° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


જબરો છેલછબીલો : ચાર ગુજરાતી સગી બહેનોને ભગાવી ગયો

24 November, 2021 07:39 AM IST | Mumbai | Priti Khuman Thakur

એક જ બિલ્ડિંગમાં રહેતી યુવતીઓના પરિવાર સાથે તેને સારું બનતું હતું : ઘરેથી જુઠ્ઠું બોલીને ચારેય યુવતીઓ નીકળી ગઈ હતી : જોકે કુર્લા સ્ટેશનેથી તેમને શોધીને પાછી લવાઈ

બહેનોનું ઘર છોડવાનું કારણ રહસ્ય.

બહેનોનું ઘર છોડવાનું કારણ રહસ્ય.

નાલાસોપારા-ઈસ્ટમાં આવેલા અલકાપુરીમાં દેવીપૂજક સમાજની કાકા-મામાની એકસાથે રહેતી ચાર યુવાન બહેનો બિલ્ડિંગમાં રહેતા એક યુવક સાથે ભાગી ગઈ હતી. મોડી રાત સુધી શોધ કરી છતાં તેઓ મળી ન હોવાથી પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે કુર્લા રેલવે સ્ટેશનથી તેમને પકડી પાડવામાં આવી હતી. જોકે તે યુવક હજી સુધી ફરાર હોવાથી પોલીસ તેને શોધી રહી છે. પરિવારજનો આ બનાવથી ભારે આઘાતમાં આવી ગયા છે, જ્યારે છોકરીઓ હાલમાં કોઈ વાત કરવા તૈયાર થઈ રહી નથી.
    આ બનાવ વિશે માહિતી આપતાં યુવતીના ભાઈએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મારી સગી બહેન, મામાની છોકરી, ભાઈની બે છોકરી ૧૬, ૧૯, ૧૮ અને ૨૩ વર્ષની છે. તેઓ ૧૮ નવેમ્બરે સાંજે અચાનક ઘરેથી નીકળી ગઈ હતી. બે બહેનો કપડાં સીવડાવવા જઈએ છીએ એમ કહીને અને થોડા વખત પછી બીજી બે બહેનો માથું દુખે છે એટલે દવા લેવા જઈએ છીએ એવું કહીને જતી રહી હતી. બે કલાક બાદ પણ તેઓ પાછી ન આવતાં પરિવારના લોકોએ તેમની તપાસ કરી હતી, પણ કોઈ માહિતી મળી નહોતી. રાતના બે વાગ્યા સુધી અમે તેમને શોધી હતી. તેમના ફોન પણ બંધ આવી રહ્યા હતા. એથી અમે ચિંતામાં પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ત્યાં ફરિયાદ નોંધાવી હતી. મારી બહેનો ગઈ ત્યારથી અમારા બિલ્ડિંગમાં જ રહેતો એક યુવક પણ મળી રહ્યો નહોતો અને તેનો ફોન પણ બંધ આવી રહ્યો હતો. આ યુવાને અમારા પરિવાર સાથે સારો સંબંધ બાંધ્યો હતો. બિલ્ડિંગની એક વ્યક્તિએ જાણ કરી કે આ યુવાન પહેલાં બૅગ લઈને નીકળ્યો અને થોડા વખત પછી થેલી સાથે આ બહેનો નીકળી હતી.’
    અમે તો તેમને સતત શોધી રહ્યા હતા અને પોલીસ પણ શોધી રહી હતી એમ જણાવીને ભાઈએ કહ્યું હતું કે ‘અમે ત્રણેય ભાઈઓ અલગ-અલગ રહીએ છીએ અને માતા-પિતા સાથે આ બહેનો રહે છે. હું રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવું છું. પોલીસ તપાસ કરી રહી હતી એ દરમિયાન કુર્લા રેલવે પોલીસે આ બહેનોને જોતાં પૂછપરછ કરતાં શંકાના આધારે તેમની તપાસ કર્યા બાદ તેઓ ૨૦ નવેમ્બરે પાછી નાલાસોપારા આવી શકી છે. તેમને પૂછતાં તેમણે કહ્યું કે તેઓ પુણેથી કોલ્હાપુર ગઈ હતી અને કુર્લાથી હૈદરાબાદ જવાની હતી. બહેનોની તપાસ કરતાં અમને જણાયું કે તે યુવકે મારી બહેનની સોનાની કાનની બે બુટ્ટી અને નાકનો દાણો વેચી નાખ્યો છે. એક બહેનની પાસેથી સાડાછ હજાર રૂપિયા અને બીજી પાસેથી સાડાસાત હજાર રૂપિયા લીધા હતા. અમારા સમાજનાં એક સમાજસેવિકાની મદદથી અમે પોલીસની તપાસમાં મદદ કરી રહ્યા છીએ. ગઈ કાલે પોલીસ ચારેય બહેનોને મેડિકલ ચેક-અપ માટે લઈ ગઈ હતી. મારી બહેનો હજી કંઈ બોલી રહી નથી, પરંતુ અમને તેમની ખૂબ ચિંતા થઈ રહી છે. યુવાન હાલ સુધી ફરાર હોવાથી પોલીસ તેને શોધી રહી છે. યુવાનનો પરિવાર હાલમાં અમારા પરિવાર પર જે-તે આરોપ મૂકી રહ્યો છે.’

પોલીસનું શું કહેવું છે?
આચોલે પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ચંદ્રકાન્ત સરોદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ચાર યુવતીઓ અને યુવક એક જ પરિસરમાં રહેતાં હોવાથી તેમની એકબીજા સાથે ઓળખાણ હતી. અમારી પાસે તેમની મિસિંગની ફરિયાદ આવી હતી. કુર્લા પોલીસને શંકા તેમણે આ છોકરીઓની તપાસ કરી હતી અને એમાં તેઓ ઘરેથી ભાગી ગઈ હોવાનું તેમને ખબર પડતાં ચારેયને તેમના ઘરે મોકલી હતી. અમારી પૂછપરછમાં તેમણે પોતાની મરજીથી ઘરેથી ગયા હોવાનું કહ્યું હતું, પણ પરિવારે શંકા વ્યક્ત કરતાં અમે અત્યારે અપહરણનો કેસ નોંધ્યો છે. યુવક અત્યારે ફરાર છે અને અમારી ટીમ તેમને શોધી રહી છે.’ 

24 November, 2021 07:39 AM IST | Mumbai | Priti Khuman Thakur

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Omicron: પુનામાં વધુ 7 લોકો ઓમિક્રોનથી સંક્રમિત, મહારાષ્ટ્રમાં 8 પર આંક પહોંચ્યો

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનથી સંક્રમિત થનાર લોકોની સંખ્યા હવે 8 પર પહોંચી છે.  

05 December, 2021 07:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મહારાષ્ટ્ર સરકારે પરમબીર સિંહ પર સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે તે વ્હિસલ બ્લોઅર નથી

સરકારે સિંહની અરજીને ફગાવી દેવાની માંગ કરી, કારણ કે સિંહે તેમની બદલી પછી ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામેના કથિત ભ્રષ્ટાચાર વિશે માહિતી આપી હતી.

05 December, 2021 06:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીને રાજ્યસભામાં નિલંબિત કરાયા તો ભર્યુ આવું પગલુ

ચતુર્વેદી સહિત રાજ્યસભાના 12 સભ્યોને હાલના સત્રના બાકીના સમયગાળા માટે અધ્યક્ષ દ્વારા બેકાબૂ વર્તનને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

05 December, 2021 06:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK