Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જામીનની શરતો જ્યાં સુધી ફાઇનલ નહીં થાય ત્યાં સુધી ઇન્દ્રાણી રહેશે જેલમાં

જામીનની શરતો જ્યાં સુધી ફાઇનલ નહીં થાય ત્યાં સુધી ઇન્દ્રાણી રહેશે જેલમાં

19 May, 2022 07:51 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એના માટે તેના વકીલો સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટમાં કરશે અરજી ઃ બહાર આવ્યા બાદ તે સૌથી પહેલું કામ પોતાની બાકી રહેલી આત્મકથા પૂરી કરવાનું કરશે

ઇન્દ્રાણી મુખરજી

ઇન્દ્રાણી મુખરજી



મુંબઈ : ગઈ કાલે સુપ્રીમ કોર્ટે સાડાછ વર્ષ જેલમાં રહેનાર ઇન્દ્રાણી મુખરજીના જામીન તો મંજૂર કર્યા હતા, પણ તે શુક્રવાર પહેલાં બહાર નહીં આવી શકે. તેનાં વકીલ સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટમાં જામીનની શરતો ફાઇનલ કરવા માટે એક અરજી દાખલ કરશે. એના પછી જ દીકરીની હત્યાના કેસમાં જેલમાં રહેલી ઇન્દ્રાણી મુખરજી બહાર આવી શકશે.
જોકે આ બધા વચ્ચે અત્યારે તેનું વરલીમાં આવેલું ઘર તૈયાર કરવામાં આવી રહ્યું છે અને ઘરે આવ્યા બાદ આ જ ઘરમાં તે પોતાની બાકી રહેલી આત્મકથા પૂરી કરશે. ઇન્દ્રાણી વતી આ બધી તૈયારી તેની વકીલ અને ફ્રેન્ડ એડિથ ડે કરી રહ્યાં છે. તેમની વચ્ચે એટલા ગાઢ સંબંધ બની ગયા છે કે ઇન્દ્રાણીએ તેને પોતાનું ફન્ડ વાપરવાની પણ છૂટ આપી છે. પીટર મુખરજી સાથેના છૂટાછેડા વખતે પણ તેઓ ઇન્દ્રાણી સાથે જ રહ્યાં હતાં.
ઇન્દ્રાણી મુખરજીના જામીન મંજૂર કરતાં કોર્ટે કહ્યું હતું કે તે સાડાછ વર્ષથી કસ્ટડીમાં છે અને કેસની સુનાવણી હજી લાંબી ચાલે એમ છે એથી તેના જામીન મંજૂર કરાય છે. ઇન્દ્રાણી મુખરજીએ કેસની સુનાવણી કરી રહેલી સીબીઆઇ કોર્ટમાં જામીનઅરજી કરી હતી એ કોર્ટે ફગાવી દેતાં ઇન્દ્રાણીએ ફેબ્રુઆરી ૨૦૨૨માં સુપ્રીમ કોર્ટમાં જામીનઅરજી કરી હતી. એ અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે તેને જામીન મંજૂર કર્યા હતા. 
આ અરજીનો વિરોધ કરતાં સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરતાં કહ્યું હતું કે ઇન્દ્રાણી મુખરજી બહુ જ વગદાર છે અને તે સાક્ષીઓ પર દબાણ લાવી શકે છે. જોકે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એલ. નાગેશ્વરરાવ, જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ એ. એસ. બોપ્પનાએ જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે હત્યાનો આ કેસ સાંયોગિક પુરાવાઓના આધારે ચાલ્યો હતો અને જો ૫૦ ટકા જેટલા સાક્ષીઓ પણ એમાંથી હટી જાય તો પણ કેસની ટ્રાયલ ચાલતી રહેશે. 

શું હતો શીના બોરા મર્ડરકેસ?
ઇન્દ્રાણી મુખરજીની ૨૦૧૫માં તેની જ દીકરી શીના બોરાની હત્યા કરવાના આરોપસર ધરપકડ કરાઈ હતી. તેનો ડ્રાઇવર અન્ય એક કેસમાં પકડાયો ત્યારે તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરતાં કહ્યું હતું કે ૨૪ એપ્રિલ ૨૦૧૨એ ઇન્દ્રાણીએ તેના ભૂતપૂર્વ પતિ સંજીવ ખન્ના સાથે મળીને કારમાં જ શીનાની હત્યા કરી હતી અને ત્યાર બાદ તેના મૃતદેહને બીજા દિવસે મહારાષ્ટ્રના પેણ નજીકના ગાગોડે ગામ નજીકના જંગલમાં એક સૂટકેસમાં ભરી એના પર પેટ્રોલ નાખીને સળગાવી દીધો હતો. ત્યાર બાદ પોલીસે ઇન્દ્રાણી મુખરજી અને અન્યની ધરપકડ કરી હતી.  



ટાઇમલાઇન
૧૦ નવેમ્બર ૨૦૦૨ : ઇન્દ્રાણી મુખરજીએ પીટર મુખરજી સાથે લગ્ન કર્યાં.
૨૪ એપ્રિલ ૨૦૧૨ : શીના બોરાના એમ્પ્લોયરને તેનો રેઝિગ્નેશન લેટર મળ્યો. સીબીઆઇનું કહેવું છે કે એ રેઝિગ્નેશન લેટર શીનાના ભાઈ મિખાઇલે તેના મૃત્યુ પછી મોકલાવ્યો હતો. ઇન્દ્રાણીનું કહેવું હતું કે શીના વિદેશ ભણવા ગઈ છે. 
૨૩ મે ૨૦૧૨ : પેણની સ્થાનિક પોલીસને કોહવાઈ ગયેલો મૃતદેહ મળ્યો. સીબીઆઇનું કહેવું છે કે એ શીનાનો મૃતદેહ હતો.
૨૧ ઑગસ્ટ ૨૦૧૫ : મુંબઈ પોલીસે ઇન્દ્રાણી મુખરજીના ભૂતપૂર્વ ડ્રાઇવર શ્યામવર રાયની ગેરકાયદે હથિયાર રાખવાના મામલામાં ધરપકડ કરી. તેણે માહિતી આપતાં કહ્યું કે ઇન્દ્રાણીએ ૨૦૧૨માં તેના ભૂતપૂર્વ પતિ સંજીવ ખન્ના સાથે મળીને શીનાની હત્યા કરી હતી અને ઇન્દ્રાણી મુખ્ય આરોપી હતી.
૨૫ ઑગસ્ટ ૨૦૧૫ : ખાર પોલીસે ઇન્દ્રાણી મુખરજીની ધરપકડ કરી.
૨૬ ઑગસ્ટ ૨૦૧૫ : ઇન્દ્રાણીના ભૂતપૂર્વ પતિ સંજીવ ખન્નાની કલકત્તામાં ધરપકડ કરાઈ.
૩૦ ઑગસ્ટ ૨૦૧૫ : પોલીસ ઇન્દ્રાણી, સંજીવ ખન્ના અને ડ્રાઇવર શ્યામવર રાયને પેણ લઈ ગઈ અને શીના બોરાના મૃતદેહનો કઈ રીતે નાશ કરાયો એ સીન રીક્રીએટ કર્યો. 
૧ સપ્ટેમ્બર ૨૦૧૫ : કલકત્તાના બિઝનેસમૅન સિદ્ધાર્થ દાસે દાવો કર્યો કે તે શીનાનો બાયોલૉજિકલ પિતા છે. 
૩ સપ્ટેમ્બર ૨૦૧૫ : ઇન્દ્રાણીએ ગુનો કબૂલી લીધો હોવાનો પોલીસનો દાવો.
૧૦ સપ્ટેમ્બર ૨૦૧૫ : પોલીસે ઇન્દ્રાણીએ શિના અને મિખાઇલને મોકલાવેલી ઈ-મેઇલ મેળવી.
૧૮ સપ્ટેમ્બર ૨૦૧૫ : કેસ સીબીઆઇને ટ્રાન્સફર કરાયો.
૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ : સીબીઆઇએ ઇન્દ્રાણી, સંજીવ ખન્ના અને ડ્રાઇવર શ્યામવર રાય સામે એફઆઇઆર નોંધ્યો. 
૧૯ નવેમ્બર ૨૦૧૫ : સીબીઆઇએ ઇન્દ્રાણીના પતિ પીટર મુખરજીની ધરપકડ કરી અને ઇન્દ્રાણી, સંજીવ ખન્ના અને ડ્રાઇવર શ્યામવર રાય સામે ચાર્જશીટ દાખલ કરી. 
૧૬ ફેબ્રુઆરી ૨૦૧૬ : સીબીઆઇએ પીટર મુખરજી સામે ચાર્જશીટ ફાઇલ કરી.
૨૧ ઑક્ટોબર ૨૦૧૬ : સીબીઆઇએ બીજી સપ્લિમેન્ટરી ચાર્જશીટ ફાઇલ કરી.
૧૯ ડિસેમ્બર ૨૦૧૬ : સીબીઆઇએ આરોપીઓ સામે ચાર્જિસ નક્કી કરવા દલીલો ચાલુ કરાઈ. 
જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૧૭ : કોર્ટમાં કેસની સુનાવણી શરૂ થઈ. સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે ઇન્દ્રાણી, પીટર, સંજીવ ખન્ના અને શ્યામવર રાય સામે શીના બોરાની હત્યા કરવા સહિત કાવતરું ઘડી કાઢવું, અપહરણ કરવું, પુરાવાનો નાશ કરવો અને જૂઠી માહિતી આપવાના ચાર્જિસ ઠેરવ્યા. 
૪ ઑક્ટોબર ૨૦૧૯ : ઇન્દ્રાણી અને પીટર તેમના લગ્નજીવનનો અંત લાવ્યા. ફૅમિલી કોર્ટે તેમના છૂટાછેડા મંજૂર કર્યા. 
૬ ફેબ્રુઆરી ૨૦૨૦ : કેસમાં પ્રાઇમાફેસી પીટરની સંડોવણી ન જણાતાં સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે તેના જામીન મંજૂર કર્યા.
૨૦ માર્ચ ૨૦૨૦ : સીબીઆઇએ પીટરના જામીનને પડકારવાનું માંડી વાળતાં પીટર મુખરજી આર્થર રોડ જેલમાંથી બહાર આવી ગયો. 
જુલાઈ ૨૦૨૧ : સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે ઇન્દ્રાણી મુખરજીની જામીનઅરજી ફગાવી.
૧૬ નવેમ્બર ૨૦૨૧ : હાઈ કોર્ટે ઇન્દ્રાણીની જામીનઅરજી એમ કહી ફગાવી કે ડ્રાઇવર શ્યામ રાયે કહ્યું હતું કે શીનાની હત્યા કરવામાં તે મુખ્ય આરોપી હતી. એ સિવાય તેણે પોતાની જે બીમારીનાં કારણો આપ્યાં છે બઢાવી-ચઢાવીને કહેવાયાં છે. 
ડિસેમ્બર ૨૦૨૧ : ઇન્દ્રાણીએ હાઈ કોર્ટમાં અરજી કરીને જણાવ્યું કે શીના જીવિત છે અને તે શ્રીનગરમાં છે. 
૧૦ ફેબ્રુઆરી ૨૦૨૨ : ઇન્દ્રાણીએ સુપ્રીમ કોર્ટમાં જામીનઅરજી કરી.
૧૮ મે ૨૦૨૨ : સુપ્રીમ કોર્ટે ઇન્દ્રાણીની અરજી માન્ય રાખીને તેના જામીન મંજૂર કર્યા.  


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2022 07:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK