Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બનાવટી ટિકિટ જ નહીં ,પણ બનાવટી નામનાં આધાર કાર્ડનું રેલવેમાં કૌભાંડ

બનાવટી ટિકિટ જ નહીં ,પણ બનાવટી નામનાં આધાર કાર્ડનું રેલવેમાં કૌભાંડ

18 January, 2021 08:19 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

બનાવટી ટિકિટ જ નહીં ,પણ બનાવટી નામનાં આધાર કાર્ડનું રેલવેમાં કૌભાંડ

હમસફર સ્પેશ્યલ ટ્રેનના મુસાફરો પાસેથી મળેલાં ઓરિજિનલ અને બનાવટી આધાર કાર્ડ

હમસફર સ્પેશ્યલ ટ્રેનના મુસાફરો પાસેથી મળેલાં ઓરિજિનલ અને બનાવટી આધાર કાર્ડ


બિહારથી ગુજરાતમાં તેમની નોકરી પર પાછા ફરી રહેલા મજૂરો બનાવટી નામની રેલવે ટિકિટોની સાથે બનાવટી નામનાં આધાર કાર્ડ પણ રેલવેની મુસાફરીમાં ઉપયોગમાં લેતાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જોકે અમદાવાદની રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) અને ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ની કથિત બેદરકારીને કારણે બહુ મોટા બનાવટી આધાર કાર્ડનું કૌભાંડ ફક્ત વિધાઉટ ટિકિટનો મામલો બનીને રહી ગયો.

આખા બનાવની માહિતી એવી છે કે વેસ્ટર્ન રેલવેની વિજિલન્સ બ્રાન્ચને માહિતી મળી હતી કે થોડા દિવસ પહેલાં ટ્રેન-નંબર ૦૯૪૬૬ દરભંગા-અમદાવાદ હમસફર સ્પેશ્યલ ટ્રેનમાં અમુક મુસાફરો બનાવટી ટિકિટ અને બનાવટી આધાર કાર્ડ સાથે મુસાફરી કરી રહ્યા છે. આ જાણકારીને આધારે વિજિલન્સ વિભાગના છ અધિકારીઓ અને પાંચ ટિકિટ ચેકિંગ અધિકારીઓની ટીમે સાથે મળીને રતલામથી અમદાવાદની વચ્ચે હમસફર સ્પેશ્યલ ટ્રેન પર દરોડો પાડ્યો હતો જેમાં તેમને ટ્રેનમાંથી ૧૪ મુસાફરોને બનાવટી રેલવે ટિકિટ અને બનાવટી આધાર કાર્ડ સાથે પકડવામાં સફળતા મળી હતી. 



જોકે આ મુસાફરો પર અમદાવાદની રેલવે પોલીસ અને ગવર્નમેન્ટ રેલવે પોલીસે આખો મામલો તેમની હદમાં આવતો ન હોવાથી તેઓ કોઈ પણ ઍક્શન લેવામાં અસમર્થ છે એમ કહીને વિજિલન્સની ટીમે પકડેલા ૧૪ મુસાફરોની ધરપકડ કરીને તેમની સામે કાયદાકીય ઍક્શન લીધી નહોતી. બન્નેએ અસહકાર દર્શાવીને આગળની ન્યાયિક પ્રક્રિયા માટે આરોપીને સ્વીકારવાની ના પાડી હતી, જેને પરિણામે રેલવેની વિજિલન્સ ટીમે આ મુસાફરો પર ફક્ત વિધાઉટ ટિકિટનો ચાર્જ લગાડીને ૨૬,૯૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરીને તેમને છોડી મૂક્યા હતા.


આ બાબતની માહિતી આપતાં રેલવેના વિજિલન્સ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા એક અધિકારીએ નામ ન છાપવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમદાવાદની આરપીએફ અને જીઆરપી વિજિલન્સની ટીમે પકડેલા ૧૪ મુસાફરો પર બનાવટી આધાર કાર્ડ માટે ક્રિમિનલ કેસ, રેલવે સાથે છેતરપિંડી કરવાના આશય સાથે યોગ્ય ટિકિટ વિના મુસાફરી કરવાનો કેસ તેમ જ એજન્ટ વિરુદ્ધ ગેરકાયદેસર ટિકિટનો ધંધો કરવાનો અને રેલવેનાં ભાડાંથી વધારે ભાડાવસૂલી કરવાનો કેસ એવા ત્રણ કેસો દોષી મુસાફરોની સામે નોંધીને ધરપકડ કરી શકે એમ હોવા છતાં તેમણે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. આ મુસાફરોએ તેમના એજન્ટોને ટિકિટનાં ભાડાં ઉપરાંત ૧૨૦૦થી ૧૪૦૦ રૂપિયા ચૂકવ્યા હતા એટલું જ નહીં, એજન્ટોએ આપેલી બનાવટી નામની ટિકિટો પર મુસાફરી કરવા માટે તેમણે ટિકિટો પર લખેલાં નામ પ્રમાણેનાં બનાવટી આધાર કાર્ડ પર બનાવીને રેલવેમાં મુસાફરી કરી હતી.’

વિજિલન્સ વિભાગે પકડેલા મુસાફરો પાસે બે આધાર કાર્ડ હતાં. ઓરિજિનલ આધાર કાર્ડ પર તેમનું ઓરિજિનલ નામ અને જન્મતારીખ પ્રિન્ટ થયેલાં હતાં જ્યારે તેમની પાસે રહેલાં બનાવટી નામના આધાર કાર્ડ પર જેના નામની ઈ-ટિકિટ હતી એ વ્યક્તિનું નામ અને જન્મતારીખ પ્રિન્ટ કરવામાં આવ્યાં હતાં.


આ બાબતની માહિતી આપતાં વિજિલન્સના વિભાગના બીજા એક અધિકારીએ કહ્યું હતું કે ‘ઑનલાઇન ટિકિટોના રેલવે એજન્ટો પહેલાંથી જ ડમી નામની રેલવે ટિકિટો તૈયાર કરીને મૂકી દેતા હોય છે. ગરજવાન ગ્રાહક આવે ત્યારે એ ડમી નામની ટિકિટોમાંથી મોટી રકમ પડાવીને ગ્રાહકને એજન્ટો ટિકિટ પધરાવી દેતા હોય છે. ઈ-ટિકિટ સાથે મુસાફરી સમયે વ્યક્તિના નામ અને ઉંમરના પ્રૂફ માટે આ એજન્ટો બનાવટી નામની ટિકિટ સાથે બનાવટી નામનું આધાર કાર્ડ પણ બનાવી આપે છે.’

એક વાર બનાવટી નામનાં આધાર કાર્ડ બનાવ્યા પછી એ વ્યક્તિઓ એનો અનેક રીતે ગેરકાયદે ઉપયોગ કરી શકે છે એમ જણાવતાં એ અધિકારીએ કહ્યું હતું કે ‘ઑક્ટોબર મહિનામાં જ આંધ્ર પ્રદેશમાં પોલીસે સરકારી યોજનાઓનો ફાયદો લેવા માટે આધાર કાર્ડ બનાવી આપતી એક મોટી ગૅન્ગને પકડી હતી. બનાવટી આધાર કાર્ડ બનાવીને આપવાં અને એનો ઉપયોગ કરવો એ ફક્ત ક્રિમિનલ જ નહીં પણ રાષ્ટ્રદ્રોહનો ગુનો છે. આમ છતાં અમદાવાદની આરપીએફ અને જીઆરપીએ સહયોગ આપવાને બદલે હાથ ખંખેરી લીધા હતા.’

વિજિલન્સ વિભાગ સાથે સંકળાયેલાં વધુ એક અધિકારીએ કહ્યું હતું કે ‘અમારા અધિકારીઓ જ્યારે પોલીસ પાસે પહોંચ્યા ત્યારે તેમણે આ મામલો તેમની હદમાં આવતો નથી એમ કહ્યું હતું. ત્યાર પછી તેમણે સાંજના હવે કોર્ટ બંધ થઈ ગઈ હશે અને કોવિડની ટેસ્ટ પણ કરાવવી પડશે એવાં અનેક બહાનાંઓ હેઠળ ૧૪ મુસાફરો સામે ઍક્શન લેવાનો ઇનકાર કરી દીધો હતો.’

આમ છતાં વિજિલન્સ વિભાગના અધિકારીઓએ આ બાબતની ફરિયાદ તેમના ઉપરી અધિકારીઓને કરી હોવાનું જાણવા મળ્યું છે.

‍આરપીએફની સ્પષ્ટતા

આ બનાવ બાબતમાં અમદાવાદના રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એસ. યાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આખો મામલો બનાવટી નામની રેલવે ટિકિટની સાથે બનાવટી નામના આધાર કાર્ડનો પણ હતો, જેની કાર્યવાહી આરપીએફના પાવરમાં આવતી નહોતી. આથી આ મામલાને જીઆરપી પાસે મોકલવામાં આવ્યો હતો.’

જીઆરપી શું કહે છે?

જીઆરપી ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર ચુડાસમાએ તેમની ફરજની મયાર્દાની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે રેલવેના વિજિલન્સ વિભાગના અધિકારીઓ હમસફર સ્પેશ્યલ ટ્રેનમાંથી અમુક મુસાફરોને બનાવટી નામની ટિકિટો અને બનાવટી નામનાં આધાર કાર્ડ સાથે પકડીને લાવ્યા હતા. તેમણે ટ્રેનમાં દરોડો રતલામ સ્ટેશનથી ટ્રેનમાં મુસાફરી કરીને પાડ્યો હતો. આમ કાર્યવાહી અમારી હદમાં થઈ ન હોવાથી અમે જે સ્ટેશનો પર તેમને દરોડા પાડીને કાર્યવાહી કરી હતી એ સ્ટેશનો પર તેમની ફરિયાદ નોંધાવવા કહ્યું હતું. છેલ્લું સ્ટેશન ભલે અમદાવાદ હોય, પણ દરોડાની કાર્યવાહી વચલાં સ્ટેશનો પર કરીને મુસાફરોને પકડવામાં આવ્યા હોય તો અમારી હદમાં કાર્યવાહી થઈ ન હોવાથી અમે એ મુસાફરો પર કાયદાકીય કાર્યવાહી કરી શકીએ નહીં.’

Whatsapp-channel Whatsapp-channel

18 January, 2021 08:19 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK