° °

આજનું ઇ-પેપર
Thursday, 16 September, 2021


ઘાટકોપર-માનખુર્દ ફ્લાયઓવર લોકોની પચ્ચીસ મિનિટ બચાવશે

02 August, 2021 01:40 PM IST | Mumbai | Rohit Parikh

ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે વાહનો માટે એને ખુલ્લો મૂક્યો : વાશી, કલમ્બોલી, પુણે તરફ અવરજવર કરતા જથ્થાબંધ બજારના વેપારીઓ અને સહેલાણીઓને થશે બહુ મોટી રાહત

ઘાટકોપર-માનખુર્દ ફ્લાયઓવર ગઈ કાલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વાહનો માટે ખુલ્લો મૂક્યો હતો

ઘાટકોપર-માનખુર્દ ફ્લાયઓવર ગઈ કાલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વાહનો માટે ખુલ્લો મૂક્યો હતો

ઘાટકોપર-માનખુર્દ ફ્લાયઓવરને ગઈ કાલે મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરેએ વાહનો માટે ખુલ્લો મૂક્યો હતો. ઘાટકોપર-માનખુર્દ લિન્ક રોડ પર બાંધવામાં આવેલો ૨.૮ કિલોમીટર લાંબો આ ફ્લાયઓવર‌ શરૂ થવાથી વાશી, કલમ્બોલી, પુણે તરફ અવરજવર કરતા જથ્થાબંધ બજારના વેપારીઓ અને સહેલાણીઓએ બહુ મોટી રાહત અનુભવી હતી. આ બ્રિજથી મુસાફરીના સમયમાં ૨૫ મિનિટની બચત થશે. એટલું જ નહીં, આ ફ્લાયઓવરને કારણે પેટ્રોલ-ડીઝલમાં પણ બચત થશે.

આ ફ્લાયઓવરનું બાંધકામ ૨૦૧૬માં શરૂ કરવામાં આવ્યું  હતું. આ કામ જાન્યુઆરી ૨૦૧૯માં પૂરું થવાની ધારણા હતી. જોકે એ સમય સુધીમાં બાંધકામ પૂરું ન થવાથી ફેબ્રુઆરી ૨૦૨૦માં સ્ટૅન્ડિંગ કમિટીએ બાંધકામના ખર્ચ અને કામ પૂરું કરવાની મુદત વધારી આપ્યાં હતાં. આ પ્રોજેક્ટ પાછળ પહેલાં ૫૭૬ કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો, જ્યારે પ્રોજેક્ટ પૂરો થતાં ૭૧૩ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

અગાઉ આ ફ્લાયઓવરના નામ પર વિવાદ ઊભો થયો હતો. શિવસેના સંસદસભ્ય રાહુલ શેવાળેએ એનું નામ સૂફી સંત ખ્વાજા ગરીબ નવાઝ મોઇનુદ્દીન ચિસ્તીના નામ પર રાખવાની માગણી કરી હતી. એની સામે બીજેપીએ એનું નામ છત્રપતિ શિવાજી મહારાજના નામ પર રાખવાની માગણી કરી હતી. આખરે ૨૯ જુલાઈએ મુંબઈ મહાનગરપાલિકાની વર્કિંગ કમિટીએ આ ફ્લાયઓવરને શિવાજી મહારાજના નામ પર રાખવાની મંજૂરી આપી હતી. 

આ બ્રિજ કાર માટે ગઈ કાલથી શરૂ થતાં એપીએમસી અને કલમ્બોલી લોખંડબજારનાં જથ્થાબંધ બજારોના વેપારીઓને મુસાફરીમાં બહુ મોટી રાહત મળશે એમ જણાવતાં ઘાટકોપરમાં ઘર અને ઑફિસ ધરાવતા ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્રના અધ્યક્ષ વિનેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે વેપારીઓ માટે સમય બહુ મહત્ત્વનો હોય છે. પુણે એક્સપ્રેસવે પછી મુંબઈ અને પુણેના બિઝનેસમેન બહુ જ નજીક આવી ગયા છે. જોકે માનખુર્દ પછી ઘાટકોપર વચ્ચેની મુસાફરી ટ્રાફિકને લીધે અત્યંત કંટાળાજનક બની જાય છે. આ ટ્રાફિકમાં સમય અને ઈંધણ બન્નેની બરબાદી થાય છે. મુંબઈથી નવી મુંબઈમાં જથ્થાબંધ બજારો સ્થળાંતર કર્યા પછી ઘાટકોપર-માનખુર્દ લિન્ક રોડ અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક-જૅમની સમસ્યા વકરી હતી. છત્રપતિ શિવાજી ટર્મિનસથી ફ્રી-વે પર ચેમ્બુર સુધી પહોંચતાં ૨૦ મિનિટ લાગે છે. જોકે ચેમ્બુરથી ઘાટકોપર સુધી પહોંચતાં ઘાટકોપર-માનખુર્દ લિન્ક રોડના ટ્રાફિકને લીધે બીજી ૨૦ મિનિટ લાગી જાય છે. ગઈ કાલે ઘાટકોપર-માનખુર્દ ફ્લાયઓવર વાહનો માટે ખુલ્લો મુકાતાં સમય અને ઈંધણની બહુ મોટી બચત થશે.’

માનખુર્દથી ઘાટકોપરની વચ્ચે બૈંગણવાડી અને શિવાજીનગર જંક્શન સહિત ત્રણ સિગ્નલ આવે છે અને ત્યાં હેવી વેહિકલોથી લિન્ક રોડ જૅમ થઈ જાય છે એમ જણાવતાં ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શિવાજીનગર પાસે દેવનારથી આવતો ટ્રાફિક, ત્યાર પછી ફ્રી-વેથી આવતો ટ્રાફિક એમ બેથી વધારે રોડ ભેગા થતા હોવાથી આ જંક્શન પર ટ્રાફિક જૅમ રહે છે જેને લીધે પ્રદૂષણ પણ એટલું જ ફેલાય છે. હવે કાર માટે ઘાટકોપર-માનખુર્દ ફ્લાયઓવર ગઈ કાલથી શરૂ થતાં અમે વગર

પ્રદૂષણે જલદી માનખુર્દથી ઘાટકોપર અવરજવર કરી શકીશું. હજી પણ ફ્લાયઓવરના બન્ને છેડા પર અમુક કામ બાકી છે. આ કામ જલદી પૂરું કરવાની જરૂર છે.’    

બ્રિજના લોકાર્પણ સમયે ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?

સમગ્ર રાજ્યને મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન વિસ્તારમાં વિકાસનાં કામો માટે ગર્વ હોવો જોઈએ. આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો હતો. આ દિવસે અન્નાભાઈ સાઠેનો જન્મદિવસ અને લોકમાન્ય ટિળકની પુણ્યતિથિ છે.

આ દિવસે લોકોના હિત માટે કામો સમર્પિત કરવામાં આવી રહ્યાં છે. છેલ્લા ઘણા સમયથી પુલનું કામ ચાલી રહ્યું છે. પહેલાં રસ્તાની ખરાબ સ્થિતિને કારણે હું આ માર્ગ પર મુસાફરી કરવા માગતો નહોતો, પરંતુ હવે એ ફ્લાયઓવર છે. હું દરરોજ એના પર મુસાફરી કરવા માગું છું. આ ફ્લાયઓવરથી આ લિન્ક રોડ પરની ટ્રાફિક જૅમની સમસ્યાનું નિરાકરણ થશે. આનાથી અનેક લોકોનો સમય બચશે. અંદાજે ઘાટકોપરથી માનખુર્દ પહોંચવાના સમયમાં ૨૫થી ૩૦ મિનિટના સમયની બચત થશે.

ફ્લાયઓવરની વિશેષતાઓ

 ઘાટકોપર-માનખુર્દ લિન્ક રોડ સાયન-પનવેલ મહામાર્ગ અને ઈસ્ટર્ન એક્સપ્રેસ બન્નેને જોડતો મુખ્ય માર્ગ છે.

આ રસ્તા પર ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ તેમ જ ફ્રી-વે પર આવતાં વાહનોને કારણે ટ્રાફિક જૅમની સમસ્યા રહે છે.

એને કારણે મુંબઈ મહાનગરપાલિકાએ આ લિન્ક રોડ પર ત્રણ કિલોમીટર લાંબો ફ્લાયઓવર બાંધ્યો.

આ ફ્લાયઓવર શિવાજીનગર, બૈંગનવાડી, દેવનાર ક્ષેપણભૂમિ અને મોહિત પાટીલનગર એ ચાર મહત્ત્વનાં જંક્શનો અને એની સાથે આવેલાં દેવનાર નાળા, ચિલ્ડ્રન એડ નાળા, પીએમજીપી નાળા એમ ત્રણ મોટા નાળાં પરથી પસાર થાય છે.

આ બ્રિજની લંબાઈ ૨.૯૯૧ કિલોમીટર અને પહોળાઈ ૨૪.૨ મીટર છે.

આ પુલ છ લેનનો બનેલો છે. ઉત્તરમાં ત્રણ લેન અને દક્ષિણમાં ત્રણ લેન આવેલી છે.

ફ્લાયઓવર સેગમેન્ટ ટેક્નૉલૉજી અને સિંગલ કૉલમ પદ્ધતિથી બાંધવામાં આવ્યો હોવાથી બ્રિજ નીચે રોડ લેનનો ઉપયોગ પરિવહન માટે પણ થાય છે.

02 August, 2021 01:40 PM IST | Mumbai | Rohit Parikh

અન્ય લેખો

મુંબઈ સમાચાર

સાહિલ ખાને મનોજ પાટીલના આત્મહત્યાના પ્રયાસના કેસમાં મૌન તોડ્યું, કહી આ વાત

સાહિલે આ મામલે પોતાનું મૌન તોડ્યું છે અને સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.

16 September, 2021 07:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મહારાષ્ટ્રના પાલઘરમાં પાણીની ડોલમાં પડી જવાથી એક વર્ષની બાળકીનું મોત

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આકસ્મિક રીતે પાણીની ડોલમાં પડી જતાં એક વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું.

16 September, 2021 07:48 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

બીજી વાર ઈન્કમ ટેક્સની ટીમ સોનુ સૂદના ઘરે પહોંચી, ખર્ચ-આવકની તપાસ હાથ ધરી

ગુરુવારે સવારે ફરી એક વખત આવકવેરા વિભાગની ટીમ સર્વે માટે સોનુ સૂદના ઘરે પહોંચી હતી.

16 September, 2021 06:34 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK