નવી ઇલેક્ટ્રૉનિક સિસ્ટમમાં એ ૭૦ મીટરનું ડિસ્ટન્સ વધારીને ૨૫૦ મીટર કરવામાં આવ્યું હતું
સેન્ટ્રલ રેલવે
સેન્ટ્રલ રેલવે દ્વારા મેગા બ્લૉક લઈને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને થાણેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં કામ કરવામાં આવ્યાં હતાં ત્યારે જ સિગ્નલિંગ સિસ્ટમ અને અન્ય જે નાનાં-મોટાં કામ હતાં એ પણ હાથ ધરાયાં હતાં. જોકે એમાં પણ ખાસ કરીને નવી ઇલેક્ટ્રૉનિક ઇન્ટરલૉકિંગ સિસ્ટમ બેસાડવાને કારણે CSMT પર ટ્રેનો મોડી થતી હતી. વળી સેન્ટ્રલ રેલવેમાં ફાસ્ટ ટ્રૅક પર જ લાંબા અંતરની ગાડીઓ પણ દોડતી હોવાથી ટાઇમટેબલ ખોરવાઈ ગયું હતું અને ટ્રેનો મોડી પડતાં મુંબઈગરાઓને હાડમારી ભોગવવી પડતી હતી. હવે એમાં સેન્ટ્રલ રેલવેને કહીને ખાસ અપ્રૂવલ લઈને ચેન્જિસ કરવામાં આવ્યા છે એટલે ટ્રેનો લેટ થતી ન હોવાથી ટાઇમટેબલ ધીમે-ધીમે લાઇન પર આવી રહ્યું છે અને લોકોની હાડમારીનો અંત આવી રહ્યો છે.
આ બાબતે માહિતી આપતાં સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર ડૉ. સ્વપ્નિલ નીલાએ કહ્યું છે કે ‘CSMT પર એક પ્લૅટફૉર્મ પરથી ટ્રેન નીકળે અને એ પ્લૅટફૉર્મ પર બીજી ટ્રેન આવે એ માટે જે ઇન્ટરલૉકિંગ સિસ્ટમ નવી નાખવામાં આવી હતી એમાં જૂનું ધોરણ એ હતું કે પ્લૅટફૉર્મ પરથી નીકળેલી ટ્રેન ક્રૉસિંગ પછી ૭૦ મીટર દૂર નીકળી જાય ત્યારે પ્લૅટફૉર્મ પર એન્ટર થનારી ટ્રેનને પ્લૅટફૉર્મ પર જવા માટેનું સિગ્નલ મળે. નવી ઇલેક્ટ્રૉનિક સિસ્ટમમાં એ ૭૦ મીટરનું ડિસ્ટન્સ વધારીને ૨૫૦ મીટર કરવામાં આવ્યું હતું જેને કારણે દરેક ટ્રેનનો સમય ૯૦ સેકન્ડ (દોઢ મિનિટ) વધી ગયો હતો. દિવસની હજારો ટ્રેનો દોડતી હોય ત્યારે એ દોઢ મિનિટનો સમય પણ સરવાળે ઘણું લેટ કરી દેતો હતો એટલે સેન્ટ્રલ રેલવેને તેમના નિયમોમાં ફેરફાર કરી ફરી એ ૭૦ મીટર્સના ડિસ્ટન્સને જ ઍટ લીસ્ટ CSMT માટે ચાલુ રાખવા અને સૉફ્ટવેરમાં એ ચેન્જિસ કરવા જણાવાયું હતું. એનો રેલવે બોર્ડે સ્વીકાર કર્યો છે અને એથી હવે એ સમયની બચત થતાં ધીમે-ધીમે ટાઇમટેબલ રાબેતા મુજબ થઈ રહ્યું છે અને ટ્રેનો સમયસર દોડી રહી છે.’