Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આ તે ટ્રેન કે પ્લેન...

આ તે ટ્રેન કે પ્લેન...

02 October, 2022 08:31 AM IST | Mumbai
Prakash Bambhrolia

મુંબઈ-ગાંધીનગર વચ્ચે રવાના થયેલી પહેલી વંદે ભારત એક્સપ્રેસમાં પહેલી ટિકિટ મેળવનારા કચ્છી માડુ તો આ ટ્રેન પર ફિદા-ફિદા થઈ ગયા

વંદે ભારત ટ્રેનમાં પહેલી ટિકિટ મેળવનારા અરવિંદ દેઢિયા અને ટ્રેનમાં પીરસાતું ક્વૉલિટી ફૂડ.

વંદે ભારત ટ્રેનમાં પહેલી ટિકિટ મેળવનારા અરવિંદ દેઢિયા અને ટ્રેનમાં પીરસાતું ક્વૉલિટી ફૂડ.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે લીલી ઝંડી આપીને મુંબઈ-ગાંધીનગર વચ્ચે શરૂ કરેલી પહેલી સેમી સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ગઈ કાલે મુંબઈથી રવાના થઈ હતી. આ ટ્રેનમાં પહેલી ટિકિટ મેળવવાનું માન મુંબઈના કચ્છી બિઝનેસમૅનને મળ્યું હતું. મોટા ભાગે દેશ-વિદેશમાં ફ્લાઇટમાં પ્રવાસ કરતા આ કચ્છી માડુને આ ટ્રેનમાં પ્રવાસ કરીને જાણે વિદેશમાં આવી ગયા હોવાનો અનુભવ થયો હતો. સાડાપાંચ કલાકના પ્રવાસમાં સ્ટાફથી માંડીને ફૂડ સહિતની ઉત્તમ સુવિધા ટ્રેનમાં આપવામાં આવી હોવાથી અમદાવાદ કોઈ કામ હોય કે ન હોય, એક વાર પ્રવાસ કરવો જોઈએ એવું તેમને લાગ્યું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે અમદાવાદમાં જેને લીલી ઝંડી આપી હતી એ મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચે સેમી સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ગઈ કાલે સામાન્ય જનતા માટે શરૂ કરવામાં આવી હતી. સવારના ૬.૧૦ વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી રવાના થઈને આ ટ્રેન ૧૧.૩૫ વાગ્યે એટલે કે સાડાપાંચ કલાકમાં અમદાવાદ પહોંચી ગઈ હતી. પહેલી ટ્રેનમાં સૌથી પહેલી ટિકિટ મેળવવાનું માન મુંબઈમાં શિવડીમાં રહેતા ઇન્શ્યૉરન્સ ફીલ્ડ સાથે સંકળાયેલા બિઝનેસમૅન અરવિંદ દેઢિયાને મળ્યું હતું.



વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના અનુભવ વિશે અરવિંદ દેઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવેને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. તેમણે ભારતમાં રહીને વિદેશમાં પ્રવાસ કરતા હોઈએ એવી સુવિધા વંદે ભારત ટ્રેનમાં આપી છે. મારે દર વર્ષે બે વખત વિદેશમાં અને ચારેક વખત ભારતમાં પ્રવાસ કરવાનું થાય છે ત્યારે મોટા ભાગે ફ્લાઇટમાં જ કરું છું. નજીકના અંતરમાં પ્રવાસ કરવો હોય તો પહેલાં ટ્રેનમાં જવાનું ગમતું નહોતું. જોકે શતાબ્દી, તેજસ અને હવે વંદે ભારત જેવી સેમી સ્પીડ અને લક્ઝુરિયસ ટ્રેનો શરૂ થઈ છે એટલે ટ્રેનમાં જવાનું પસંદ કરું છું.’


બેસ્ટ ક્વૉલિટીનો નાસ્તો-સુવિધા
ફ્લાઇટ અને ટ્રેનની મુસાફરીમાં ફરક વિશે અરવિંદભાઈએ કહ્યું હતું કે ‘ફ્લાઇટમાં જગ્યા ઓછી હોય છે એટલે સીટમાં બેસી રહેવું પડે છે, જ્યારે ટ્રેનમાં ઘણી મોકળાશ હોય છે એટલે આરામથી ફરી શકાય છે. વંદે ભારત ટ્રેન વધુ સ્પીડે ચાલતી હોવા છતાં જરાય અવાજ નથી થતો. ફ્લાઇટમાં બે માણસે વાત કરવી હોય તો અવાજને કારણે મોટા અવાજે બોલવું પડે છે. બીજું, આ ટ્રેનમાં માત્ર ૧૨૦૦ રૂપિયામાં સાડાપાંચ કલાકમાં પહોંચી જવાય છે. કૅન્ટીનનો સ્ટાફ અને ટીસીને ટ્રેઇનિંગ આપીને ટ્રેનમાં મૂકવામાં આવ્યા છે. ફૂડની ક્વૉલિટી પણ ઘણી સારી છે. કોઈએ જમવું હોય તો એ કોચની વચ્ચેના ભાગમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં બેસીને આરામથી જમી શકે છે.’

પહેલી ટિકિટ કેવી રીતે મળી?
અમદાવાદ શા માટે ગયા હતા અને પહેલી ટિકિટ કેવી રીતે મેળવી એ વિશે અરવિંદભાઈએ કહ્યું હતું કે ‘બે વર્ષ બાદ ધામધૂમથી નવરાત્રિ ઊજવાઈ રહી છે એટલે અમદાવાદની ફેમસ જીસીએ ક્લબની નવરાત્રિ માણવા માટે હું અને મારો એક મિત્ર અમદાવાદ આવ્યા છીએ. અમે પહેલાં શતાબ્દી એક્સપ્રેસની ટિકિટ લેવાનો વિચાર કર્યો હતો, પણ આજથી જ વંદે ભારત ટ્રેન શરૂ થઈ રહી હોવાની જાણ થતાં મેં એજન્ટને આ નવી સ્પેશ્યલ ટ્રેનની ટિકિટ લેવાનું કહ્યું હતું. મારા નસીબે આખી ટ્રેનની સૌથી પહેલી ટિકિટ મને મળી હતી. મોટરમૅનની પાછળના પહેલા કોચમાં પહેલી ટિકિટ મને અને બીજી મારા મિત્રને મળી હતી એ જાણીને ખૂબ જ આનંદ થયો હતો. સૌથી મહત્ત્વની વાત એ છે કે ટ્રેન એકદમ રાઇટ ટાઇમે અમદાવાદ પહોંચી હતી.’


૯૬ ટકા બુક થઈ પહેલી ટ્રેન
મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર વચ્ચે પહેલી વંદે ભારત એક્સપ્રેસ ગઈ કાલે સવારે ૬.૧૦ વાગ્યે રવાના થઈ હતી જે ૧૧.૩૫ વાગ્યે અમદાવાદ અને ૧૨.૩૦ વાગ્યે ગાંધીનગર પહોંચી હતી. ટ્રેનને સુરત, વડોદરા અને અમદાવાદ એમ ત્રણ જ સ્ટૉપ આપવામાં આવ્યાં છે. પહેલા જ દિવસે આ ટ્રેનનું ૯૬ ટકા બુકિંગ થયું હતું. વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમીત ઠાકુરે કહ્યું હતું કે ‘વંદે ભારત એકસપ્રેસ ટ્રેનમાં કુલ ૧૧૨૩ સીટ છે, જેમાંથી ૧૦૮૬ સીટ ભરાઈ ગઈ હતી એટલે કે ૯૬.૭૦ ટકા બુકિંગ થયું હતું. ટ્રેનમાં ૧૦૪ સીટ એક્ઝિક્યુટિવ ચૅર-કાર અને ૧૦૧૯ સીટ ચૅર-કારની છે. આમાંથી ૧૦૪ બેઠક એક્ઝિક્યુટિવ ચૅર-કાર અને ૯૮૨ ચૅર-કાર સીટનું બુકિંગ પહેલા જ દિવસે થયું હતું. આ ટ્રેન સોમવારથી શનિવારે દરરોજ દોડશે. નવી દિલ્હી-વારાણસી વચ્ચે પહેલી, નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે બીજી અને મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર વચ્ચે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અત્યાર સુધી શરૂ થઈ છે. રેલવે દ્વારા આવી ૧૦૦થી વધુ વંદે ભારત ટ્રેન આગામી બે વર્ષમાં દોડાવવાની યોજના છે.’

Whatsapp-channel Whatsapp-channel

02 October, 2022 08:31 AM IST | Mumbai | Prakash Bambhrolia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK