ઍસ્ટ્રોનૉમી પ્રમાણે આજથી સૂર્યનો હસ્ત નક્ષત્રમાં પ્રવેશ થઈ રહ્યો છે એટલે હવે આ પાછોતરો વરસાદ દસથી ૧૫ દિવસ સુધી રહેવાની શક્યતા
ગઈ કાલે મરીન ડ્રાઇવ પર વરસાદી માહોલ માણતું કપલ. તસવીર : અનુરાગ અહિરે
મુંબઈ સહિત આસપાસના મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં બુધવારે તૂટી પડેલા ધોધમાર વરસાદે મુંબઈગરાનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. સવારે કામ પર નીકળેલા મુંબઈગરા ટ્રેનો લેટ થવાથી રોડ પર ટ્રાફિક જૅમ થતાં અને અનેક જગ્યાએ પાણી ભરાતાં ભારે હાલાકી ભોગવીને મોડા-મોડા ઘરે પહોંચ્યા હતા. બુધવારે સવારના આઠ વાગ્યાથી લઈને ગુરુવારે સવારના ૮ વાગ્યાના ચોવીસ કલાક દરમ્યાન કોલાબામાં ૧૬૯ મિલીમીટર અને સાંતાક્રુઝમાં ૧૭૦ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. મુંબઈમાં કેટલીક જગ્યાએ ૨૫૦ મિલીમીટર જેટલો વરસાદ પણ નોંધાયો હતો.
બુધવારના એક દિવસના વરસાદે મન્થ્લી ઍવરેજ ૩૫૦ મિલીમીટર પર પહોંચાડી દીધી હતી એમ હવામાન ખાતાએ જણાવ્યું હતું. હવામાન ખાતાએ આગાહી કરતાં કહ્યું છે કે આજે મુંબઈમાં હળવાંથી મધ્યમ ઝાપટાં પડતાં રહેશે; પણ પાલઘર, થાણે, રાયગડ અને રત્નાગિરિમાં હજી પણ ગાજવીજ સાથે કેટલીક જગ્યાએ વરસાદનાં ભારે ઝાપટાં પડવાની શક્યતા છે.
ADVERTISEMENT
હવામાન ખાતા પાસે વાતાવરણમાં થતા ફેરબદલ અને એની ગતિવિધિઓ જાણવા પોતાનાં બે રડાર છે. જોકે હવે એમાં હવે બીજાં ચાર રડારની મદદ મળવાની છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રૉપિકલ મિટિયરોલૉજી (IITM), પુણેએ સેટ કરેલાં ચાર રડારની મદદથી હવે દેશનું પહેલું અર્બન રડાર નેટવર્ક સ્થાપવામાં આવ્યું છે. રીજનલ મિટિયરોલૉજિકલ સેન્ટર, મુંબઈના ડિરેક્ટર સુનીલ કાંબળેએ કહ્યું હતું કે ‘આ ચાર નવાં રડાર ઑલરેડી લગાડાઈ ગયાં છે અને એનું હાલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. મુંબઈને એટલે છ રડાર હેઠળ આવરી લેવાશે જે ગીચ મુંબઈની પરિસ્થિતિને યોગ્ય રીતે ચકાસી શકશે અને એનો ફાયદો આગાહી કરવામાં થઈ શકશે.’
ઍસ્ટ્રોનૉમી અનુસાર આજથી સૂર્યનો હાથી (હસ્ત) નક્ષત્રમાં પ્રવેશ થઈ રહ્યો છે એટલે પણ હવે આ પાછોતરો વરસાદ ૧૦થી ૧૫ દિવસ સુધી રહેશે. આમ આખી નવરાત્રિમાં વરસાદ રહેશે એમ ઍસ્ટ્રોનૉમીના જાણકારોનું પણ કહેવું છે.