Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાંદિવલીના પ્રજ્ઞાચક્ષુ ક્રિષ્ના શેઠને બનવું છે સનદી અધિકારી

કાંદિવલીના પ્રજ્ઞાચક્ષુ ક્રિષ્ના શેઠને બનવું છે સનદી અધિકારી

18 June, 2022 10:40 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગોરાઈમાં આવેલી સેન્ટ રૉક્સ હાઈ સ્કૂલના વિદ્યાર્થી ક્રિષ્ના શેઠને ભવિષ્યમાં સનદી અધિકારી બનવું છે. આ સિવાય તેને જીવનમાં પૅરાલિમ્પિક ગેમોમાં ચૅમ્પિયનશિપ હાંસલ કરવી છે. 

કાંદિવલીના પ્રજ્ઞાચક્ષુ ક્રિષ્ના શેઠને બનવું છે સનદી અધિકારી

કાંદિવલીના પ્રજ્ઞાચક્ષુ ક્રિષ્ના શેઠને બનવું છે સનદી અધિકારી


કાંદિવલી-વેસ્ટનો પ્રજ્ઞાચક્ષુ ક્રિષ્ના શેઠ ગઈ કાલે દસમા ધોરણના જાહેર થયેલા પરિણામમાં ૮૯.૬૦ ટકા માર્ક સાથે ઉત્તીર્ણ થયો હતો. ગોરાઈમાં આવેલી સેન્ટ રૉક્સ હાઈ સ્કૂલના વિદ્યાર્થી ક્રિષ્ના શેઠને ભવિષ્યમાં સનદી અધિકારી બનવું છે. આ સિવાય તેને જીવનમાં પૅરાલિમ્પિક ગેમોમાં ચૅમ્પિયનશિપ હાંસલ કરવી છે. 
તાએ-ક્વાન-ડોમાં અત્યાર સુધીમાં અનેક મેડલ પ્રાપ્ત કરનાર ક્રિષ્નાનો જન્મ પ્રીમૅચ્યૉર બેબી તરીકે થયો હતો. જન્મ સમયે તેનું વજન ફક્ત ૧૧૦૦ ગ્રામ હતું. ક્રિષ્ના રેટિના ઑફ પ્રીમૅચ્યૉર્ડ ગ્રેડ-ફાઇવનો દરદી હોવાથી તે જીવનભર જોઈ શકવા માટે અસમર્થ છે. તે એકમાત્ર એવો પ્રજ્ઞાચક્ષુ ટીનેજર છે જેને નાની ઉંમરમાં તાએ-ક્વાન-ડોમાં અત્યાર સુધીમાં ડિસ્ટ્રિક્ટમાં ૩૨, રાજ્યમાં ૪૩, નૅશનલ લેવલ પર ૨૯ અને ઇન્ટરનૅશનલ સ્પોર્ટ્સમાં ત્રણ મેડલ મળ્યા છે. જાન્યુઆરી મહિનામાં ક્રિષ્નાએ માલશેજ ઘાટ પર ૧૯૦૦ ફુટ એશિયાની સૌથી લાંબી ટાયરોલિયન ટ્રાન્વર્સ (ઝિપ - લાઇન ક્રૉસિંગ) ૮ મિનિટ ૫૭ સેકન્ડના સમયગાળામાં પૂરી કરી હતી. ક્રિષ્ના શેઠને આ સફળતા પ્રાપ્ત કરવા માટે ભારતના પ્રથમ પ્રજ્ઞાચક્ષુ હોવા બદલ શ્રેષ્ઠ યંગ અચીવર અવૉર્ડ-૨૦૨૧નો ખિતાબ મળ્યો હતો. પ્રજ્ઞાચક્ષુ માટે આ પડકાર હોવા છતાં ક્રિષ્નાએ કરેલા આ હિંમતવાન પ્રયાસ અને એમાં મેળવેલી સફળતા માટે તેનું નામ ૨૨ ડિસેમ્બરે મૅજિક બુક ઑફ રેકૉર્ડ્સમાં નોંધવામાં આવ્યું હતું.
હું નાનપણથી જ મારી શારીરિક અક્ષમતાને ભૂલીને મારા વડીલોના આશીર્વાદ સાથે દરેક ક્ષેત્રે ઝઝૂમીને આગળ વધું છું, જેને પરિણામે આજ સુધીમાં મેં અનેક સફળતાઓ મેળવી છે એમ જણાવતાં ક્રિષ્ના શેઠે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું સ્પોર્ટ્સની સાથે ભણવામાં પણ સફળતા મેળવવા માટે તનતોડ મહેનત કરું છું. મારી સફળતા માટે મારાં બંને રાઇટરો ભૂમિ બડોરા અને સાયની બારોટે ખૂબ મહેનત કરી હતી. મારી સ્કૂલમાં હું એકલો જ સંસ્કૃતનો વિદ્યાર્થી હતો. આમ છતાં સ્કૂલના સંસ્કૃત ટીચર રાજુ દેસાઈએ મને ખૂબ જ સારો સાથસહકાર આપ્યો હતો. તેમને કારણે જ હું સંસ્કૃતમાં ૧૦૦માંથી ૯૭ માર્ક્સ લાવી શક્યો છું. મેં શિક્ષણક્ષેત્રે પણ ગોલ્ડ મેડલ મેળવ્યા છે.’ 
ક્રિષ્નાની દસમા ધોરણની સફળતા પર ગર્વ કરતાં તેની દરેક સ્પોર્ટ્સ ઍક્ટિવિટી અને અન્ય પ્રવૃત્તિઓમાં પ્રોત્સાહિત કરતી તેની માસી તરલિકા મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ક્રિષ્ના તેના ગ્રુપનો સૌથી યંગેસ્ટ અને એકમાત્ર ડિફરન્ટ્લી એબલ્ડ ટીનેજર છે. તેની ચાલી રહેલી દવાને કારણે પરીક્ષાના સમયે પણ તે દિવસમાં સૌથી વધારે કલાકો સૂતો રહેતો હતો. તેના પર પરીક્ષાનું ભયંકર સ્ટ્રેસ હતું. આમ છતાં તે ૮૯.૬૦ ટકા માર્ક્સ લાવવામાં સફળ થયો હતો એનો તેનાં મમ્મી નિકિતા શેઠ અને તેના પપ્પા નિમેષ શેઠ અને અમારા પરિવારજનોને ગર્વ છે. અમે તેની સફળતા માટે તેની સ્કૂલનાં પ્રિન્સિપાલ તેજિન્દર કૌરના સૌથી વધુ આભારી છીએ જેઓ ક્રિષ્નાને માર્ગદર્શન આપવા માટે ચોવીસ કલાક હાજર રહેતાં હતાં.’  


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2022 10:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK