° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


કોર્ટની ઐસીતૈસી, મરાઠી જ છે મોટી

13 January, 2022 08:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આવા વલણ સાથે મહારાષ્ટ્ર સરકારે તમામ દુકાનોનાં નામ મરાઠીમાં લખવાનો અને એના લખાણની સાઇઝ બીજી ભાષાઓનાં લખાણ કરતાં મોટાં હોવાં જોઈએ એવો હુકમ આપ્યો છે

કોર્ટની ઐસીતૈસી, મરાઠી જ છે મોટી

કોર્ટની ઐસીતૈસી, મરાઠી જ છે મોટી


મુંબઈ : રાજ્યની મહા વિકાસ આઘાડી સરકારની ગઈ કાલે કૅબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યમાં ફરી પાછો મરાઠી ભાષાને મહત્ત્વ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યની તમામ દુકાનોનાં પાટિયાં પર મરાઠી ભાષામાં મોટા અક્ષરે નામ લખવાના પ્રસ્તાવને કૅબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. આથી હવે રાજ્યની તમામ દુકાનોનાં નામ મોટા અક્ષરે મરાઠીમાં લખાયેલાં જોવા મળશે. કોઈક દુકાન કે ઑફિસમાં એક જ વ્યક્તિ કામ કરતી હશે તો પણ મરાઠીમાં નામ લખાવવાનો નિયમ હશે, એમ કૅબિનેટની બેઠક બાદ રાજ્યના ગૃહનિર્માણ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું.
જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે ‘દુકાનનાં પાટિયાં મરાઠીમાં હોવા બાબતે મહારાષ્ટ્ર શૉપ્સ ઍન્ડ એસ્ટૅબ્લિશમેન્ટ ઍક્ટ ૨૦૧૭ના નિયમ લાગુ થતા હોવાથી ૧૦થી ઓછા કર્મચારી હોય તો દુકાનો અને એસ્ટૅબ્લિશમેન્ટ નિયમમાં ન આવતાં હોવાનું જણાયું હતું. આવી અનેક ફરિયાદ રાજ્ય સરકારને મળી છે અને એના પર ઉપાય યોજના કરવાની માગણી કરવામાં આવી હતી એથી કૅબિનેટની બેઠકમાં આજે શૉપ્સ ઍન્ડ એસ્ટૅબ્લિશમેન્ટ ઍક્ટ ૨૦૧૭માં સુધારો કરવાનો નિર્ણય લીધો હતો. હવે નાની દુકાનો પર પણ મરાઠી ભાષામાં જ મોટા અક્ષરે નામ લખાવવાનાં રહેશે. આ નિયમમાં મરાઠી ભાષાના અક્ષરથી મોટા અંગ્રેજી, હિન્દી, ગુજરાતી કે બીજી ભાષામાં નામ લખી નહીં શકાશે. રાજ્યના મરાઠી ભાષા પ્રધાન સુભાષ દેસાઈએ આ માટે મંત્રાલયમાં સંબંધિતો સાથે બેઠક યોજી હતી અને કાયદામાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.’
જોકે નવાઈની વાત એ છે કે આ મુદ્દા પર રીટેલ વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતું ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશન મુંબઈ હાઈ કોર્ટમાં ગયું હતું અને પોતાની તરફેણમાં વચગાળાનો આદેશ પણ લાવ્યા હતા. આ બાબતે અસોસિએશનના પ્રેસિડન્ટ વીરેન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બાબતે હાઈ કોર્ટનો ઇન્ટરિમ સ્ટે હોવા છતાં રાજ્ય સરકારે આવો નિર્ણય કઈ રીતે લીધો એ મારે જોવું પડશે. અમે મરાઠી ભાષાની ખિલાફ નથી. દુકાનોની બહાર મરાઠીમાં નામ હોવું જોઈએ અને આ વાત અમે કોર્ટને પણ કહી છે. અમારો વિરોધ સૌથી મોટા અક્ષરે મરાઠીમાં નામ લખવા સામે છે અને આ બાબતે હાઈ કોર્ટે અમને રાહત આપી હતી. હવે અત્યારે કોવિડના સમયમાં લોકોના કામધંધા હજી પાટે નથી ચડ્યા ત્યારે વેપારીઓ પર આ રીતે આર્થિક બોજ નાખવો યોગ્ય નથી. પોતાના રાજકારણ માટે આ રીતે વેપારીઓને હેરાન ન કરવા જોઈએ. મારી સરકારને વિનંતી છે કે આ રાજકારણથી વેપારીઓને દૂર રાખો.’

બૉક્સ
પ્રૉપર્ટી-ટૅક્સમાં માફીના પ્રસ્તાવને મંજૂરી અપાઈ
મુંબઈમાં ૫૦૦ ચોરસ ફુટ સુધીનાં ફ્લૅટ-મકાનોને પ્રૉપર્ટી-ટૅક્સમાં માફી આપવાની જાહેરાત મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આ વર્ષની શરૂઆતમાં કરી હતી. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય શિવસેના માટે મહત્ત્વનો હતો. આજની કૅબિનેટ બેઠકમાં માફીના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. મુંબઈની સાથે થાણેમાં પણ પ્રૉપર્ટી-ટૅક્સમાં માફી આપવાનો પ્રસ્તાવ સરકારને મળ્યો છે, તેના પર પણ ટૂંક સમયમાં નિર્ણય લેવાશે એમ જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું. મુંબઈમાં ૫૦૦ ચોરસ ફુટનાં અંદાજે ૧૫ લાખ ઘર છે, જેમાં ૨૮ લાખ કુટુંબ રહે છે તેમને આ માફીથી ફાયદો થશે.

બૉક્સ
સ્કૂલ-બસને ટૅક્સમાં માફી
કોવિડને કારણે સ્કૂલો બંધ છે ત્યારે બાળકોને લાવવા-લઈ જવા માટે ઉપયોગમાં લેવાતી રાજ્યભરની સ્કૂલોની માલિકીની, સ્કૂલ-બસ તરીકે ઉપયોગમાં લેવાતી બસો, સ્કૂલે કૉન્ટ્રૅક્ટ ધોરણે લીધેલી બસો અને માત્ર સ્કૂલનાં બાળકોને લાવવા-લઈ જવા માટે ઉપયોગમાં લેવાતી હોય એવી બસોના માલિકોને ૨૦૨૦ની ૧ એપ્રિલથી ૨૦૨૨ની ૩૧ માર્ચ દરમ્યાન વાર્ષિક ટૅક્સમાં ૧૦૦ ટકા માફી આપવાનો નિર્ણય રાજ્યની કૅબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે. જે બસમાલિકોએ આ સમય દરમ્યાન ટૅક્સ ભર્યો હશે એને આગામી વર્ષમાં ઍડ્જસ્ટ કરવામાં આવશે.

13 January, 2022 08:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Mumbai Corona Cases: દર્દીઓની સંખ્યા ઘટી, છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા 1815 નવા કેસ

સારવાર દરમિયાન 10 મૃત્યુ પામ્યા હતા

25 January, 2022 08:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Mumbai Winter Memes: મુંબઈની ઠંડીના ચમકારાએ નેટિઝન્સને આપી ગજબ ક્રિએટીવીટી

નેટિઝન્સે મુંબઇ વિન્ટરના હેશટૅગને કેવા જાતભાતના મીમ્સ બનાવીને સોલીડ ટ્રેન્ડ કરાવ્યું હતું, જેઠાલાલથી માંડીને રજનીકાંત આ મીમ્સનો ભાગ બન્યા

25 January, 2022 06:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

નવાબ મલિકની અભદ્ર ટિપ્પણી; કહ્યું કિરીટ સોમૈયા ભાજપની આઈટમ ગર્લ છે

બીજેપી નેતા કિરીટ સોમૈયા સતત મહાવિકાસ આઘાડી સરકારની ટીકા કરી રહ્યા છે.

25 January, 2022 04:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK