Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જ્વેલરો ભગવા ઝંડાના શરણે

જ્વેલરો ભગવા ઝંડાના શરણે

09 April, 2016 03:17 AM IST |

જ્વેલરો ભગવા ઝંડાના શરણે

જ્વેલરો ભગવા ઝંડાના શરણે


jeweller

બંધ કરો : ભગવા ઝંડા સાથે ઘાટકોપરના ત્રિભોવનદાસ ભીમજી ઝવેરીના શોરૂમ પર ગયેલા જ્વેલરો. તસવીરો : રોહિત પરીખ


રોહિત પરીખ

કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલી જ્વેલરી પર એક ટકો એક્સાઇઝના વિરોધમાં જ્વેલરોના ૩૮ દિવસથી ચાલી રહેલા બેમુદત બંધની સામે કેન્દ્ર સરકાર પોતાના વલણમાં અક્કડ રહી હોવાથી ગઈ કાલે જ્વેલરોએ ગુઢીપાડવા હોવા છતાં તેમના શોરૂમ બંધ રાખ્યા હતા. શિવસેનાના નેતાઓએ છેલ્લા અઠવાડિયામાં એવી જાહેરાત કરી હતી કે આ મુદ્દે જ્વેલરોને સાથ આપવા અને મહારાષ્ટ્ર બંધ કરાવવા માટે શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે અને શિવસૈનિકો રોડ પર ઊતરશે. જોકે હજી સુધી શિવસેના જ્વેલરોની સાથે રોડ પર ઊતરી નથી, પરંતુ ગઈ કાલે અમુક જાણીતા જ્વેલરોના શોરૂમ બંધ કરાવવા માટે જ્વેલરોએ ખુલ્લેઆમ શિવસેનાના ભગવા ઝંડાનો સહારો લીધો હતો જે અમુક અંશે અસરકારક રહ્યો હતો.




jeweller


ચેમ્બુરના તનિષ્ક ધ જ્વેલરના શોરૂમની બહાર નારા લગાડી રહેલા જ્વેલરો.


ગુઢીપાડવા મહારાષ્ટ્રિયનોનું નવું વર્ષ હોવા છતાં ગઈ કાલે જ્વેલરોએ તેમના શોરૂમ બંધ રાખ્યા હતા. જોકે તેમની સાથે તનિષ્ક ધ જ્વેલર, ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી, વામન હરિ પેઠે સન્સ જેવા જાણીતા જ્વેલરો બંધમાં જોડાયા નહોતા. એને બંધ કરાવવા માટે ગઈ કાલે ઘાટકોપરના જ્વેલરો શિવસેનાના ભગવા ઝંડા સાથે રોડ પર ઊતરી ગયા હતા. આવી જ રીતે ગુરુવારે વેસ્ટર્ન સબબ્ર્સમાં જ્વેલરો ભગવા ઝંડા સાથે રોડ પર ઊતરી ગયા હતા અને જે જ્વેલરોએ તેમના શોરૂમ ખુલ્લા રાખ્યા હતા એમને બંધ કરાવ્યા હતા.

આ બાબતમાં ભગવા ઝંડા સાથે રોડ પર ઊતરેલા જ્વેલરોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અઠવાડિયા પહેલાં ઉદ્ધવ ઠાકરેએ સેનાભવનમાં શિવસેનાના મુંબઈ વ્યાપારી સંગઠનના અધ્યક્ષ બિરેન લિમ્બાચિયાના અધ્યક્ષપદ હેઠળ જ્વેલરોનાં મુંબઈભરનાં અસોસિએશનોના પ્રતિનિધિઓ સાથે મીટિંગ લીધી હતી. એમાં તેમણે જાહેર કર્યું હતું કે તેઓ કેન્દ્ર સરકારને પાંચ દિવસનો સમય આપશે, એ સમયમાં શિવસેનાના સંસદસભ્યો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાપ્રધાન અરુણ જેટલી સાથે મીટિંગ કરીને એક્સાઇઝ રોલબૅક કરવા માટે દબાણ કરશે, એમાં સફળતા નહીં મળે તો શિવસેના મહારાષ્ટ્રભરમાં જ્વેલરોની સાથે રોડ પર ઊતરીને ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. આ જાહેરાતને લીધે જ્વેલરોમાં ઉત્સાહનું વાતાવરણ સરજાયું હતું. જ્વેલરો અને સુવર્ણકારોને આશા જન્મી હતી કે હવે તેમના પર લાદવામાં આવેલી એક્સાઇઝ રોલબૅક થશે જ અને તેઓ જીતી જશે. જોકે એક અઠવાડિયા પછી પણ શિવસેના દ્વારા કોઈ જ આંદોલનની જાહેરાત કરવામાં આવી નથી.’


jeweller


ઘાટકોપરમાં ગઈ કાલે ખુલ્લો રહેલો વામન હરી પેઠે સન્સનો શોરૂમ અને એને બંધ કરાવવા ગયેલા જ્વેલરો.

ઉપરીઓનો આદેશ ન હોવા છતાં નવી મુંબઈ, ચેમ્બુર અને વેસ્ટર્નનાં સબબ્ર્સમાં શિવસેનાના અનેક નેતાઓ પડદા પાછળથી અમારા આંદોલનને સાથ-સહકાર આપી રહ્યા છે એને કારણે અમારામાં જોશ આવી ગયું છે એમ જણાવતાં જ્વેલરોએ કહ્યું હતું કે ‘આમ પણ અમારા શાંતિપૂર્વક આંદોલનની સરકાર પરવા કરતી નથી એટલે એમાં ઉગ્રતા જરૂરી છે. શિવસેનાના સાથથી અમે ઉગ્ર આંદોલન કરીને જીત મેળવી શકીશું. જોકે જ્યાં સુધી તેઓ ખુલ્લા રોડ પર ઊતરીને ન આવે ત્યાં સુધી શિવસેનાનો ભગવો ઝંડો અમારી સાથે રહેશે. એ અમને સુરક્ષા અને જોશ પૂરાં પાડશે.’

ગોરેગામ જ્વેલર્સ અસોસિએશનના અધ્યક્ષ અને મુંબઈના શિવસેનાના વ્યાપારી સંગઠનના અધ્યક્ષ બિરેન લિમ્બાચિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને હજી સુધી સેનાભવનમાંથી રોડ પર ઊતરવાનો આદેશ મળ્યો નથી. ત્યાં સુધી કોઈ પણ શિવસૈનિક આંદોલન કરવા રોડ પર નહીં ઊતરે. અમારા કોઈ કાર્યકરો રોડ પર ઊતર્યા નથી. જોકે અમને પણ એવા સમાચાર મળ્યા છે કે નવી મુંબઈ, ચેમ્બુર, ઘાટકોપર, સાંતાક્રુઝ, મલાડ, બોરીવલી જેવાં અનેક ઉપનગરોમાં જ્વેલરો શિવસેનાનો ભગવો ઝંડો મોટરબાઇક પર લગાડીને કે હાથમાં લઈને જે જ્વેલરોએ તેમના શોરૂમ ખુલ્લા રાખ્યા હતા એને બંધ કરાવવા ગયા હતા.’

આ બાબતમાં બિરેન લિમ્બાચિયાએ ખુશાલી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘આની સામે અમારો સહેજ પણ વિરોધ નથી. આમ પણ ભારતીય જનતા પાર્ટીના ૩૮ દિવસના વલણથી વર્ષોથી તેમની સાથે જોડાયેલા જ્વેલરો નારાજ છે અને હજારો જ્વેલરો ટૂંક સમયમાં શિવસેનામાં જોડાવાના જ છે. એ પહેલાં જ આ જ્વેલરોએ ભગવો ઝંડો હાથમાં લઈને શિવસેનાની શાનમાં વધારો કર્યો છે. ભગવો ઝંડો હાથમાં લઈને શિવસેના પ્રત્યે તેમણે વિશ્વાસ જાહેર કર્યો છે. આ તો શિવસેના માટે ખુશીની વાત છે.’

TBZ દ્વારા પોલીસસુરક્ષાની માગણી

જ્વેલરોના બેમુદત બંધ દરમ્યાન ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી (TBZ)ના ઘાટકોપરના શોરૂમને બંધ કરાવવા માટે બે વાર જ્વેલરો મોરચો લઈને ગયા હતા. આની સામે TBZએ મુંબઈના પોલીસ-કમિશનર સુધી પત્ર લખીને પોલીસ-બંદોબસ્તની માગણી કરી છે. આ બાબતની માહિતી આપતાં TBZના બિઝનેસ-હેડ દિવ્યેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલના જ્વેલરોના મોરચામાં આવેલા જ્વેલરોએ શટર પર ધબાધબી કરી હતી. આથી અમે પોલીસ પાસે બંદોબસ્તની માગણી કરી હતી. અમને વિશ્વાસ છે કે અમારા જ્વેલરો તોડફોડ કરે નહીં, પણ મોરચામાં ઘૂસી જઈને કોઈ પણ અસામાજિક તત્વો એનો ગેરફાયદો ઉઠાવે તો શોરૂમને, સ્ટાફને અને ત્યારે હાજર હોય એ ઘરાકોને નુકસાન પહોંચવાની સંભાવના હોવાથી અમે પોલીસ-બંદોબસ્તની માગણી કરી હતી. અમે કોઈ પણ જ્વેલરો કે અસોસિએશન સામે કોઈ જ પ્રકારની ફરિયાદ કરી નથી. જોકે ગઈ કાલે અમે મોરચો આવ્યા પછી શોરૂમ બંધ કરી દીધો હતો.’

તનિષ્ક અડધા શટરે

ગઈ કાલે ચેમ્બુરના તનિષ્ક ધ જ્વેલરના શોરૂમ પર પણ જ્વેલરો બંધ કરવા માટે મોરચો લઈને ગયા હતા, પરંતુ ત્યાંના મૅનેજમેન્ટે ઘરાકો બેઠા છે એમ કહીને સમય પસાર કર્યો હતો. આખરે ત્રણ કલાક પછી બંધ કરવા ગયેલા જ્વેલરો ઉશ્કેરાયા હતા. એ સમયે પોલીસે મધ્યસ્થી કરીને તનિષ્કના શોરૂમનું શટર બંધ કરાવી દીધું હતું, પરંતુ અંદર કામકાજ ચાલુ જ હતું.

અમે બંધ નહી કરીએ

ઘાટકોપર (ઈસ્ટ)માં આવેલા વામન હરી પેઠે સન્સના શોરૂમ પર ગયેલા જ્વેલરોને નિરાશા સાંપડી હતી. શોરૂમના મૅનેજમેન્ટે પહેલેથી જ પોલીસ-બંદોબસ્ત રાખ્યો હતો. જ્વેલરોએ સમજાવવા છતાં મૅનેજમેન્ટે સ્પષ્ટ શબ્દોમાં શોરૂમ બંધ કરવાનો ઇનકાર કર્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

09 April, 2016 03:17 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK