અપક્ષ સંસદસભ્ય નવનીત રાણાની લીલાવતી હૉસ્પિટલમાં એમઆરઆઇ પ્રોસીજર ચાલી રહી હતી એ વખતે તેમનો વિડિયો કેવી રીતે ઉતારાયો

અપક્ષ સંસદસભ્ય નવનીત રાણા
મુંબઈ (પી.ટી.આઇ.) : અપક્ષ સંસદસભ્ય નવનીત રાણાની લીલાવતી હૉસ્પિટલમાં એમઆરઆઇ પ્રોસીજર ચાલી રહી હતી એ વખતે તેમનો વિડિયો કેવી રીતે ઉતારાયો એ મામલે તપાસની માગણી કરવા માટે શિવસેનાનું પ્રતિનિધિમંડળ મંગળવારે બાંદરાના પોલીસ અધિકારીઓને મળ્યું હતું.
શિવસેનાનાં વિધાનસભ્ય મનીષા કાયંદે, ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકર અને રાજ્યના પ્રવાસન પ્રધાન આદિત્ય ઠાકરેના વિશ્વાસુ રાહુલ કનાલ સહિતના નેતાઓએ પોલીસને એ પણ તપાસ કરવા જણાવ્યું હતું કે સંસદસભ્યના બૉડીગાર્ડ્સને શસ્ત્રો સાથે ખાનગી હૉસ્પિટલમાં પ્રવેશવાની પરવાનગી કેવી રીતે મળી?
શિવસેનાએ હૉસ્પિટલ દ્વારા નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ ઉપરાંત શિવસેનાનું એક પ્રતિનિધિમંડળ સોમવારે લીલાવતી હૉસ્પિટલ પહોંચ્યું હતું અને હૉસ્પિટલમાં નવનીત રાણાની એમઆરઆઇ પ્રોસીજર ચાલી રહી હતી એ સમયે તેમના વિડિયો અને તસવીરો કેવી રીતે લેવાયાં એ જાણવાની માગણી કરી હતી.
આ ઉપરાંત શિવસેનાનાં વિધાનસભ્ય મનીષા કાયંદેએ જણાવ્યું હતું કે ‘અમે રાજ્યના ગૃહપ્રધાનની પણ મુલાકાત લઈશું અને આ મામલે તપાસ કરવાની માગણી કરીશું. ખાનગી હૉસ્પિટલો ચૅરિટી કમિશનરના અધિકાર ક્ષેત્ર હેઠળ આવતી હોવાથી આ મુદ્દો અમે તેમની સમક્ષ પણ રજૂ કરીશું. એમઆરઆઇ રૂમ ધાતુની ચીજવસ્તુઓ પ્રત્યે સંવેદનશીલ હોય છે. આવી સ્થિતિમાં પ્રોસીજર દરિમયાન નવનીત રાણાની વિડિયોગ્રાફી કેવી રીતે થઈ એ તપાસ થવી જરૂરી છે.’