Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જીવ બચાવવામાં જીવ ગુમાવ્યો

જીવ બચાવવામાં જીવ ગુમાવ્યો

06 October, 2022 08:06 AM IST | Mumbai
Bakulesh Trivedi | bakulesh.trivedi@mid-day.com

બાંદરા-વરલી સી-લિન્ક પર થયેલા અકસ્માતમાં ટોલ પ્લાઝાનો કર્મચારી ચેતન કદમ ઘાયલોને હૉસ્પિટલમાં પહોંચાડવા ઍમ્બ્યુલન્સમાં ખસેડી રહ્યો હતો ત્યારે પૂરપાટ આવી રહેલી કારે તેને અને ત્યાં મદદ કરી રહેલા લોકો અને ત્રણ કારને અડફેટે લેતાં પાંચ જણનાં થયાં મૃત્યુ

મંગળવારે મધરાત બાદ બાંદરા-વરલી સી-લિન્ક પર થયેલા અકસ્માતમાં પાંચ જણનો જીવ ગયો હતો અને આઠ જણ ઘાયલ થયા હતા.     શાદાબ ખાન

Accident

મંગળવારે મધરાત બાદ બાંદરા-વરલી સી-લિન્ક પર થયેલા અકસ્માતમાં પાંચ જણનો જીવ ગયો હતો અને આઠ જણ ઘાયલ થયા હતા.    શાદાબ ખાન



મુંબઈ ઃ મુંબઈના બાંદરા-વરલી સી-લિન્ક પર મંગળવારે મધરાત બાદ ૨.૨૦ વાગ્યે થયેલા એક અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હૉસ્પિટલમાં પહોંચાડવા ઍમ્બ્યુલન્સ લઈને ટોલ પ્લાઝાનો સ્ટાફ એ સ્થળે ધસી ગયો હતી. ઘાયલ લોકોને ઍમ્બ્યુલન્સમાં ખસેડાઈ રહ્યા હતા ત્યારે એ જ લેનમાંથી પૂરપાટ જઈ રહેલી અન્ય એક એસયુવીએ એ ઍમ્બ્યુલન્સને જ અડફેટે લીધી હતી. એ વખતે મદદ કરી રહેલા ટોલ પ્લાઝાના કર્મચારીઓ પણ રસ્તા પર હતા. એ બધા આ ઘટનામાં ઘાયલ થયા હતા. આ ગોઝારા અકસ્માતમાં કુલ ત્રણ કારનો ખુરદો બોલી ગયો હતો. આ અકસ્માતમાં પાંચ જણનાં મૃત્યુ થયાં હતાં. એમાં ટોલ પ્લાઝાના સુપરવાઇઝર ચેતન કદમ (૩૬ વર્ષ) અને કર્મચારીઓ ગજરાજ સિંહ (૪૨ વર્ષ), રાજેન્દ્ર સિંઘલ (૪૦ વર્ષ), સતેન્દ્ર સિંહ (૩૫ વર્ષ) અને ઍમ્બ્યુલન્સના ડ્રાઇવર સોમાનાથ બામલે (૩૨ વર્ષ)નો સમાવેશ થાય છે, જ્યારે આ ઘટનામાં અન્ય ૮ જણ ઘાયલ થયા છે અને તેમને નાની-મોટી ઈજા થઈ છે. 
સી-લિન્ક પર થયેલા અકસ્માતની આ ઘટનામાં મૃત્યુ પામેલા ચેતન કદમના પરિવારજનોએ જણાવ્યું હતું કે ચેતને આ પહેલાં પણ લોકોને બચાવ્યા છે. પાંચેક વર્ષ પહેલાં એક વ્યક્તિ સી-લિન્ક પરથી આત્મહત્યા કરવા કઠેડા પર ચડી ગઈ હતી. ત્યારે પોલીસ સાથે ચેતન પણ ત્યાં પહોંચ્યો હતો અને તેણે આગળ વધીને તે વ્યક્તિને દરિયામાં ભૂસકો મારે એ પહેલાં પકડી લીધી હતી અને બચાવી લીધો હતો. એ ઘટનાના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ પણ બહુ વાઇરલ થયાં હતાં અને ચેતનના આ કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. જોકે પરિવારે આ વખતે થોડા ફરિયાદના સૂર સાથે એમ પણ કહ્યું છે કે ચેતન સહિત સિક્યૉરિટી સ્ટાફને રાતના સમયે દૂરથી પણ થોડીક જ લાઇટ પડતાં ચમકી ઊઠતાં રિફ્લેકટરવાળાં જૅકેટ સિક્યૉરિટી એજન્સી દ્વારા અપાયાં નહોતાં એથી અકસ્માત થયો અને તેમનાં મોત થયાં. કંપનીની બેદરકારી રહી હોવાથી તેમને વળતર પણ મળવું જોઈએ. ચેતનના પરિવારમાં તેની પત્ની અને સાડાત્રણ વર્ષના દીકરાનો સમાવેશ થાય છે.                 
આ ઘટના વિશે માહિતી આપતાં વરલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અનિલ કોળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સી-લિન્ક પર થાંભલા નંબર ૭૬-૭૮ દરમ્યાન બાંદરાથી વરલી તરફ જઈ રહેલી સ્વિફ્ટ કારનું ટાયર ફાટ્યું હોવાથી એ ઊભી રહી ગઈ હતી. એના પ્રવાસીઓને થોડીઘણી ઈજા થઈ હતી. આ અકસ્માત થતાં ટોલ નાકાની સિક્યૉરિટી એજન્સીએ ત્યાં ક્રેન અને ઍમ્બ્યુલન્સ મોકલાવી હતી અને સિક્યૉરિટી એજન્સીના સુપરવાઇઝર ચેતન કદમ અને અન્ય કર્મચારીઓ ઘટનાસ્થળે મદદ કરવા ધસી ગયા હતા. એ વખતે ત્યાંથી પસાર થઈ રહેલી એક મર્સિડીઝ કાર અને એક બલેનો કારના માલિકે પણ મદદ કરવાના ઇરાદે તેમની કાર રોકી હતી. એ પછી ૨.૫૩થી ૨.૫૬ વાગ્યા દરમ્યાન ૪૨ વર્ષનો ઇરફાન અબ્દુલ રહીમ તેની ક્રેટા લઈને પાછળથી આવ્યો હતો. એ વખતે ખબર નથી કે તેણે દારૂ પીધો હતો કે નહીં કે પછી ફોન પર વાત કરતો હતો? શું હતું એ ખબર નથી, પણ તેણે સ્ટિયરિંગ પરથી  કન્ટ્રોલ ગુમાવ્યો હતો અને પૂરઝડપે જઈને આ લોકોની ગાડીઓ જે બીજી અને ત્રીજી લેનમાં ઊભી હતી એને અથડાયો હતો. એથી મદદ કરી રહેલા ટોલનાકાના કર્મચારીઓ અને મદદ માટે ઊભેલા અન્ય લોકો એ બધાને જ ક્રેટાએ ઉડાવ્યા હતા અને અડફેટે લીધા હતા. અમે એ ક્રેટા ચલાવી રહેલા ઇરફાન અબ્દુલ રહીમની ધરપક કરીને તેની સામે ગુનો નોંધ્યો છે. તેને પણ નાનીઅમથી ઈજા થઈ છે. જોકે તેને ત્યાર બાદ મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો છે.’  

બીએમસીના જણાવ્યા મુજબ આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને અલગ-અલગ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. નાયર હૉસ્પિટલમાં લઈ જવાયેલા ચેતન કદમ, સોમનાથ બામલે, રાજેન્દ્ર સિંઘલ, ગજરાજ સિંહ અને સતેન્દ્ર સિંહને ડૉક્ટરે દાખલ કરતાં પહેલાં તપાસીને મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય એક અજાણી ઘાયલ વ્યક્તિને નાયર હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. અન્ય ચાર ઘાયલો સિદ્ધાર્થ ગોયલ (૨૮ વર્ષ), આલિયા ખાન (૨૮ વર્ષ), અલી અન્સારી અને અન્ય એક અજાણ્યા પુરુષને ગ્લોબલ હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે, જ્યારે ૨૧ વર્ષના નીલ નેહલ ઓહોરાને બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. અન્ય એક ઘાયલ ૨૭ વર્ષના કૃષ્ણકુમાર યાદવને લીલાવતી હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે, જ્યારે ૪૦ વર્ષના હીરપાલ અબ્દુલ બીલહીતને જે. જે. હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.




વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલસોજી વ્યક્ત કરી
બાંદરા-વરલી સી-લિન્ક પર થયેલા આ અકસ્માતની જાણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને થતાં તેમણે ટ્વીટ કરીને દિલસોજી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘બાંદરા-વરલી સી-લિન્ક પર થયેલા અકસ્માતમાં લોકો મૃત્ય પામ્યા હોવાની જાણ થઈ, જેનાથી બહુ જ દુઃખ થયું છે. હું તેમના પરિવારને સાંત્વન આપું છું. આશા રાખું છું કે જે લોકો ઘાયલ થયા છે તેઓ જલદી સારા થઈ જાય.’ 


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2022 08:06 AM IST | Mumbai | Bakulesh Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK