે ચૂંટણી યોજાવાની છે. ૧૦ બેઠક સામે ૧૧ ઉમેદવાર મેદાનમાં હોવાથી સત્તાધારી મહાવિકાસ આઘાડી અને વિરોધ પક્ષ બીજેપી બન્ને પાસે વિધાનસભ્યોની પૂરતી સંખ્યા નથી એથી તેઓ નાના પક્ષો અને અપક્ષો પોતાને સમર્થન આપે એ માટેના પ્રયાસો કરી રહ્યા છે. રાજ્યસભાની ચૂંટણીમાં બહુજન વિકાસ આઘાડીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી એથી વિધાન પરિષદમાં પણ તેઓ કિંગ મેકર ઠરી શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ પક્ષના ત્રણ મત મેળવવા માટે કૉન્ગ્રેસ, બીજેપી અને એનસીપીના નેતાઓ બહુજન વિકાસ આઘાડી પક્ષના સ્થાપક અને વસઈના વિધાનસભ્ય હિતેન્દ્ર ઠાકુરની મુલાકાત લઈ રહ્યા છે. ગઈ કાલે એનસીપીના એકનાથ ખડસે વિરાર જઈને તેમને મળ્યા હતા અને પોતાને સમર્થન આપવા બાબતે ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું હતું.

વિધાન પરિષદમાં વિજય મેળવવા માટે કૉન્ગ્રેસના મુંબઈ અધ્યક્ષ ભાઈ જગતાપે સૌથી પહેલાં હિતેન્દ્ર ઠાકુરનું સમર્થન મેળવવા તેમની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ એનસીપીના નેતા રામરાજે નાઈક-નિમ્બાળકરે અપ્પા તરીકે ઓળખાતા બહુજન વિકાસ આઘાડીના સ્થાપકની મુલાકાત લીધી હતી. કૉન્ગ્રેસ અને એનસીપી બાદ શુક્રવારે બીજેપીના વિધાન પરિષદના ઉમેદવાર પ્રસાદ લાડ વિરાર પહોંચ્યા હતા. એ પછી શનિવારે બીજેપીના નેતાઓ પ્રવીણ દરેકર અને ગિરીશ મહાજન પણ હિતેન્દ્ર ઠાકુરને મળવા લોકલ ટ્રેનમાં ગયા હતા. મતદાનને એક જ દિવસ બાકી છે ત્યારે ગઈ કાલે એનસીપીના નેતા અને વિધાન પરિષદના ઉમેદવાર એકનાથ ખડસે અપ્પાને મળ્યા હતા અને તેમનું સમર્થન મેળવવા બાબતે ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું હતું.
કૉન્ગ્રેસ, એનસીપી અને બીજેપી દ્વારા ત્રણ વિધાનસભ્ય ધરાવતા પક્ષના હિતેન્દ્ર ઠાકુરને મળવા પહોંચ્યા હોવાથી જણાઈ આવે છે કે રાજ્યસભાની જેમ વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમનું કેટલું મહત્ત્વ છે. અપ્પા મહાવિકાસ આઘાડી કે બીજેપી જેને સમર્થન આપે તેઓ વિજયી થઈ શકે છે. આથી તેઓ ફરી એક વખત કિંગ મેકરની ભૂમિકામાં છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે શિવસેનાએ હિતેન્દ્ર ઠાકુરનો સંપર્ક મત મેળવવા માટે નથી કર્યો.

ક્ષિતિજ ઠાકુર અમેરિકામાં
બહુજન વિકાસ આઘાડીના નાલાસોપારાના વિધાનસભ્ય ક્ષિતિજ ઠાકુર અત્યારે અમેરિકામાં છે એટલે તેઓ આજે યોજાનારી વિધાન પરિષદની ચૂંટણીમાં મતદાન કરવા પહોંચશે કે નહીં એ સ્પષ્ટ નથી. આ વિશે હિતેન્દ્ર ઠાકુરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા ફૅમિલી મેમ્બરની હેલ્થ માટે ક્ષિતિજ અત્યારે અમેરિકાના ન્યુ યૉર્કમાં છે. તે વિધાન પરિષદના આજે યોજાનારા મતદાન માટે પહોંચી શકશે કે નહીં એ કહેવું મુશ્કેલ છે. મને ચાન્સ ઓછા લાગે છે.’

આઘાડીમાં ક્રૉસવોટિંગ નહીં થાય ઃ ઉદ્ધવ ઠાકરે
શિવસેનાના અધ્યક્ષ અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વિધાન પરિષદની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી સરકારના કોઈ વિધાનસભ્ય ક્રૉસવોટિંગ નહીં કરે અને આ ચૂંટણીમાં અમારો જ વિજય થશે. શિવસેનાના ૫૬મા સ્થાપના દિવસે ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના વિધાનસભ્યોને સંબોધન કરતાં કહ્યું હતું કે ‘અમે અમારા બધા વિધાનસભ્યોને એકસાથે રાખ્યા છે, જેને આજના સમયમાં લોકશાહી કહી શકાય. રાજ્યસભાની ચૂંટણીમાં પરાજય થયો એ કમનસીબી હતી. જોકે વિધાન પરિષદની ચૂંટણીમાં સરકારમાં સામેલ દરેક પક્ષનો કોઈ પણ વિધાનસભ્ય ગદ્દારી નહીં કરે એની ખાતરી હોવાથી ક્રૉસવોટિંગ થવાની શક્યતા નથી. બાળાસાહેબે દેશને સાચું હિન્દુત્વ શું હોય છે એ શીખવ્યું હતું.’ 

નાની પાર્ટી-અપક્ષ મહત્ત્વના
વિધાન પરિષદમાં વિજય મેળવવા માટે દરેક ઉમેદવારને ૨૬ મતની જરૂર રહેશે. બીજેપીના ૧૦૬ વિધાનસભ્ય હોવાની સાથે અપક્ષો મળીને સંખ્યા ૧૨૩ જેટલી છે. આથી બીજેપીના ચાર ઉમેદવાર આસાનીથી વિજયી થશે. પાંચમા ઉમેદવાર માટે એણે તડજોડ કરવી પડશે. શિવસેના પાસે ૫૫ વિધાનસભ્ય છે એટલે એના બે ઉમેદવાર સરળતાથી ચૂંટાઈ આવશે. એનસીપી પાસે પણ ૫૧ વિધાનસભ્ય છે એટલે એના બીજા ઉમેદવારને માત્ર એક મતની જરૂર પડશે. આની સામે કૉન્ગ્રેસ પાસે ૪૪ વિધાનસભ્ય છે એટલે 
એનો એક ઉમેદવાર સરળતાથી વિજયી થશે, પરંતુ બીજા ઉમેદવાર ભાઈ જગતાપને વિજયી બનાવવા માટે 
જરૂરી આઠ મત માટે કૉન્ગ્રેસે 
શિવસેનાના વધારાના તેમ જ અપક્ષ મત પર આધાર રાખવો પડશે. સમાજવાદી પાર્ટી, બહુજન વિકાસ આઘાડી, એમઆઇએમ જેવા નાના પક્ષો અને અપક્ષો મળીને કુલ ૨૯ મત મહાવિકાસ આઘાડી અને બીજેપી માટે મહત્ત્વના રહેશે. 

20 June, 2022 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK