° °

આજનું ઇ-પેપર
Sunday, 03 July, 2022


ગુજરાતીઓનું ગૌરવ વધારનારા આ વિદ્યાર્થીઓને છે સલામ

19 June, 2022 11:05 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાંતાક્રુઝની ક્રિશા શાહને બનવું છે ડૉક્ટર

ક્રિશા શાહ SSC Result

ક્રિશા શાહ

સાંતાક્રુઝની ક્રિશા શાહને બનવું છે ડૉક્ટર

સાંતાક્રુઝમાં વાકોલામાં રહેતી અને સેન્ટ ચાર્લ્સ ઇંગ્લિશ હાઈ સ્કૂલમાં ભણતી ક્રિશા શાહ દસમા ધોરણમાં ૯૬ ટકા માર્ક્સ સાથે પોતાની સ્કૂલમાં બીજા ક્રમાંકે ઉત્તીર્ણ થઈ છે. તે ભવિષ્યમાં મેડિકલ ફીલ્ડમાં આગળ વધીને ડૉક્ટર બનવાની ઇચ્છા ધરાવે છે. પ્રભુ પર અતૂટ શ્રદ્ધા સાથે આત્મવિશ્વાસમાં અડીખમ રહેનાર ક્રિશાએ ‘મિડ-ડે’ને તેની સફળતા વિશેની માહિતી આપતાં કહ્યું હતું કે ‘લક્ષ્ય જો ઊંચું રાખીએ તો કોઈ પણ કાર્ય અશક્ય નથી. મારી આ સફળતામાં મારી મહેનત તો છે જ, સાથે-સાથે દેવ-ગુરુ-વડીલોના આશીર્વાદ તથા મારી મમ્મી શીતલ (શિલ્પશ્રી ઇવેન્ટ્સ) અને પપ્પા વિશાલ (વ્યાવસાયિક)નું મજબૂત પીઠબળ હંમેશાં અગ્રેસર રહ્યું છે. મનગમતો વિષય ડ્રૉઇંગ અને એમાં પણ ઇન્ટરમીડિયેટમાં ‘એ’ ગ્રેડ અને પોર્ટ્રેટ બનાવવામાં માસ્ટરી હોવા છતાં મેં મારી કરીઅર તરીકે મેડિકલ પર પસંદગી ઉતારી છે.’ કોઈ પણ ક્લાસિસ કે ટ્યુશન વગર નવમા ધોરણ સુધીનો અભ્યાસ મેં જાતે જ કર્યો છે એમ જણાવીને ક્રિશા શાહે કહ્યું હતું કે ‘બાળપણથી જ મને મમ્મી-પપ્પાએ દરેક ફીલ્ડમાં પ્રોત્સાહિત કરીને આગળ વધારી છે. ડ્રૉઇંગમાં અનેક ટ્રોફીઓ, સ્કૉલરશિપમાં મેડલ, બાસ્કેટબૉલમાં ચૅમ્પ, બૉક્સ-ક્રિકેટમાં બેસ્ટ બોલરનો અવૉર્ડ, આ પર્યુષણમાં આઠ ઉપવાસ (અઠ્ઠાઈ) વગેરે અચીવમેન્ટથી પણ મોટું અચીવમેન્ટ હમણાં કર્યું હતું. દસમીની પરીક્ષા પૂરી થયાના તરત ત્રણ દિવસ બાદ હું અમારા જૈન તીર્થ ગિરનારની ૯૯ જાત્રા કરવા નીકળી ગઈ હતી અને માત્ર ૪૨ દિવસમાં મેં કુલ ૧૧૩ જાત્રા પૂરી કરી હતી. એ મારા માટે એક મોટું અચીવમેન્ટ છે. આ ખુશી અને એમાં દસમીના ૯૬ ટકા માર્ક્સથી મારી અને પરિવારના બધાની ખુશી બમણી થઈ ગઈ.’ મોઢા પર અનોખું હાસ્ય લઈને ક્રિશાએ કહ્યું હતું કે ‘મારું ઇતિહાસનું પેપર પૂરું થતાં મેં હાશકારા સાથે પાર્ટી કરી હતી કે મારી પરીક્ષા પૂરી થઈ. જોકે ત્યારે મારી ભૂગોળની પરીક્ષા બાકી હતી. સમાજશાસ્ત્ર મને જરાય ગમતું ન હોવા છતાં એ જ વિષયમાં હું ૯૮ માર્ક સાથે સ્કૂલમાં પ્રથમ ક્રમાંકે આવી ત્યારે મને એક વાત પર વિશ્વાસ બેસી ગયો કે પુરુષાર્થ કરવાની હિંમત હોય તો પાંખ ફૂટે. બાકી બેસી રહીએ તો કિસ્મત પણ રૂઠે. ન ગમતા વિષયમાં ઓછા માર્ક્સ ન આવે એ ડરથી મેં કંઈક વધારે જ મહેનત આ વિષય માટે કરી લીધી હતી.’ સખત મહેનતથી સતત આગળ વધવું, પોતાના દરેક શોખ પૂરા કરવા, ક્યારેય મુશ્કેલીઓથી ન ડરવું એવી જાણકારી આપતાં ક્રિશાએ કહ્યું હતું કે ‘મને પ્રેરણા આપતાં મારાં મમ્મી-પપ્પાએ એક ખાસ વાત શીખવી છે કે જીવનમાં હરીફાઈ તો ડગલે ને પગલે છે, પણ ક્યારેય પોતાની નિષ્ઠા કે પ્રામાણિકતા છોડવી નહીં.’

ઘાટકોપરનો ઈશાન વેલાણી એમબીએ કરીને ફૅમિલી બિઝનેસ સંભાળવા માગે છે

ઘાટકોપર-ઈસ્ટમાં રહેતો અને ઘાટકોપર-ઈસ્ટના ઋષિકુળ વિદ્યાલયમાં અભ્યાસ કરતો ઈશાન પ્રદીપ વેલાણી દસમા ધોરણની પરીક્ષામાં ૯૫.૬૦ ટકા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયો છે. આટલા ટકા સાથે ઈશાન તેની સ્કૂલમાં ત્રીજા ક્રમે આવ્યો છે અને ઇંગ્લિશ વિષયમાં ૯૩ માર્ક્સ સાથે સ્કૂલનો ટૉપર બન્યો છે. ઈશાને ભવિષ્યમાં કૉમર્સમાં અભ્યાસ કરીને એમબીએ (માસ્ટર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન) કરીને બિલ્ડર્સ અને ડેવલપર્સનો ફૅમિલી બિઝનેસ સંભાળીને પ્રગતિ કરવી છે. ઈશાને તેની સિદ્ધિનું શ્રેય પોતાની મમ્મી અમિષા તથા પપ્પા પ્રદીપ વેલાણી તેમ જ સ્કૂલના ગુરુઓને આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભણતાં-ભણતાં રમવાના અને રમતાં-રમતાં ભણવાના સ્કૂલના કન્સેપ્ટ પ્રમાણે સ્પોર્ટ્સમાં ભાગ લઈને હું મારા ભણવામાં પણ ધ્યાન આપતો હતો. એ પણ કોઈ પણ જાતના બર્ડન વગર. મારે કૉમર્સ કરીને એમબીએ કરવું છે અને મારા જ ફૅમિલી બિઝનેસમાં માસ્ટર બનવું છે.’

માટુંગાના જિનાંશ દલાલને બનવું છે આઇઆઇટી એન્જિનિયર

સાયનમાં રહેતો અને માટુંગાની બી.એ.કે. સ્વાધ્યાય ભવન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો જિનાંશ પુનિત દલાલ દસમા ધોરણમાં ૯૭.૬૦ ટકા માર્ક્સ મેળવીને સ્કૂલનો ફર્સ્ટ રૅન્કર રહ્યો છે. જિનાંશે ભવિષ્યમાં આઇઆઈટી એન્જિનિયર બનવું છે. મેં આ પરીક્ષાને એક પડકાર અને સ્ટેપિંગ સ્ટોન તરીકે લીધી હતી એમ જણાવતાં પોતાની સફળતાની માહિતી આપતાં જિનાંશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં અભ્યાસ માર્ક્સ મેળવવા માટે નહોતો કર્યો, પરંતુ એને બદલે મારાથી બને એટલી મહેનત કરીને મારું શ્રેષ્ઠ પરિણામ આપવા માટેના પ્રયાસરૂપે કર્યો હતો. મારી તૈયારી થઈ ગયા પછી મેં રિવાઇઝ કરવાને બદલે પ્રૅક્ટિસ પેપર લખવાને વધુ મહત્ત્વ આપ્યું હતું. હું દિવસમાં લગભગ બે પેપર લખતો હતો. એમાં દિવસમાં કુલ ચારથી પાંચ કલાક થતા. મારી સફળતામાં મને સાયન્સ ગ્રૅજ્યુએટ થયેલી મારી મમ્મી શિલ્પા અને પપ્પા પુનિત દલાલ, મારા ટીચરો અને મારા બે શ્રેષ્ઠ મિત્રોનો ખૂબ જ મોટો ટેકો મળ્યો હતો. આ એ મિત્રો હતા જેમની સાથે મારી ખૂબ જ મૈત્રીપૂર્ણ સ્પર્ધા હતી. એમાં બેશકપણે મને ઘણો ફાયદો થયો હતો. અભ્યાસ કરતી વખતે હું આનંદ અને આરામ કરવાનું ક્યારેય ભૂલ્યો નહોતો. એણે પરીક્ષા માટે માઇન્ડ સેટ અને ફોકસ કરવામાં મહત્ત્વનો ફાળો ભજવ્યો હતો. મારી શ્રેષ્ઠ બનવાની અને શ્રેષ્ઠ પરિણામ લાવવાની મહત્ત્વાકાંક્ષાને કારણે મેં પરીક્ષાની તૈયારી કરવામાં પણ ઝડપ રાખી હતી.’

19 June, 2022 11:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

અમારા ઍડ્‍મિશનનું શું?

સીબીએસઈ અને આઇસીએસઈ બોર્ડના સ્ટુડન્ટ્સને મુંબઈ યુનિવર્સિટીની કૉલેજોમાં ઍડ્‍મિશનની શક્યતા નથી, કારણ કે પ્રવેશ માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂરી કરવાની અંતિમ તારીખ ૨૫ જૂન હતી અને હજી સુધી તો આ બોર્ડનાં રિઝલ્ટ નથી જાહેર થયાં

28 June, 2022 08:00 IST | Mumbai | Dipti Singh
મુંબઈ સમાચાર

માનસિક સક્ષમતાએ આપી શારીરિક અક્ષમતાને મહાત

થૅલેસેમિયા મેજર જેવી ‍રક્તવિકારની બીમારી હોવા છતાં ત્રણ વિદ્યાર્થીઓ દસમા ધોરણમાં સારા માર્ક્સથી પાસ થઈને બીજા માટે બન્યા ઉદાહરણરૂપ

21 June, 2022 09:38 IST | Mumbai | Rohit Parikh
મુંબઈ સમાચાર

ગુજરાતીઓનું ગૌરવ વધારનારા આ વિદ્યાર્થીને છે સલામ

વડાલાના કાવ્ય ગાંધીની છે સીએ અથવા ઍક્ચ્યુરિયલ સાયન્સ કરવાની ઇચ્છા

21 June, 2022 09:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK