પોતાની જ ગનથી છૂટેલી ગોળી પગમાં લાગ્યા બાદ ગોવિંદાએ કહ્યું...
ગોવિંદા
કલકત્તા જવા માટે નીકળતી વખતે લાઇસન્સવાળી પિસ્ટલ કબાટમાં મૂકતી વખતે જમીન પર પડતાં ગોળી છૂટી હતી
બૉલીવુડના અભિનેતા, મુંબઈના ભૂતપૂર્વ સંસદસભ્ય અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાના નેતા ગોવિંદા આહુજાના પગમાં ગઈ કાલે વહેલી સવારે ૪.૪૫ વાગ્યે તેના જુહુમાં આવેલા ઘરમાં હાથમાંથી છટકીને પડેલી લાઇસન્સવાળી પિસ્ટલમાંથી છૂટેલી ગોળી પગમાં વાગી હતી. આ આકસ્મિક ઘટના બાદ ૬૦ વર્ષના ગોવિંદાને તાત્કાલિક તેના ઘર પાસેની ક્રિટિકૅર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં ડૉક્ટરોએ ગોળી કાઢી હતી એટલે ગોવિંદાને જીવનું કોઈ જોખમ ન હોવાનું જાણવા મળ્યું હતું. ગોવિંદા અત્યારે શિવસેનામાં છે એટલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેની સાથે વાત કરીને ખબરઅંતર પૂછ્યા હતા.
ADVERTISEMENT
પગમાં લાગેલી ગોળી કાઢવામાં આવ્યા બાદ અભિનેતા ગોવિંદાએ ઑડિયો-મેસેજ દ્વારા પોતે ઠીક હોવાનું કહ્યું હતું. આ ઑડિયો-મેસેજમાં ગોવિંદાએ કહ્યું હતું કે ‘ફૅન્સ, પેરન્ટ્સ અને ઈશ્વરની કૃપાથી મારી તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. મને પગમાં ગોળી વાગી હતી, જે ડૉક્ટરોએ કાઢી નાખી છે. હું ડૉ. અગ્રવાલજીનો આભાર માનું છું. મારા માટે પ્રાર્થના કરનારા સૌનો પણ આભાર માનું છું.’ ગોવિંદાની આ પિસ્ટલ પોલીસે જપ્ત કરી છે.
કેવી રીતે ગોળી છૂટી?
ગોવિંદાના મૅનેજર શશી સિંહાએ કહ્યું હતું કે ‘કલકત્તા જવાનું હતું એટલે ગોવિંદા તેમની પિસ્ટલ કબાટમાં મૂકતા હતા ત્યારે એ હાથમાંથી જમીન પર પડી હતી. જમીન પર પડવાને લીધે અનલૉક પિસ્ટલનું ટ્રિગર આપોઆપ દબાઈ જતાં એમાંથી એક ગોળી છૂટી હતી જે ગોવિંદાના પગમાં ઘૂસી ગઈ હતી.’
ડૉક્ટરે શું કહ્યું?
ગોવિંદાની સારવાર કરનારા ડૉક્ટરે કહ્યું હતું કે ‘સવારે પાંચ વાગ્યે ગોવિંદાને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. છ વાગ્યે તેને ઑપરેશન-થિયેટરમાં લઈ જવાયો હતો. તેના પગના હાડકામાં ગોળી ફસાઈ ગઈ હતી એટલે ગોળી કાઢવામાં દોઢેક કલાક લાગ્યો હતો. ગોળી કાઢ્યા બાદ પગમાં ટાંકા લેવામાં આવ્યા છે. બે દિવસમાં ગોવિંદાને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી જશે. જોકે પગમાં ઈજા થઈ છે એટલે પગ પર વધુ વજન મૂકી શકાય એમ ન હોવાથી તેને ત્રણેક મહિના આરામ કરવો પડશે.’