° °

આજનું ઇ-પેપર
Monday, 08 August, 2022


કાંદિવલીના ગુજરાતીને કંપનીનો ડિરેક્ટર બનાવીને આપ્યો દગો

30 June, 2022 10:15 AM IST | Mumbai
Bakulesh Trivedi | bakulesh.trivedi@mid-day.com

કંપનીના ડિરેક્ટરપદ પરથી રાજીનામું આપ્યું હોવા છતાં ભૂતપૂર્વ સાથી ડિરેક્ટરોએ કરેલી છેતરપિંડીને કારણે ઇન્કમ ટૅક્સ અને બૅન્કે આપી ૭૦ લાખ રૂપિયા ભરવાની નોટિસ

કિશોર ગાલા, રોનક છેડા Crime News

કિશોર ગાલા, રોનક છેડા

કાંદિવલીમાં રહેતા અને શૅરબજારનું કામકાજ કરતા બિઝનેસમૅન સ્નેહલ ઠક્કરને તેમના જ ભૂતપૂર્વ સાથી ડિરેક્ટરોએ દગો દીધો છે. તેમણે કરેલી છેતરપિંડીને કારણે હવે ઇન્કમ ટૅક્સ અને બૅન્કે સ્નેહલ ઠક્કરને ૭૦ લાખ રૂપિયા ભરવાની નોટિસ ફટકારી છે. એથી આખરે સ્નેહલ ઠક્કરે એ પાર્ટનરો સામે પાયધુની પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવ્યો છે. પોલીસે કેસની તપાસ શરૂ કરી છે. જોકે હજી સુધી કોઈની ધરપકડ કરાઈ નથી.

પોતાની સાથે થયેલી છેતરપિંડી વિશે માહિતી આપતાં સ્નેહલ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા મિત્ર તુષાર જોશીએ ૨૦૦૪માં મારી ઓળખાણ કુમાર રાયચંદ મદન સાથે કરાવી હતી. તેમનું પણ શૅરબજારનું કામ હતું અને મારું પણ શૅરબજારનું કામ હતું. ૨૦૧૦માં તેમણે મને તેમની કંપની આરએમએલ ટ્રેડર્સ સાથે જોડાવા કહ્યું અને મને પ્રૉફિટમાં ૨૦ ટકા શૅર આપવાની ઑફર આપી હતી. એ વખતે તેમની સાથે તેમનું કામકાજ સંભાળતો તેમનો ભાણિયો રોનક દેવેન્દ્ર છેડા અને તેમના અકાઉન્ટન્ટ કિશોર ગાલા પણ હાજર હતા. એ પછી હું એ કંપનીમાં જોડાયો હતો. નવેમ્બર ૨૦૧૦માં દેના બૅન્કની ભાતબજાર શાખામાં આરએમએલ ટ્રેડર્સના કંપનીના ડિરેક્ટર તરીકે ૭૦૦૦ રૂપિયા ડિપોઝિટ ભરીને મારું કરન્ટ અકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું. એ પછી એ ખાતામાં કરોડો રૂપિયાના વ્યવહાર થયા હતા. ૨૦૧૦-’૧૧ દરમિયાન ૨.૬૫ કરોડ રૂપિયાનું નુકસાન જતાં મેં કુમાર રાયચંદ અને અન્ય ડિરેક્ટરોને કહ્યું કે આપણે આ કંપની બંધ કરી દઈએ. તેમણે કહ્યું કે આપણે ભવિષ્યમાં ધંધો કરવા આ કંપની ચાલુ રાખીએ. મેં કહ્યું કે મારી ઇચ્છા નથી એટલે મેં કંપનીના ડિરેક્ટરપદ પરથી રાજીનામું આપ્યું હતું. એ રાજીનામું મેં લેખિતમાં કુમાર રાયચંદને આપ્યું હતું. તેમણે મને એની કૉપી પર એ રાજીનામું સ્વીકાર્યું છે એમ લખી તેમની સહી કરીને આપી હતી. તેમણે કહ્યું હતું કે બૅન્ક-અકાઉન્ટમાંથી તારું નામ ડિરેક્ટર તરીકે કઢાવી નાખીશ, તું ચિંતા ન કરતો. એ પછી મારે કંપની સાથે કોઈ સંબંધ નહોતો.’

સ્નેહલ ઠક્કરે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘૨૦૧૫માં મને જાણ થઈ કે એમએલએ ટ્રેડર્સમાં હજી પણ મારું નામ ડિરેક્ટર તરીકે ચાલુ જ છે. એથી મેં કુમાર રાયચંદનો સંપર્ક કરતાં તેમણે કહ્યું કે તારે ગભરાવાની જરૂર નથી, હું જોઈ લઈશ, તને કોઈ તકલીફ નહીં પડે. એમ છતાં ઑક્ટોબર ૨૦૧૫માં દેના બૅન્કમાં જઈને મેં હું ડિરેક્ટરપદેથી નીકળી ગયો છું એની જાણ કરતો પત્ર આપ્યો હતો. ત્યાર બાદ કુમાર રાયચંદનું નિધન થયું હતું. હવે મને ઇન્કમ ટૅક્સ તરફથી નોટિસ મળી છે કે એ કંપની દ્વારા દેના બૅન્કને ચૂકવવાના ૭૦ લાખ રૂપિયા ભરાયા નથી એટલે મારા સહિત બધા જ ડિરેક્ટરો રોનક દેવેન્દ્ર છેડા, જલ રાયચંદ મદન, કિશોર ગાલા અને કલ્પેશ વિનોદરાય મહેતાએ એ રકમ ભરવી. આમ હું ડિરેક્ટરપદે ન હોવા છતાં તેમણે મને અંધારામાં રાખીને બૅન્કના વ્યવહાર કર્યા અને મારી સાથે છેતરપિંડી કરી છે. એટલે એ ચારે ડિરેક્ટરો સામે મેં પાયધુની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.’

આ બાબતે પાયધુની પોલીસ સ્ટેશનના આ કેસના ઇન્વેસ્ટિગેશન ઑફિસર પ્રશાંત પાટીલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘આવા કેસમાં પહેલાં તપાસ થતી હોય છે અને પુરાવા એકઠા કરવામાં આવતા હોય છે. અમે આરોપીઓને તેમનાં સ્ટેટમેન્ટ નોંધાવવા માટે બોલાવવાના છીએ. ત્યાર બાદ એમાં વધુ કાર્યવાહી કરવામાં આવશે. હાલ કેસમાં કોઈની ધરપકડ કરાઈ નથી.’  

આ બાબતે રોનક છેડા અને કિશોર ગાલાનો સંપર્ક કરવાની કોશિશ કરવા છતાં તેઓ નહોતા મળી શક્યા.

30 June, 2022 10:15 AM IST | Mumbai | Bakulesh Trivedi

અન્ય લેખો

મુંબઈ સમાચાર

બે ગઠિયાએ મેટલના વેપારીને ઑનલાઇન પેમેન્ટના બહાને ૨૦,૦૦૦નો ચૂનો લગાડ્યો

વેપારીએ પાયધુની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

08 August, 2022 12:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

ચિત્રકૂટના સ્ટુડિયો પાસે ફાયર બ્રિગેડનું એનઓસી જ નહોતું!

લવ રંજન ફિલ્મ્સ, રાજશ્રી પ્રોડક્શન અને સ્ટુડિયો ઑર સામે ફરિયાદ લેવા રજૂઆત

08 August, 2022 11:57 IST | Mumbai | Bakulesh Trivedi
મુંબઈ સમાચાર

પશુઓના ઘાસચારાના પૈસા ‘ખાઈ ગયો’ ગુજરાતી વેપારી

પશુઓના ખાદ્ય પદાર્થનો વ્યવસાય કરતા વેપારીનો માલ વેચાવડાવીને એજન્ટ બિપિન ઠક્કરે ૨૪ લાખ રૂપિયાનું પેમેન્ટ પચાવી પાડ્યું

08 August, 2022 11:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK