કલ્યાણનો આઠમા ધોરણનો સ્ટુડન્ટ સાથીઓ ચીડવતા હતા એટલે પણ હર્ટ થયો હતો
પ્રતીકાત્મક તસવીર
કલ્યાણના શિવાજીનગરની સ્કૂલના ૧૩ વર્ષના ટીનેજરે રવિવારે સાંજે તેના જ ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેણે તેની સુસાઇડ-નોટમાં એક ટીચર અને અન્ય સ્ટુડન્ટ્સ દ્વારા થતી તેની હૅરૅસમેન્ટને એ બદલ જવાબદાર ગણાવ્યાં હતાં. કોળસેવાડી પોલીસ-સ્ટેશનની પોલીસનું કહેવું છે કે તે સ્ટુડન્ટ ભણવામાં હોશિયાર પણ સેન્સિટિવ હતો. એટલું જ નહીં, જે ટીચરનું નામ તેણે સુસાઇડ-નોટમાં લખ્યું છે એ જ ટીચરને તેણે ગુરુપૂર્ણિમાના દિવસે ગિફ્ટમાં પેન પણ આપી હતી.
આ કેસની તપાસ કરી રહેલા કોળસેવાડી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અશોક કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તે સ્ટુડન્ટે જે ટીચરનું નામ સુસાઇડ-નોટમાં લખ્યું છે તે મૅથેમૅટિક્સની ટીચર છે. એ ટીચર સ્ટુડન્ટ્સને હોમવર્ક કરવા આપતી, પણ એ ન કર્યું હોય ત્યારે સામાન્યપણે જેવાં બહાનાં સ્ટુડન્ટ્સ બનાવતાં હોય છે એવાં જ બહાનાં આ સ્ટુડન્ટ પણ બનાવતો હતો. પહેલાં એક વાર કહ્યું કે મારી નોટબુક ખોવાઈ ગઈ છે, બીજી વાર કહ્યું કે મારા ફ્રેન્ડને બુક આપી હતી અને તેણે ફાડી નાખી છે. એટલે ટીચર તેને વઢતી હતી. એવું નહોતું કે તે હોશિયાર નહોતો. તેને યુનિટ ટેસ્ટમાં ૨૦માંથી ૧૭-૧૮ માર્ક્સ આવતા હતા. તેની સાથે એક અન્ય ઘટના બની હતી. ક્લાસનો હેડ મૉનિટર સિલેક્ટ કરવાનો હતો ત્યારની વાત છે. બૉય્ઝમાંથી એક અને ગર્લ્સમાંથી એક મૉનિટર સિલેક્ટ કરવાના હતા. એ દિવસે આ સ્ટુડન્ટ મૉનિટર બનવા માગતો હતો એટલે ક્લાસમાં ઊભો થયો હતો. તેણે પોતાની ઓળખ આપી હતી અને અન્ય ક્લાસમેટને સંબોધતી વખતે તેનાથી ભૂલથી મને બૉય્ઝ મૉનિટરની જગ્યાએ ગર્લ્સ મૉનિટર માટે સિલેક્ટ કરો એવી અપીલ કરાઈ ગઈ હતી, જેને કારણે એ વખતે ક્લાસના બધા છોકરાઓ તેના પર હસ્યા હતા અને ત્યાર બાદ કેટલાક છોકરાઓ તેને ગર્લ-ગર્લ કરીને ચીડવતા હતા જેનાથી તે હર્ટ થતો હતો. અમારા ઑફિસરે તે ટીચરને પોલીસ-સ્ટેશન આવવા કહ્યું હતું. અમે તેમનું સ્ટેટમેન્ટ નોંધ્યું છે. જોકે હાલ પણ અમે અકસ્માત મૃત્યુ અંતર્ગત જ કેસની તપાસ ચલાવી રહ્યા છીએ. કેસમાં કોઈ કલમનો ઉમેરો કરીને કોઈની ધરપકડ કરવામાં આવી નથી. તે છોકરો ભણવામાં હોશિયાર પણ સેન્સિટિવ હતો એવું તપાસમાં જણાઈ આવ્યું છે.’
ADVERTISEMENT
રવિવારે સાંજે આત્મહત્યા કરનાર ટીનેજરના પિતા ઑફિસ ગયા હતા, જ્યારે એ જ સ્કૂલમાં ભણતી તેની મોટી બહેન અને મમ્મી બન્ને બહાર ગયાં હતાં. પિતા ઘરે આવ્યા ત્યારે તેમણે જોયું કે અંદરથી બંધ એવા ઘરમાં કોઈ દરવાજો નથી ખોલી રહ્યું. ત્યારે તેમણે બારીમાંથી અંદર જોતાં તે ડઘાઈ ગયા હતા. ટીનેજરે પંખા સાથે ગળાફાંસો ખાઈ લટકીને જીવન ટૂંકાવી દીધું હતું. એથી તે ગભરાઈ ગયા હતા. પાડોશીઓએ પોલીસને જાણ કરતાં પોલીસ આવી પહોંચી હતી. તેને નીચે ઉતારી સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, પણ ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો. તેની મોટી બહેનને તેની બુકમાંથી તેણે લખેલી સુસાઇડ-નોટ મળી આવી હતી જે પાછળથી પોલીસને સોંપવામાં આવી હતી. પોલીસે તેના મૃતદહેનું પોસ્ટમૉર્ટમ થયા બાદ એ તેના પરિવારને સોંપ્યો હતો.