Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ખાર રોડ સ્ટેશનથી સ્કાયવૉક પરથી જવાશે બાંદરા ટર્મિનસ

ખાર રોડ સ્ટેશનથી સ્કાયવૉક પરથી જવાશે બાંદરા ટર્મિનસ

02 July, 2022 10:37 AM IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

બહારગામની ટ્રેનોના મુસાફરો માટે સુવિધા : આ સ્કાયવૉક ખારના પ્લૅટફૉર્મ-નંબર એકના ઉત્તર છેડેથી બાંદરા ટર્મિનસને જોડતો હોવાથી પ્રવાસીઓને મળશે ઘણી રાહત

વેસ્ટર્ન રેલવેના બાંદરા ટર્મિનસ અને ખાર રોડ સ્ટેશન વચ્ચે કાર્યરત થયેલો નવો સ્કાયવૉક

વેસ્ટર્ન રેલવેના બાંદરા ટર્મિનસ અને ખાર રોડ સ્ટેશન વચ્ચે કાર્યરત થયેલો નવો સ્કાયવૉક


વેસ્ટર્ન રેલવે દ્વારા રેલવેના પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધા માટે વિશેષ ધ્યાન આપવામાં આવે છે. એ અનુસાર અનેક પ્રકારનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અપગ્રેડેશનનાં કામ હાથ ધરવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં લોઅર પરેલ રેલવે સ્ટેશનની બહાર ડિલાઇલ રોડ ફ્લાયઓવર પર પ્રથમ ગર્ડર લગાવવાનું કામ પૂરું કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ  બાંદરા ટર્મિનસથી ઊપડતી અને આવતી બહારગામની ટ્રેનોના મુસાફરોની સુવિધા માટે ખાર રોડ સ્ટેશન પર બાંદરા ટર્મિનસને ઉપનગરીય નેટવર્ક સાથે જોડતો નવો સ્કાયવૉક કાર્યરત કરવામાં આવ્યો છે. લાંબા અંતરની ટ્રેનોના પ્રવાસીઓને સામાન લઈને ટર્મિનસ જવું અઘરું પડતું હોવાને કારણે આ માર્ગથી તેમને મોટી રાહત મળી રહેશે.

વેસ્ટર્ન રેલવેના પ્રવાસીઓ માટે આ સ્કાયવૉક ખૂબ મહત્ત્વપૂર્ણ સુવિધા બની રહેશે એમ જણાવીને વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમિત ઠાકુરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાંદરા ટર્મિનસથી વેસ્ટર્ન રેલવેના પ્રવાસીઓને લાંબા અંતરની અનેક ટ્રેનો મળી રહે છે. એથી પ્રવાસીઓને સુવિધા મળી રહે એટલા માટે ગઈ કાલે બાંદરા ટર્મિનસ અને ખાર રોડ વચ્ચે ૪.૪ મીટર પહોળા અને ૩૧૪ મીટર લાંબા નવા સ્કાયવૉકને શરૂ કરવામાં આવ્યો છે. આ સ્કાયવૉકને શરૂ કરવાની સાથે બાંદરા ટર્મિનસ હવે મુંબઈ ઉપનગરીય રેલવે નેટવર્કના ખાર રોડ સ્ટેશન સાથે સીધું જોડાઈ ગયું છે. નવો સ્કાયવૉક લાંબા અંતરની ટ્રેનો પકડનારા મુસાફરોને ખૂબ સુવિધાજનક રહેશે. હવે મુસાફરો ખાર રોડ સ્ટેશન પર ઊતરીને અને ખાર દક્ષિણ ફુટઓવર બ્રિજ (એફઓબી) લઈને જે સ્કાયવૉક સાથે જોડાયેલો છે એ બાંદરા ટર્મિનસના કોઈ પણ પ્લૅટફૉર્મ પર પહોંચી શકશે.’



સુમિત ઠાકુરે વધુમાં કહ્યું હતું કે ‘આ સ્કાયવૉક બાંદરા ટર્મિનસ સ્ટેશનના તમામ એફઓબીને જોડે છે એટલે સામાન લાવવા-લઈ જવામાં પણ સરળતા રહેશે. આ સ્કાયવૉક બનાવવાનો કુલ ખર્ચ અંદાજે ૧૪ કરોડ રૂપિયાની આસપાસ છે. એ ૫૧૦ મેટ્રિક ટન સ્ટ્રક્ચરલ સ્ટીલ, ૨૦ મેટ્રિક ટન રીઇન્ફોર્સમેન્ટ સ્ટીલ અને ૨૪૦ ઘન મીટર કૉન્ક્રીટનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩માં વેસ્ટર્ન રેલવેના મુંબઈ ઉપનગરીય વિભાગમાં કુલ સાત એફઓબી અને સ્કાયવૉક કાર્યરત કરવામાં આવ્યા છે. આગામી સમયમાં પણ અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અપગ્રેડેશનનાં કામ હાથ ધરવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

02 July, 2022 10:37 AM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK