Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભાઇંદરની નજીક બીજલ વીરા કચ્છ એક્સપ્રેસમાંથી નીચે કેવી રીતે પડી ગઈ હશે?

ભાઇંદરની નજીક બીજલ વીરા કચ્છ એક્સપ્રેસમાંથી નીચે કેવી રીતે પડી ગઈ હશે?

24 November, 2021 07:36 AM IST | Mumbai
Bakulesh Trivedi | bakulesh.trivedi@mid-day.com

મીરા રોડમાં રહેતી યુવતી કચ્છથી પાછી ફરી રહી હતી અને બોરીવલી ઊતરવાની તૈયારી કરતી હતી ત્યારે ટ્રેનમાંથી પડી ગઈ : પરિવારને મૃત્યુનું કારણ નથી સમજાતું

બીજલ વીરા

બીજલ વીરા


મીરા રોડના શાંતિનગરમાં રહેતી ૩૬ વર્ષની બીજલ વિશાલ વીરા વતનમાં એક પ્રસંગમાં હાજરી આપીને દીકરી અને અન્ય સ્વજનો સાથે કચ્છ એક્સપ્રેસમાં મુંબઈ પાછી ફરી રહી હતી ત્યારે સોમવારે ભાઈંદર અને મીરા રોડ વચ્ચે ટ્રેનમાંથી પડી ગઈ હતી. તેની ગઈ કાલે સવારે સર્જરી થવાની હતી, પણ એ પહેલાં જ તેનું મૃત્યુ થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ભાઈંદરથી બોરીવલીનું માત્ર આઠ જ મિનિટનું અંતર બાકી હતું ત્યારે આ બનાવ બન્યો હતો. 
આ ઘટના વખતે બીજલ વીરાના પરિવારની સાથે જ પ્રવાસ કરી રહેલા પીયૂષ ગોગરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બીજલના બનેવીના દીકરાની મુંડનવિધિ હોવાથી તે, તેની દીકરી અને અમે કુલ ૧૧ સંબંધીઓ મુંબઈથી ૧૬ નવેમ્બરે વતન ગયાં હતાં. ૨૧મીએ રાતની અમારી પાછા ફરવાની ટિકિટ હતી. અમે બધા સાથે જ પાછા ફર્યા હતા. બાવીસ નવેમ્બરે બોરીવલી આવવાને આઠ જ મિનિટની વાર ત્યારે તે પોતોની સીટ પરથી ઊભી થઈને વૉશરૂમ ગઈ હતી. દરવાજા પાસેના પહેલા જ કમ્પાર્ટમેન્ટમાં અમે બધા હતા. તે વૉશરૂમ જઈને આવી અને દરવાજા પાસે પૅસેજમાં ઊભી હતી. અમે લોકો સામાન આગળ સરકાવી રહ્યા હતા ત્યાં તે દરવાજામાંથી બહાર પડી ગઈ. ભાઈંદર સ્ટેશનથી આગળ વધ્યા બાદ ટ્રેન માંડ ૨૦૦થી ૨૫૦ મીટર જ દૂર ગઈ હતી. તેને ચક્કર આવવાથી પડી ગઈ કે પછી ટ્રેનના ઝટકાને કારણે તેણે બૅલૅન્સ ગુમાવ્યું એની ખબર ન પડી. તેની પાછળ પણ કોઈ નહોતું કે ધક્કો લાગ્યો હોય. તરત જ અમે ચેઇન ખેંચીને ટ્રેન રોકી હતી. એ વખતે ટ્રેન બહુ ફાસ્ટ પણ નહોતી અને બહુ સ્લો પણ નહોતી.’
મૂળ કચ્છના દેવપુર ગામની કચ્છી વીસા એસવાળ જ્ઞાતિની બીજલ વીરા મીરા રોડના શાંતીનગર સેક્ટર-૧માં પતિ વિશાલ, સાસુ-સસરા અને દીકરી સાથે રહેતી હતી. પીયૂષ ગોગરીએ વધુમાં કહ્યું હતું કે ‘તે ટ્રૅક પર પડી હતી. ટ્રેન રોકાતાં તરત જ રેલવે પોલીસ પણ દોડી આવી હતી. અમે તેમને નજીકની પદ્મજા હૉસ્પિટલમાં લઈ ગયા હતા. શરૂઆતમાં તે થોડી ભાનમાં હતી. ડૉક્ટરોએ તેની સારવાર ચાલુ કરી હતી. તેને કૉલર બૉર્નનું ફ્રૅક્ચર થયું હતું એટલે મંગળવારે સવારે તેની સર્જરી કરવાની હતી. જોકે એ સર્જરી થાય એ પહેલાં જ તેના પલ્સ-રેટ અને હાર્ટબીટ ઘટવા માંડ્યા હતા એટલે સર્જરી રોકીને તેને તરત જ વેન્ટિલેટર પર મૂકવામાં આવી હતી. જોકે થોડી જ વારમાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા.’
આ અકસ્માત સંદર્ભે વસઈ રેલવે પોલીસમાં એડીઆરની નોંધ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેના મૃતદેહને ભાઈંદરની તુંગા હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલાયો હતો. 

 તેને ચક્કર આવવાથી પડી ગઈ કે પછી ટ્રેનના ઝટકાને કારણે તેણે બૅલૅન્સ ગુમાવ્યું એની ખબર ન પડી. તેની પાછળ પણ કોઈ નહોતું કે ધક્કો લાગ્યો હોય. પીયૂષ ગોગરી, બીજલના બનેવી


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2021 07:36 AM IST | Mumbai | Bakulesh Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK