° °

આજનું ઇ-પેપર
Thursday, 30 June, 2022


વાય વી મેટ?

23 May, 2022 07:50 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

જેમની સાથે છેતરપિંડી થઈ છે એ ફાઇનૅન્સ કંપનીના ડિરેક્ટર મનોમન આવું જ વિચારતા હશે : જ્વેલરી છોડાવવા અને ઇન્કમ-ટૅક્સના ડ્યુઝ ક્લિયર કરવા પૈસાની જરૂર છે એમ કહીને પૈસા લઈને પાછા ન આપનાર ફાઉન્ટનની ફેમસ ડ્રાયફ્રૂટ્સ કંપનીનો ગુજરાતી માલિક પોલીસ-કસ્ટડીમાં

રાજેશ મેવાવાલા.

રાજેશ મેવાવાલા.


મુંબઈ : મારે ત્યાં ઇન્કમ-ટૅક્સની રેઇડ પડી છે અને તેમણે મારું ૨૫ કિલો સોનું જપ્ત કર્યું છે. એ છોડાવવા માટે અને મારી દીકરીની ગાર્મેન્ટ્સ કંપનીને એના ઑર્ડર પૂરા કરવા માટે લાખો રૂપિયાની જરૂર છે. 
આમ કહીને મુંબઈની દલાલ સ્ટ્રીટમાં આવેલી ફાઇનૅન્સ કંપની, આ કંપનીના ડિરેક્ટરો અને ઇન્વેસ્ટરો સાથે ૩૨ કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર મુંબઈના ફાઉન્ટન વિસ્તારની પ્રસિદ્ધ ડ્રાયફ્રૂટ્સની દુકાનના માલિક ૫૦ વર્ષના રાજેશ મેવાવાલાની શુક્રવારે આઝાદનગર પોલીસ સ્ટેશનને ધરપકડ કરી હતી. રાજેશ મેવાવાલા અત્યારે ક્રૉફર્ડ માર્કેટના ક્રાઇમ બ્રાન્ચની પોલીસ-કસ્ટડીમાં છે જ્યાં પોલીસ તેની વધુ તપાસ કરી રહી છે. આ પહેલાં ૨૦૧૭માં પણ રાજેશ મેવાવાલાની ધરપકડ કરવામાં આવી હતી. એમાં તે પછી જામીન પર છૂટી ગયો હતો. 
રાજેશ મેવાવાલા અને તેના પરિવારની છેતરપિંડી કરવાની મોડસ ઑપરેન્ડી વિશે માહિતી આપતાં ફર્સ્ટ ઓવરસીઝ કૅપિટલ લિમિટેડના ડિરેક્ટર સત્યેન દલાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી રાજેશ મેવાવાલા સાથે પહેલી ઓળખાણ ૨૦૧૮માં અમારા ઍૅડ્વોકેટના માધ્યમથી ચર્ચગેટની બાલવાસ હોટેલમાં થઈ હતી. ત્યાં રાજેશ મેવાવાલાએ અમને કહ્યું હતું કે મારે ત્યાં ૨૦૦૮માં ઇન્કમ-ટૅક્સની રેઇડ પડી હતી. એ સમયે ઇન્કમ-ટૅક્સે મારે ત્યાંથી ૨૫ કરોડ રૂપિયાની સોનાની જ્વેલરી જપ્ત કરી હતી. આ જ્વેલરી છોડાવવા માટે અને ઇન્કમ-ટૅક્સના ડ્યુઝ ક્લિયર કરવા માટે મને પૈસાની જરૂર છે. જોકે એ સમયે રાજેશ મેવાવાલાને અમે આ રીતે પૈસા આપતા નથી એમ કહીને પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો.’
ત્યાર પછી રાજેશ મેવાવાલા છ મહિના સુધી સતત મારી કંપનીમાં આવતો-જતો હતો અને આ છ મહિનામાં તેની મીઠી-મીઠી વાતોમાં મારી ઑફિસના સ્ટાફ સાથે અને મારી સાથે તેના સંબંધો વધારી દીધા હતા એમ જણાવીને સત્યેન દલાલે કહ્યું હતું કે ‘તેની દુખદર્દની વાતો સાંભળીને અને તેની પાસે પરિવારના ભરણપોષણ માટે પણ પૈસા નથી એ સાંભળીને મેં તેને દોઢ-બે લાખ રૂપિયાની મદદ જોઈતી હશે તો કરીશું એમ કહીને તેને નાની રકમની મદદ પણ કરી હતી.’
એક દિવસ રાજેશ મેવાવાલાએ તેની દીકરી માસૂમી રાજેશ મેવાવાલાની માસૂરાજ ગાર્મેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને પિન્ક પિકોક કુટર આ કંપનીઓ માટે પૈસાની જરૂર છે એમ કહીને અમારી પાસે પૈસાની માગણી કરી હતી એમ જણાવીને સત્યેન દલાલે કહ્યું હતું કે ‘અમે તેને આ કંપનીને અમે બિલ ડિસ્કાઉન્ટિંગ સામે પૈસા આપી શકીશું એમ કહ્યું હતું. ત્યાર પછી ૨૦૨૧માં અમારી બીજી કંપનીઓ વેસ્ટર્ન સિક્યૉરિટીઝ અને વેસ્ટર્ન ઍડ્વાઇઝરી સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી તેને અઢી લાખ રૂપિયા આપ્યા હતા. રાજેશ મેવાવાલા પહેલા દિવસથી મુદ્દલ પાછી આપતો નહોતો; પણ મને, મારી કંપનીને, મારા બીજા ડિરેક્ટરોને, મારા ઇન્વેસ્ટરોની પાસેથી વ્યાજે લીધેલી રકમ પર રેગ્યુલર વ્યાજ ચૂકવતો હતો. ધીરે-ધીરે કરતાં રાજેશ મેવાવાલા અને તેની પુત્રી માસૂમી મેવાવાલાએ ચાર વર્ષના સમયગાળામાં અમારી પાસેથી છ કરોડ રૂપિયા અને અમારા ઇન્વેસ્ટરો પાસેથી ૨૬ કરોડ રૂપિયા એમ ૩૨ કરોડ રૂપિયા લીધા હતા. અમારી રકમની સામે તેણે અમને એક રૂપિયો પણ પાછો વાળ્યો નથી. તપાસ કરતાં અમને ખબર પડી હતી કે રાજેશ મેવાવાલાએ અમારી પાસેથી જે રૂપિયા ઇન્કમ-ટૅક્સમાં ભરવા માટે લીધા હતા એમાંથી તેણે એક પણ રૂપિયો ઇન્કમ-ટૅક્સમાં ચૂકવ્યો નથી. બેલાર્ડ પિયરની મૅજિસ્ટ્રેટ કોર્ટે તેને ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા માટે ૨૦૧૯માં છ મહિનાની અને ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટ સાથે પણ છેતરપિંડી કરવાના આરોપસર છ મહિનાની સજા કરી હતી. જોકે ત્યાર બાદ તે ઉપલી કોર્ટમાંથી જામીન પર છૂટી ગયો હતો.’
અમે તેનાં બધાં જ કારસ્તાનની માહિતી સાથે શુક્રવારે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં રાજેશ મેવાવાલા અને તેની દીકરી માસૂમી મેવાવાલા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી એમ જણાવીને સત્યેન દલાલે કહ્યું હતું કે ‘અમારી ફરિયાદ પછી રાજેશ મેવાવાલાની પોલીસે ધરપકડ કરી હતી. આ પહેલાં તેણે કરેલા છેતરપિંડીના કેસોની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.’
સૌથી રસપ્રદ વાત એ છે કે રાજેશ મેવાવાલાની આ અગાઉ સોનાની જ્વેલરીની દાણચોરી અને હવાલા કૌભાંડ માટે ૨૦૦૭માં ધરપકડ કરવામાં આવી હતી એમ જણાવીને ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આવકવેરા વિભાગે ડ્રાયફ્રૂટ્સનો સ્ટોર ચલાવતા રાજેશ મેવાવાલાના બૅન્ક-લૉકરમાંથી ૨૩ કિલોથી વધુ હીરા જડેલાં સોનાનાં ઘરેણાં જપ્ત કર્યાં હતાં, જેની એ સમયે કિંમત છ કરોડ રૂપિયા થતી હતી. ત્યાર બાદ મલબાર હિલના ફ્લૅટમાંથી ૨૫ મોબાઇલ ઇન્કમ-ટૅક્સ વિભાગના અધિકારીઓને મળી આવ્યા હતા. એના પરથી રાજેશ મેવાવાલા ક્રિકેટ અને હવાલા કૌભાંડમાં સંકળાયેલો હોવાની શંકા ગઈ હતી. ગોલ્ડમૅન તરીકે જાણીતા રાજેશ મેવાવાલા બૅન્ગકૉકની ફ્લાઇટમાં બેસવાનો હતો એની થોડી જ ક્ષણો પહેલાં તેની પાસેથી ૧,૪૦,૦૦૦ ડૉલર અને ભારતીય ચલણના બે લાખ રૂપિયા કસ્ટમ્સ અધિકારીઓને મળ્યા હતા. ત્યારે તેની કસ્ટમ્સ વિભાગે કન્ટ્રોલ ઑફ ફૉરેન એક્સચેન્જ ઍૅન્ડ પ્રિવેન્શન ઑફ સ્મગલિં ગ ઍૅક્ટ હેઠળ અટકાયત કરી હતી. એ સમયે પણ રાજેશ મેવાવાલા આ બાબતની સ્પષ્ટતા કરવામાં અસમર્થ રહ્યો હતો.’
છેતરપિંડીના બનાવ સંદર્ભે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન અધિકારી સચિન કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે સત્યેન દલાલની ફરિયાદ પછી શુક્રવારે રાજેશ મેવાવાલાની ધરપકડ કરી હતી. રાજેશ મેવાવાલા અત્યારે પોલીસ-કસ્ટડીમાં છે. અમે ફરિયાદ બાબતે વધારે તપાસ હાથ ધરી છે.’

23 May, 2022 07:50 AM IST | Mumbai | Rohit Parikh

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Breaking News: કૉર્ટના નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરેએ સીએમ પદ પરથી આપ્યું રાજીનામું

ઉદ્ધવ ઠાકરેએ બુધવાર, 29 જૂનના રોજ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપ્યું. મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પર સ્ટે મૂકવાની MVA સરકારની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા પછી તરત જ ઉદ્ધવ ઠાકરેએ કરી જાહેરાત.

29 June, 2022 10:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

`સંભાજીનગર`ના નામે ઓળખાશે ઔરંગાબાદ, મહારાષ્ટ્ર સરકારે બદલ્યું ઉસ્માનાબાદનું નામ

કેબિનેટે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટનું નામ બદલીને સ્વર્ગીય ડી.બી. પાટિલ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ રાખવાને પણ સ્વીકૃતિ આપી દીધી છે.

29 June, 2022 07:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Maharashtra Political Crisis: આવતી કાલે જ બહુમતી સાબિત કરો, રાજ્યપાલનો CMને પત્ર

વિધાનસભાનું વિશેષ અધિવેશન બોલાવવામાં આવ્યું

29 June, 2022 09:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK