Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હું એકલો જ નહીં, સરકારમાં સામેલ તમામ વિધાનસભ્યો મુખ્ય પ્રધાન છે : એકનાથ શિંદે

હું એકલો જ નહીં, સરકારમાં સામેલ તમામ વિધાનસભ્યો મુખ્ય પ્રધાન છે : એકનાથ શિંદે

05 July, 2022 10:43 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવી સરકાર ટૂંક સમયમાં પેટ્રોલ-ડીઝલ પરનો વૅટ ઘટાડશે: ૧૬૪ સામે ૯૯ના તફાવતથી વિધાનસભામાં બહુમત મેળવ્યા બાદ મુખ્ય પ્રધાને આ આમ જનતાની સરકાર હોવાનું કહ્યું

ગઈ કાલે રાત્રે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના ગ્રુપના વિધાનસભ્યોએ શિવાજી પાર્કમાં આવેલા બાળાસાહેબ ઠાકરેના સ્મૃતિસ્થળે જઈને તેમના આશીર્વાદ લીધા હતા. (તસવીર : આશિષ રાજે)

ગઈ કાલે રાત્રે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના ગ્રુપના વિધાનસભ્યોએ શિવાજી પાર્કમાં આવેલા બાળાસાહેબ ઠાકરેના સ્મૃતિસ્થળે જઈને તેમના આશીર્વાદ લીધા હતા. (તસવીર : આશિષ રાજે)


વિધાનસભામાં ૧૬૪ વિરુદ્ધ ૯૯ના તફાવતથી બહુમતી પુરવાર કર્યા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે ‘આ સરકાર સામાન્ય લોકોની છે અને રાજ્યની છેલ્લામાં છેલ્લી વ્યક્તિ સુધી યોજનાઓ પહોંચે અને તેમના જીવનમાં પૉઝિટિવ સુધારો થાય એ માટેના પ્રયાસ કરવામાં આવશે. આથી પહેલી કૅબિનેટ બેઠકમાં પેટ્રોલ-ડીઝલ પરના વૅટને ઓછો કરવાનો નિર્ણય લેવામાં આવશે. સરકાર દ્વારા રાજ્યના વિકાસ માટેની જેટલી યોજના છે એને પ્રાથમિકતા આપવામાં આવશે અને ભવિષ્યમાં એક પણ ખેડૂતે આત્મહત્યા ન કરવી પડે એ માટેના પ્રયાસ હાથ ધરવામાં આવશે. હું એકલો જ નહીં, સરકારમાં સામેલ તમામ વિધાનસભ્યો મુખ્ય પ્રધાન છે. સામાન્ય લોકો માટે જરૂરી તમામ બાબતો પર ગંભીરતાથી ધ્યાન આપીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમારા ૨૦૦ વિધાનસભ્ય ચૂંટાઈ આવશે તો પણ તેઓ માત્ર ને માત્ર સામાન્ય જનતાના લાભ માટે કામ કરશે.

એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સાથે સરકાર ચલાવવા જેટલા વિધાનસભ્યો છે કે નહીં એ ચકાસવા માટે ગઈ કાલે મુંબઈના વિધાનભવનમાં વિશ્વાસનો મત લેવામાં આવ્યો હતો. સરકારના પક્ષે ૧૬૪ અને વિરોધમાં ૯૯ મત પડ્યા હતા. ૨૮૭ વિધાનસભ્યમાંથી સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર સહિત ગઈ કાલે ૨૬૫ વિધાનસભ્યો હાજર રહ્યા હતા. કૉન્ગ્રેસના ૧૦ સહિત ૨૦ વિધાનસભ્યો ગેરહાજર રહ્યા હતા, જ્યારે એનીસીપીના વિધાનસભ્યો અનિલ દેશમુખ અને નવાબ મલિક જેલમાં બંધ છે. એકનાથ શિંદે સરકારે વિશ્વાસનો મત મેળવી લીધા બાદ આદિત્ય ઠાકરે સહિતના શિવસેનાના વિધાનસભ્યો ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા અને હાઉસમાંથી વૉકઆઉટ કર્યું હતું. ૨૮૭ વિધાનસભ્યોના ગૃહમાં સત્તાધારી બીજેપી અને એકનાથ શિંદે જૂથના શિવસેનાના વિધાનસભ્યો બાદ સૌથી વધુ પંચાવન વિધાનસભ્યો એનસીપીના છે. આથી ગૃહમાં એનસીપી વિરોધી પક્ષમાં બેસશે અને એના નેતા તરીકે અજિત પવારની નિયુક્તિ ગઈ કાલે કરવામાં આવી હતી.



ઉદ્ધવ ઠાકરેના સમર્થકો કોર્ટમાં ગયા
વિધાનસભામાં ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે વિશ્વાસનો પ્રસ્તાવ આવવાનો હતો એ પહેલાં ૯.૩૦ વાગ્યે ઉદ્ધવ ઠાકરેના સમર્થક વિધાનસભ્યોએ ફરી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. શનિવારે વિધાનસભાના સચિવે વિધાનસભ્ય અજય ચૌધરી અને સુનીલ પ્રભુના ગટનેતા અને પ્રતિનિધિ તરીકેનાં પદ ગેરકાયદે રદ કર્યાં હતાં અને શિવસેનાના વિધાનસભ્યોના નેતા તરીકે એકનાથ શિંદે અને વ્હિપ તરીકે ભરત ગોગાવલેની નિયુક્તિ માન્ય રાખી હતી. આ નિર્ણયને પડકારવા સુપ્રીમ કોર્ટમાં ધા નાખવામાં આવી હતી. જોકે આ મામલે ૧૧ જુલાઈએ સુનાવણી થવાની હોવાથી કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાની ના પાડી દીધી હતી.


વધુ એક વિધાનસભ્ય શિંદે ગ્રુપ સાથે
એકનાથ શિંદેને ગટનેતા તરીકે વિધાનસભાના સચિવે માન્યતા આપ્યા બાદ આ જૂથનો વ્હિપ જારી કરાતાં ઉદ્ધવ ઠાકરેના સમર્થકો વ્હિપનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે કાર્યવાહી થવાની શક્યતા હોવાથી મોટા ભાગના વિધાનસભ્યો પાલો બદલીને એકનાથ શિંદે સાથે આવે એવી શક્યતા વ્યક્ત કરાતી હતી, પણ માત્ર હિંગોલીના વિધાનસભ્ય સંતોષ બાંગર સિવાયના કોઈ વિધાનસભ્યએ ઉદ્ધવ ઠાકરેનો સાથ નથી છોડ્યો. હવે આ વિધાનસભ્યો સામે એકનાથ શિંદે જૂથ પક્ષ વિરુદ્ધની કાર્યવાહી કરે એવી શક્યતા છે.

મેં કહ્યું હતું, હું ફરી આવીશ, સાથે એકનાથને પણ લેતો આવ્યો  
૨૦૧૯માં જનતાએ બીજેપી-સેનાની યુતિને સ્પષ્ટ બહુમતી આપ્યા બાદ પણ મુખ્ય પ્રધાનપદ માટે શિવસેનાએ બીજેપી સાથેની યુતિ તોડીને એનસીપી-કૉન્ગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી. એ સમયે બીજેપીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘હું પાછો આવીશ...’ તેમના આ વાક્યની અઢી વર્ષ સુધી તેમના વિરોધીઓએ મશ્કરી કરી હતી. આ વિશે ગઈ કાલે દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને વિશ્વાસનો મત મેળવવા માટેના અભિનંદન-ભાષણમાં કહ્યું હતું કે ‘મેં કહ્યું હતું કે હું ફરી આવીશ, પણ હું એકલો જ નહીં, એકનાથ શિંદેને પણ સાથે લાવ્યો છું. મારી મશ્કરી કરનારાઓને હું કહેવા માગું છું કે મહા વિકાસ આઘાડી અકુદરતી હતી. ત્રણેય પક્ષમાં વિચારભેદ હતા એટલે એ લાંબું નહીં ખેંચે એમ એ સમયે મેં કહ્યું હતું. વિરોધીઓએ મારી વાતની ખૂબ મજાક ઉડાડી હતી એનો બદલો લઈશ. જોકે મારો બદલો તેમને માફ કરવાનો છે. એકનાથ શિંદે અને અમે સત્તા માટે સાથે નથી આવ્યા. સામાન્ય લોકોના જીવનમાં સામાજિક અને આર્થિક ફેરફાર કરવા માટે જ સત્તાની સ્થાપના કરી છે.’


હા, ઈડીને લીધે વિધાનસભ્યો સાથે આવ્યા
વિધાનસભામાં વિશ્વાસના મત વખતે પ્રતાપ સરનાઈક સહિતના કેટલાક વિધાનસભ્યોએ તેમના મત આપ્યા હતા ત્યારે વિરોધીઓએ ‘ઈડી... ઈડી...’ના નારા લગાવ્યા હતા. તેમનો આરોપ છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)નો ડર બતાવીને બીજેપીએ શિવસેનાના વિધાનસભ્યોને બળવો કરવા મજબૂર કર્યા છે. આ વિશે દેવેન્દ્ર ફડણવીસે ગૃહમાં કહ્યું હતું કે ‘હા, આ ઈડીને લીધે જ વિધાનસભ્યો સાથે આવ્યા. આ ઈડી એટલે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ. અમારા બન્નેના પ્રયાસથી જ એક-બે નહીં, શિવસેનાના ૪૦ સહિત ૫૦ વિધાનસભ્યો સાથે આવ્યા. કાર્યવાહીના ડરને લીધે નહીં, પણ સામાન્ય જનતાની સરકારની સ્થાપના કરવા માટે સાથે આવ્યા છીએ.’

કૉન્ગ્રેસના ૧૦ વિધાનસભ્ય ગેરહાજર
વિશ્વાસનો મત લેવા માટેના અધિવેશનમાં ગઈ કાલે કૉન્ગ્રેસના ૪૪માંથી ૧૦ વિધાનસભ્યો ગેરહાજર રહ્યા હતા. અશોક ચવાણ, પ્રણતિ શિંદે, જિતેશ અંતાપુરકર, વિજય વડેટ્ટીવાર, ઝિશાન સિદ્દીકી, ધીરજ દેશમુખ, કુણાલ પાટીલ, રાજુ અવાળે, મોહન હંબાર્ડે અને શિરીષ ચૌધરી હાઉસમાં નહોતા પહોંચ્યા. આમાંથી અશોક ચવાણ અને વિજય વડેટ્ટીવાર વિધાનભવન મોડા પહોંચતાં તેઓ અંદર નહોતા જઈ શક્યા.

શહેરનાં નામ બદલવાના નિર્ણયને કાયમ રખાશે
રાજ્યપાલે મહા વિકાસ આઘાડી સરકારને બહુમત પુરવાર કરવા માટે વિશેષ અધિવેશન બોલાવવાનો આદેશ આપ્યો હતો ત્યારે જ તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તાત્કાલિક કૅબિનેટની બેઠક બોલાવી હતી અને એમાં ઔરંગાબાદ અને ઉસ્માનાબાદનાં નામ બદલવાની મંજૂરી અપાઈ હતી. આ શહેરોનાં નવાં નામ સંભાજીનગર અને ધારાશિવ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વિશે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘કાયદાની વિરુદ્ધ કૅબિનેટ બોલાવીને મહા વિકાસ આઘાડી સરકારે આ નિર્ણય લીધા હોવા છતાં અમે એને કાયમ રાખીશું, કારણ કે અમે પણ એ જ મતના છીએ. નવી મુંબઈમાં બંધાઈ રહેલા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટને લોકનેતા ડી. બી. પાટીલ નામ આપવાની અમારી જ માગણી હતી, આથી નામ બદલવા અને આપવા માટેની કાયદાકીય પ્રક્રિયા આગળ વધારીશું.

આદિત્ય ઠાકરે-પ્રકાશ સુર્વે કૅમેરામાં કેદ
શિવસેનાના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે વિધાનભવનમાંથી બહાર નીકળતા હતા ત્યારે તેમની મુલાકાત વિધાનસભ્ય પ્રકાશ સુર્વે સાથે થઈ હતી. બન્નેએ એકબીજા સાથે વાત કરી હતી એ કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. આદિત્ય ઠાકરે વિડિયોમાં ભાવુક થઈને કહેતા સંભળાય છે કે ‘આટલા નજીક હોવા છતાં તમે બળવો કરશો એવું ક્યારેય નહોતું લાગ્યું. હું તમને ખરેખર ઘણો પ્રેમ કરું છું, એ તમે પણ જાણો છો. હજી પણ વિચાર કરો.’

આ સામાન્ય કાર્યકરની આમ જનતા માટેની સરકાર 
બહુમતી પુરવાર કર્યા બાદ વિશેષ સત્રના અંતમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આભાર વ્યક્ત કરવા માટેના ભાષણમાં કહ્યું હતું કે ‘બીજેપીના સમર્થનથી બનેલી આ સરકાર મારા જેવા સામાન્ય કાર્યકરની છે. અંગત સ્વાર્થ કે ખુરસી માટે નહીં, પણ રાજ્યના દરેક લોકોનાં હિત સચવાય અને તેમને દરેક યોજનાનો લાભ મળે એ માટેના પ્રયાસ કરનારી અમારી સરકાર હશે. ખેડૂત, ગરીબ, મહેનત કરનારા, રિક્ષા ચલાવનારા, દૂધવાળા કે શાકભાજી વેચનારાના જીવનમાં સુધારો કેવી રીતે કરી શકાય એવો વિચાર કરનારી સરકાર છે. રાજ્યનાં અટકી પડેલાં તમામ વિકાસનાં કામને ઝડપથી આગળ વધારીને ફરી આર્થિક રીતે સધ્ધર કરવાનું અમારું લક્ષ્ય રહેશે. ટૂંક સમયમાં જ કૅબિનેટની બેઠકમાં પેટ્રોલ-ડીઝલ પરના વૅટમાં ઘટાડો કરીને સામાન્ય જનતાને રાહત આપવામાં આવશે. અહીં એક નહીં, સરકારમાં સામેલ પ્રત્યેક વિધાનસભ્ય મુખ્ય પ્રધાન હશે એવી રીતે કામ ચલાવાશે. આજે ૧૭૦ જેટલા વિધાનસભ્યો સાથે છે, પરંતુ આગામી સમયમાં ૨૦૦થી વધુ બેઠકો હશે તો પણ એ જનતાનાં હિત માટેની સરકાર હશે.’

બીજેપીનો શિવસેનાને ખતમ કરવાનો પ્લાન : ઉદ્ધવ ઠાકરે

શિવસેનાપ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘બીજેપી શિવસેનાને ખતમ કરવાનો પ્લાન કરી રહી છે. બીજેપીમાં હિંમત હોય તો સરકાર બરખાસ્ત કરીને ચૂંટણીના મેદાનમાં આવે.’ શિવસેના ભવનમાં શિવસેનાના જિલ્લા અધ્યક્ષોને સંબોધન કરતી વખતે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ‘બીજેપી શિવસેનાને ખતમ કરવા જઈ રહી છે. હું એને પડકારું છું કે સરકારમાંથી નીકળીને એ ચૂંટણીના મેદાનમાં આવે. અમે જનતાની અદાલતમાં સામનો કરીશું. અમે જો ખોટા હોઈશું તો લોકો અમને ઘરભેગા કરી દેશે અને બીજેપી અને શિંદે જૂથ ખોટાં હશે તો જનતા તેમનો ફેંસલો કરશે.’ ઉદ્ધવ ઠાકરેએ નિષ્ણાતોને કહ્યું કે તેઓ અત્યારની રાજકીય ગતિવિધિ બાબતે તેમના મત જાહેર કરે. 

શરદ પવાર હવે ક્યારેય સત્તામાં નહીં આવે

એનસીપીના ચીફ શરદ પવારે નવી સરકાર બહુમત પુરવાર કરે એ પહેલાં ભવિષ્યવાણી કરી છે કે ૬ મહિનામાં એ સરકાર પડી જશે. બીજેપીના નેતા અને વિધાન પરિષદના સભ્ય પ્રવીણ દરેકરે ગઈ કાલે કહ્યું હતું કે ‘શરદ પવાર જે બોલે છે એનાથી ઊંધું જ થાય છે. તેઓ ૬ મહિનામાં સરકાર પડવાનું કહે છે, પરંતુ આ સરકાર અનેક દસકા સુધી ટકશે એટલે તેઓ ફરી ક્યારેય સત્તામાં નહીં આવી શકે. શિવસેનાના બળવો કરનારા વિધાનસભ્યો મુંબઈ આવ્યા બાદ પોતાની સાથે આવશે એવો દાવો શરદ પવારે કર્યો હતો. એવું કંઈ થયું નથી. એ બધા વિધાનસભ્યો અમારી સાથે જ છે.’

Whatsapp-channel Whatsapp-channel

05 July, 2022 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK