° °

આજનું ઇ-પેપર
Thursday, 29 September, 2022


આને કહેવાય માનવતા...

22 September, 2022 09:13 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘાટકોપરમાં બેફામ કારે ભરરસ્તે સાત જણને અડફેટમાં લીધા ત્યારે વાસંતી ભાટિયાને એક સજ્જન પોલીસની હેરાનગતિની ચિંતા કર્યા વિના ડૉક્ટર પાસે લઈ ગયા અને તરત સારવાર ચાલુ કરાવી

ઘાટકોપરમાં બેફામ કારે અનેક લોકોને અડફેટમાં લીધાનો વિડિયો ગ્રૅબ (ડાબે), ઈજાગ્રસ્ત વાસંતી ભાટિયા

ઘાટકોપરમાં બેફામ કારે અનેક લોકોને અડફેટમાં લીધાનો વિડિયો ગ્રૅબ (ડાબે), ઈજાગ્રસ્ત વાસંતી ભાટિયા

ઘાટકોપર-ઈસ્ટના હાઇવેથી ગારોડિયાનગર આવનારા ઑર્બિટ ટાવર પાસેના પુષ્પવિહાર સિગ્નલ પર ગઈ કાલે બપોરે ૧૨.૪૩ વાગ્યે એક કારે સાત જણને ટક્કર મારી હતી. એમાં ત્રણ પુરુષ, એક મહિલા, બે ટીનેજર અને આઠ વર્ષના બાળકને ઈજા થઈ હતી. જોકે સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને ગંભીર ઈજા થઈ નથી. ઈજાગ્રસ્તોને રાજાવાડી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. આ અકસ્માતમાં મૂળ કચ્છના મડઈ ગામનાં અને હાલ ગારોડિયાનગરના કોર્ટ મહેલમાં રહેતાં ૭૩ વર્ષનાં વાસંતી ભાટિયા પણ ઘાયલ થયાં હતાં. જોકે એક સજ્જને પોલીસ કેસમાં પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાવા પડશે એવી કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના વાસંતીબહેનને તેમના ફૅમિલી ડૉક્ટર પાસે લઈ ગયા હતા. આને કારણે તેમની સારવાર તરત જ શરૂ થઈ શકી હતી.

આ વિશે માહતી આપતાં તેમના વાસંતીબહેનના દીકરા તુષારભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારાં મધર કશુંક લેવા નીચે ઊતર્યાં હતાં, કારણ કે નીચે જ માર્કેટ છે. એ અકસ્માત થયો અને મારાં મધરને વાગ્યું એ વખતે ત્યાંથી પસાર થઈ રહેલા એક સજ્જને જોયું કે તેમને માર લાગ્યો છે એથી તરત જ તેમની મદદે દોડી ગયા હતા. પોલીસની પૂછપરછ થશે કે ધક્કા ખાવા પડશે એવી કોઈ જ ફિકર ન કરતાં તેમણે મારાં મધરને પૂછીને અમારા ફૅમિલી ડૉક્ટર પાસે સારવાર માટે લઈ ગયા હતા. તેમનું સીટીસ્કૅન પણ કરાવ્યું છે. તેમને ચહેરા પર માર લાગ્યો છે. સાથે જ હાથ-પગમાં પણ માર લાગ્યો હોવાથી સોજો આવી ગયો છે.

ઘાટકોપર-ઈસ્ટના પંતનગર પોલીસ-સ્ટેશનના એક અધિકારીના જણાવ્યા મુજબ આ ઘટનામાં ઑનલાઇન કૅબ સર્વિસની હ્યુન્ડાઇ ઍસેન્ટ (એમએચ-૦૩-ડીવી-૦૪૭૧)ના ૪૨ વર્ષના ડ્રાઇવર રાજુ રામિવલાસ યાદવે મોબાઇલ ચાર્જ કરવા સ્ટાર્ટર માર્યું હતું. એ વખતે અચાનક કાર ચાલુ થઈ ગઈ હતી અને ત્યારે તેણે આ ગરબડમાં કાર રોકવાનો પ્રયાસ કર્યો, પણ ભૂલમાં બ્રેકને બદલે ઍક્સલરેટર પર પગ મૂકતાં કાર જોશભરે પચાસ મીટર જેટલી આગળની તરફ ધસી ગઈ હતી અને આ અકસ્માત થયો હતો. હ્યુન્ડાઇ કાર આગળ પાર્ક કરાયેલી બે રિક્ષા સાથે અથડાઈ હતી અને ત્યાર બાદ એમાંની એક રિક્ષા ત્રીજી પાર્ક કરેલી રિક્ષાને અથડાઈ હતી. એ વખતે રસ્તા પર ચાલનારા રાહદારીઓ પણ એની અડફેટે આવ્યા હતા. સ્કૂલ છૂટી હતી એટલે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ રસ્તા પર હતા. ઘાયલ થનારાઓ રસ્તા પર પટકાયા હતા. તેમને રિક્ષા અને કારનો ધક્કા લાગ્યા હતા, કાર સ્પીડમાં હતી છતાં સદ્નસીબે એનું કે રિક્ષાનું પૈડું કોઈના પર ફરી વળ્યું નહોતું અને કોઈને ગંભીર ઈજા થઈ નહોતી. અકસ્માત થતાં તરત જ બીજા લોકો મદદે દોડી આવ્યા હતા.

એક જ અકસ્માતમાં સાત જણ ઘાયલ થયા હોવાથી અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે ધસી ગયા હતા. એ જ પ્રમાણે સ્થાનિક રાજકારણીઓએ પણ રાજાવાડી હૉસ્પિટલમાં જઈ ઘાયલોની મુલાકાત લીધી હતી અને તેમની સારવાર યોગ્ય રીતે થાય એ માટે ડૉક્ટરોને સૂચના આપી હતી.

વાસંતીબહેનના દીકરા તુષારભાઈએ વધુમાં કહ્યું હતું કે, મૂળમાં અહીં ગેરકાયદે રિક્ષા-સ્ટૅન્ડ ઊભું કરી દેવાયું છે. સ્ટેશનથી અહીં શૅર-એ-રિક્ષા આવ-જા કરે છે અને આખો દિવસ અહીં રિક્ષાઓ પાર્ક થાય છે. બાજુમાં જ સ્કૂલ છે. સ્કૂલ છૂટે ત્યારે બહુ જ ભીડ થાય છે, પણ કોઈ કહેવાવાળું નથી, વૉટબૅન્કનો સવાલ છે. ખરેખર જોતાં આ ન્યુસન્સ છે એ હટવું જોઈએ, એના પર કામ થવું જોઈએ. એ સિવાય એ કાર-ડ્રાઇવર જેણે અકસ્માત કર્યો એની સામે પણ કડક ઍક્શન લેવાવી જોઈએ.’  

22 September, 2022 09:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK