Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લૉકડાઉન વખતે ઑનલાઇન ઇન્શ્યૉરન્સ લીધો હોય તો એને એક વાર ચેક કરી લેજો

લૉકડાઉન વખતે ઑનલાઇન ઇન્શ્યૉરન્સ લીધો હોય તો એને એક વાર ચેક કરી લેજો

24 November, 2021 07:52 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહામારીનો ફાયદો લઈને જાણીતી ઇન્શ્યૉરન્સ કંપનીના નામે છેતરતી સાઇબર ગૅન્ગ પકડાઈ : કાંદિવલીમાં રહેતા સિનિયર સિટિઝને ઑનલાઇન ઇન્શ્યૉરન્સમાં સારું રિટર્ન અને વ્યાજ-ફ્રી લોન મેળવવાની લાલચમાં ૧૯.૨૭ લાખ રૂપિયા ગુમાવ્યા

લૉકડાઉન વખતે ઑનલાઇન ઇન્શ્યૉરન્સ લીધો હોય તો એને એક વાર ચેક કરી લેજો

લૉકડાઉન વખતે ઑનલાઇન ઇન્શ્યૉરન્સ લીધો હોય તો એને એક વાર ચેક કરી લેજો


ઇન્શ્યોરન્સ પૉલિસીમાં રોકાણ કરીને વધારે રિટર્નની સાથે ઝીરો ટકા વ્યાજે લોન અપાવવાના નામે એક સિનિયર સિટિઝન સાથે ૧૯.૨૭ લાખ રૂપિયાની ચીટિંગ કરવાના આરોપસર સાઇબર પોલીસે ૬ આરોપીની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓએ ફરિયાદીના પુત્રના નામે ઑનલાઇન ઇન્શ્યૉરન્સ પૉલિસીનું પ્રીમિયમ લઈને બોગસ પૉલિસી પધરાવી દીધી હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું. મુંબઈની સાઇબર પોલીસે ઉત્તર પ્રદેશની સાઇબર પોલીસ સાથે મળીને જેલમાં બંધ કેટલાક આરોપીઓનો તાબો મેળવીને તેમના બૅન્ક-ખાતામાંથી ૨,૦૯,૯૬૮ રૂપિયા મેળવ્યા છે. આ ઇન્શ્યૉરન્સ ફ્રૉડ ગૅન્ગ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હી સહિતનાં રાજ્યોમાં સક્રિય હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે. લૉકડાઉનમાં તમામ ઇન્શ્યૉરન્સ કંપનીની ઑફિસો બંધ હોવાથી આરોપીઓએ ઑનલાઇન પૉલિસી વેચવાના નામે અસંખ્ય લોકોને છેતર્યા હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
સાઇબર પોલીસના જણાવ્યા મુજબ કાંદિવલીમાં રહેતા એક સિનિયર સિટિઝનને જૂન ૨૦૨૦થી ૩ માર્ચ ૨૦૨૧ દરમ્યાન વિવિધ જાણીતી ઇન્શ્યૉરન્સ કંપનીના અધિકારી કે કર્મચારી તરીકે બાની સિંહ, વિજય મહેતા, દીપક દુબે, સ્નેહા અને પૂજા નામની વ્યક્તિઓ દ્વારા ઑનલાઇન ઇન્શ્યૉરન્સ પૉલિસી લઈને એમાં સારું રિટર્ન તેમ જ ઝીરો ટકાએ લોન અને જીવનભર પેન્શન આપવાના કૉલ કરવામાં આવ્યા હતા. તેમણે ફરિયાદીને પૉલિસી લઈને ૭૧.૮૭ લાખનું રિટર્ન, ૧૨ લાખની લોન અને જીવનભર પેન્શન આપવાનું કહીને તેમને ૧૮.૯૮ લાખ રૂપિયા ડિપોઝિટ કરવાનું કહ્યું હતું. આરોપીઓએ ફરિયાદીનો વિશ્વાસ મેળવવા માટે હૈદરાબાદથી આઇઆરડીએના અધિકારીના નામે કૉલ પણ કર્યો હતો. આથી જાણીતી ઇન્શ્યૉરન્સ કંપની અને ઇન્શ્યૉરન્સ રેગ્યુલેટરી અધિકારી ખોટું નહીં જ બોલતા હોય એમ માનીને ૧૯,૨૭,૯૦૬ રૂપિયા ઇન્શ્યૉરન્સની પૉલિસી કઢાવવા માટે તેમણે આપેલા અકાઉન્ટમાં ડિપોઝિટ કરી દીધા હતા.
જોકે આ રકમ ડિપોઝિટ કરાયા બાદ તમામ આરોપીઓએ ફરિયાદીનો ફોન લેવાનું બંધ કરી દીધું હતું અથવા તો કેટલાકના નંબર સ્વિચ્ડ-ઑફ થઈ ગયા હોવાથી છેતરાયા હોવાનો અહેસાસ થતાં તેમણે મુંબઈ પોલીસના ઉત્તર વિભાગ સાઇબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાઇબર પોલીસે તપાસ કરતાં ખ્યાલ આવ્યો હતો કે આ ખૂબ મોટું સ્કૅમ છે, જે મહારાષ્ટ્રની સાથે દિલ્હી, હરિયાણા, તેલંગણા અને ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોમાં ફેલાયેલું છે. ઉત્તર પ્રદેશના લખનઉમાં આ પ્રકારની જ ફરિયાદ નોંધવામાં આવી છે અને એમાં કેટલાક આરોપીઓ પહેલેથી જેલમાં છે. 
ઉત્તર વિભાગ સાઇબર પોલીસનાં સિનિયર ઇન્સ્પેક્ટર સરલા વસાવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બે આરોપીઓ મોબાઇલની દુકાન ધરાવે છે. તેઓ પોતાની દુકાનમાં ખરીદી કરવા આવેલા કસ્ટમરોના આધાર કાર્ડ સહિતના ડૉક્યુમેન્ટ્સના આધારે નવું સિમ કાર્ડ મેળવીને લોકોને ઇન્શ્યૉરન્સમાં સારું રિટર્ન આપવાના કૉલ કરીને ફસાવતા હોવાનું તપાસમાં જણાઈ આવ્યું છે. અમે અત્યાર સુધીમાં ૬ આરોપીની ઉત્તર પ્રદેશ સાઇબર પોલીસની મદદથી ધરપકડ કરી છે અને બૅન્કનાં બે અકાઉન્ટ સીઝ કરીને ૨,૦૯,૯૬૮ રૂપિયા જપ્ત કર્યા છે. ઑનલાઇન ફ્રૉડ કરનારી ગૅન્ગ અનેક રાજ્યોમાં સક્રિય હોવાથી તેમણે અસંખ્ય લોકો પાસેથી મોટી રકમની ઉચાપત કરી હોવાની શક્યતા છે.’

ઑનલાઇન ફ્રૉડથી બચો



સિનિયર ઇન્સ્પેક્ટર સરલા વસાવેએ લોકોને અપીલ કરી છે કે કોઈ પણ જાણીતી કંપનીના નામે કૉલ આવે અને ઑનલાઇન પેમેન્ટ કરવાનું કહે તો જરાય ચાન્સ નહીં લેતા. કોરોનાને કારણે કરાયેલા લૉકડાઉનને લીધે સાઇબર ગુનેગારો સિનિયર સિટિઝનો અને મહિલાઓને નિશાન બનાવીને તેમને ઓછા રોકાણમાં સારું રિટર્ન અને જીવનભર પેન્શન મેળવવાની લાલચ આપીને તેમને છેતરી રહ્યા છે. આથી કોઈએ પણ ઑનલાઇન પેમેન્ટ કરતા પહેલાં ૧૦૦ વાર વિચાર કરવો. 


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2021 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK