Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પડ્યા પણ હાર્યા નહીં

પડ્યા પણ હાર્યા નહીં

14 July, 2022 08:15 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વરસાદને લીધે અમુક જગ્યાએ પાણી ભરાયાં, ટ્રાફિક જૅમ થયો, પણ મુંબઈગરાએ ગાડી પાટા પરથી ઊતરવા ન દીધી

સાયનમાં પાણી ભરાયેલાં રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ.   પ્રદીપ ધિવાર

સાયનમાં પાણી ભરાયેલાં રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ.   પ્રદીપ ધિવાર


મુંબઈ સહિત રાજ્માં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજ્ય સરકાર દ્વારા એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે જો બહુ જ જરૂરી કામ ન હોય તો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળો. વેધશાળા દ્વારા પણ આગાહી કરાઈ છે કે આવો જ વરસાદ અને પરિસ્થિતિ આવતા ૩ દિવસ રહેશે. રાજ્યમાં સોમવારથી જ ચાલુ થયેલા જોરદાર વરસાદે મંગળવાર રાતથી જ ધોધમાર વરસવાનું ચાલી કરી દેતાં ગઈ કાલે મુંબઈ સહિત રાજ્યમાં એની અસર જોવા મળી હતી. મુંબઈમાં જોકે બપોર પછી વરસાદ થોડો ધીમો પડ્યો હતો, પણ સવારના પિક અવર્સમાં મુંબઈગરાને ઑફિસે પહોંચતાં કલાકો લાગ્યા હતા. રાજ્યમાં કેટલીક જગ્યાએ ભેખડો ધસી પડવાની ઘટના બની હતી. અનેક નદીઓ પરના ડૅમના દરવાજા ખોલી નાખવામા આવ્યા હતા. અનેક લોકોનું સુરિક્ષત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.   
મંગળવાર રાતથી જ જોરદાર બૅટિંગ કરી રહેલા વરસાદના કારણે બુધવારે સવારે કામ પર જવા નીકળેલા મુંબઈગરાની હાલત કફોડી થઈ ગઈ હતી. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ઘાટકોપરથી સાયન દરમિયાન જોરદાર ટ્રાફિક જૅમ હતો અને ગાડીઓ બમ્પર ટુ બમ્પર ચાલી રહી હતી. એ જ પ્રમાણે વેસ્ટર્ન એક્સપ્રેસ પર હાઇવે પર જોગેશ્વરીથી સાંતાક્રુઝ વચ્ચે ટ્રાફિક જૅમ હોવાથી મોટરિસ્ટોએ ભારે હાડમારી ભોગવવી પડી હતી. મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન પણ ૧૦થી ૧૫ મિનિટ લેટ દોડી રહી હતી. જોકે કોઈ પણ જગ્યાએ ટ્રૅક પર પાણી ભરાયાં હોવાના અહેવાલ નથી. આખા દિવસમાં ઝાડ પડવાની ૬૮ ઘટના નોંધાઈ હતી.
નીચાણવાળા વિસ્તારો જેવા કે કિંગ્સ સર્કલ, ગાંધી માર્કેટ, મિલન સબવે, અંધેરી સબવે વગેરેમાં પાણી ભરાતું હતું એથી થોડો વખત માટે ત્યાંનો ટ્રાફિક બંધ કરી દેવાતો હતો પણ એ પછી સુધરાઈના કર્મચારીઓ દ્વારા પમ્પ લગાડીએ એ પાણી કાઢી લેવાતું હતું અને ફરી વાહનવ્યવહાર પૂર્વવત્ ચાલુ કરી દેવાતો હતો. સાયન ગાંધી માર્કેટ વિસ્તારમાં પાણી ભરાવાથી બેસ્ટની કેટલીક બસના રૂટ ડાઇવર્ટ કરાયા હતા. 
પૂનમની મોટી ભરતી અને સમુદ્રમાં ૪.૬૮ મીટર ઊંચાં મોજાં ઊછળવાનાં હોવાથી મુંબઈગરાને સમુદ્ર‌કિનારાથી દૂર જ રહેવાની ચેતવણી આપવામાં આવી હતી.   
સુધરાઈના જણાવ્યા અનુસાર ગઈ કાલે સવારે ૮ વાગ્યાથી ૧૧ વાગ્યા દરમિયાન જ મુંબઈ સિટીમાં ૪૫.૪૨ એમએમ, ઈસ્ટર્ન સબર્બ્સમાં ૩૪.૬ એમએમ અને વેસ્ટર્ન સબર્બ્સમાં ૩૨.૦૫ એમએમ વરસાદ પડ્યો હતો. સિટીમાં એ સમયગાળામાં સૌથી વધુ વરસાદ દાદરમાં ૭૧ એમએમ, જ્યારે ઈસ્ટર્ન સબર્બ્સમાં ભાંડુપના એસ-વૉર્ડમાં ૫૦ એમએમ અને વેસ્ટર્ન સબર્બ્સમાં બાંદરામાં ૫૦ એમએમ વરસાદ નોંધાયો હતો.   
શનિવારથી વરસાદનું જોર ઘટશે
રીજનલ મીટિયરોલૉજિકલ સેન્ટર મુંબઈના ડિરેક્ટર જયંત સરકારે મુંબઈ સહિત આવતા પાંચ દિવસની આગાહી કરતાં કહ્યું છે કે ‘હજી બે દિવસ ખાસ સંભાળવું પડશે. શનિવારથી વરસાદનું જોર ઓસરે એવું હાલ લાગી રહ્યું છે. ઓડિશાના દક્ષિણ તટીય વિસ્તારમાં હળવા દબાણનો પટ્ટો સરજાયો છે જે સપાટીથી ૭.૬ કિલોમીટર ઊંચે સુધી ફેલાયો છે અને એમાં પાછું પૂર્વથી પશ્ચિમ તરફના પવનો વાઈ રહ્યા હોવાથી એના સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે મહારાષ્ટ્રના કોંકણ, મરાઠવાડા અને ઘાટ વિસ્તારોમાં ખાસ કરીને ગુરુ અને શુક્ર બે દિવસ જોરદાર વરસાદ પડી શકે. મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડશે. ઘણી જગ્યાએ ભારે વરસાદ પણ થઈ શકે, જ્યારે કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ છે. આજે ગુરુવાર માટે નૉર્થ કોંકણના પાલઘર, મુંબઈ, રાયગઢ, ઘાટ વિસ્તારોમાં નાશિક, પુણે, કોલ્હાપુર અને સાતારામાં પણ જોરદાર વરસાદ પડી શકે. 
આજના ગુરુવાર માટે પાલઘર, નાશિક, પુણે માટે રેડ અલર્ટ જાહેર કરાયું છે; જ્યારે કોંકણ પટ્ટીના મુંબઈ, થાણે, રત્નાગિરિ, સિંધુદુર્ગ,  ઘાટ વિસ્તારના કોલ્હાપુર અને વિદર્ભના નાગપુર, ગોંદિયા, ગઢચિરોલી, ભંડારા અને વર્ધામાં પણ ઑરેન્જ અલર્ટ જાહેર કરાયું છે.    
અનેક જગ્યાએ વિકટ પરિસ્થિતિ
મુંબઈ નજીકના પાલઘર જિલ્લામાં ગઈ કાલે સવારે ૮થી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં જ ૧૧૮ એમએમ વરસાદ પડ્યો હતો. એથી અંતરિયાળ વિસ્તારના અનેક રોડ પર પાણી ફરી વળતાં એ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા હતા.
ભારે વરસાદના કારણે પુણે, પિંપરી-ચિંચવડની સ્કૂલોમાં ગઈ કાલે રજા આપી દેવાઈ હતી અને આજે પણ રજા જાહેર કરાઈ છે. ભારે વરસાદના કારણે પુણેની મુઠા નદી પરના ખડકવાસલા બંધમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. એથી પુણાના બાબા ભિડે પુલને  બંધ કરી દેવાયો હતો. ભારે વરસાદના પગલે પુણેના કાત્રજ જૂની ટનલ પાસે ગઈ કાલે ભેખડ ધસી પડી હતી. જેસીબી બોલાવી એ ભેખડ દૂર કરાઈ હતી. જોકે એ દરમિયાન બન્ને તરફનો ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો. લોનાવલાના ભુશી ડૅમ વિસ્તારમાં અનેક સહેલાણીઓ પહોંચ્યા હતા, પણ તેમને ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા.
વસઈમાં ગયો બે જણનો જીવ
વસઈ-ઈસ્ટના ભોઈડાપાડાના વાઘરાલપાડાની ચાળીના ગેરકાયદે એક ઘર પર ભર વરસાદે કાટમાળ પડતાં પરિવારના ચાર સભ્યો ફસાઈ ગયા હતા. જેમાંથી મા-દીકરાને બચાવી લેવાયા હતા જ્યારે કે પિતા-દીકરીએ જીવ ગુમાવ્યો હતો.

બે દિવસ હજી ભારે
હજી બે દિવસ ખાસ સંભાળવું પડશે. શનિવારથી વરસાદનું જોર ઓસરે એવું હાલ લાગી રહ્યું છે. આજે ગુરુવાર માટે નૉર્થ કોંકણના પાલઘર, મુંબઈ, રાયગડ, ઘાટ વિસ્તારોમાં નાશિક, પુણે, કોલ્હાપુર અને સાતારામાં પણ જોરદાર વરસાદ પડી શકે.


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2022 08:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK