° °

આજનું ઇ-પેપર
Wednesday, 05 October, 2022


ભાઈંદરમાંથી રિક્ષા ચોરીને મુંબઈમાં ભાડે ચલાવવા આપતી ટોળકી પકડાઈ

19 August, 2022 10:53 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમની પાસેથી ચોરાયેલી ૧૩ રિક્ષા પણ રિકવર કરવામાં આવી છે

પકડાયેલી ગેન્ગ સાથે પોલીસ Crime News

પકડાયેલી ગેન્ગ સાથે પોલીસ

ઉઠાઉગીરો પણ કેવી-કેવી તરકીબો લગાડતા હોય છે. ભાઈંદરમાંથી રિક્ષા ચોરીને એ જ રિક્ષા મુંબઈ અને અન્ય જગ્યાએ કાં તો ભાડે આપતી અથવા બારોબાર વેચી નાખતી ટોળકીને ભાઈંદર-ઈસ્ટની નવઘર પોલીસે ઝડપી લીધી છે. એટલું જ નહીં, તેમની પાસેથી ચોરાયેલી ૧૩ રિક્ષા પણ રિકવર કરવામાં આવી છે.

રિક્ષા ચોરતી આ ટોળકી વિશે માહિતી આપતાં નવઘર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર મિલિંદ દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસનો મુખ્ય આરોપી રામ શિવરામ રિક્ષા-ડ્રાઇવર છે. તે પહેલાં માલવણીમાં રહેતો હતો અને પછી મીરા રોડ રહેવા ગયો હતો અને એ પછી મલાડ-ઈસ્ટની પટેલવાડીમાં રહેતો હતો. તે તેના બીજા બે સાગરીતો સાથે રિક્ષામાં જ આવતો. તેના સાથીદારો રસ્તામાં પાર્ક કરાયેલી રિક્ષાને ડુપ્લિકેટ ચાવીથી ચાલુ કરીને લઈ જતા હતા. અમારા નવઘર પોલીસ સ્ટેશનની હદમાંથી જ તેમણે આઠ રિક્ષા ચોરી હતી. આ ઉપરાંત તેમણે એમએચબી અને નવી મુંબઈના વાશીમાંથી પણ રિક્ષા ચોરી હતી. એ પછી તેઓ એ રિક્ષાની નંબરપ્લેટ બદલી નાખતા અને એનાં પેપર્સ પણ બનાવટી તૈયાર કરાવતા હતા. એ રિક્ષા ૩૫,૦૦૦થી ૫૦,૦૦૦ રૂપિયામાં વેચી નાખતા અને જો ન વેચાય તો મહિને ૮,૦૦૦થી ૧૦,૦૦૦ રૂપિયાના ભાડે કોઈ અન્ય રિક્ષા-ડ્રાઇવરને ચલાવવા આપી દેતા હતા. અમને જ્યારે વધારે ને વધારે ફરિયાદો મળવા માંડી ત્યારે અમે એની ઝીણવટથી તપાસ કરીને સીસીટીવી કૅમેરાનાં ફુટેજ અને ખબરી નેટવર્કમાંથી તપાસ કરીને આખરે રામ શિવરામ અને તેના સાગરીતોને પકડી પાડ્યા હતા. સાથે જ તેઓ જેમને રિક્ષા વેચતા હતા તેમને પણ ઝડપ્યા છે. અમે તેમનો રેકૉર્ડ ચેક કર્યો હતો, પણ તેમની સામે આ પહેલાં કોઈ ગુના નોંધાયા હોવાનું જણાઈ આવ્યું નથી. આ ટોળકીએ ચોરી તો કરી જ છે, પણ પહેલી જ વાર પકડાઈ છે. અમે તેમણે ચોરેલી ૧૩ રિક્ષા હસ્તગત કરી છે. કુલ સાત આરોપીઓની ધરપકડ કરાઈ છે. તેમને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેમને ગુરુવાર સુધીની પોલીસ-કસ્ટડી આપી છે. અમે અમારા જ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આઠ ફરિયાદોમાં હવે તેમની વારાફરથી અટક કરીશું.’

19 August, 2022 10:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK