° °

આજનું ઇ-પેપર
Friday, 02 December, 2022


કાપડબજારના વેપારીઓમાં ફેલાયો છે જબરદસ્ત ફફડાટ

24 November, 2022 08:10 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

માથાડી યુનિયનના નામે તેમની પાસેથી ઉઘરાવવામાં આવે છે ખંડણી : ભારત મર્ચન્ટ્સ ચેમ્બરે માથાડી બોર્ડ સમક્ષ કરી ફરિયાદ

કાપડબજારના માથાડી બોર્ડનાં ચૅરમૅન સુનીતા મ્હૈસકરને હેરાનગતિની સામે કાર્યવાહી કરવાનું આવેદનપત્ર આપતા ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના પદાધિકારીઓ

કાપડબજારના માથાડી બોર્ડનાં ચૅરમૅન સુનીતા મ્હૈસકરને હેરાનગતિની સામે કાર્યવાહી કરવાનું આવેદનપત્ર આપતા ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના પદાધિકારીઓ

કાપડબજાર હજી કોરાનાકાળની મંદીમાંથી બહાર આવી નથી. આ બજારના વેપારીઓ અને દુકાનદારો આજે પણ આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે ત્યારે છેલ્લા ઘણા સમયથી આ વેપારીઓ પાસે માથાડી કામગાર યુનિયનના નામે અમુક યુનિયનોના વર્કરોએ વેપારીઓ પાસેથી તેમના અકાઉન્ટ્સની અને અન્ય બિઝનેસની માહિતીની માગણી કરીને આડકતરી રીતે ખંડણી વસૂલ કરવાની શરૂઆત કરી છે. એનાથી કાપડબજારના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. વેપારીઓની આ હાલતની સમીક્ષા કર્યા બાદ ભારત મર્ચન્ટ્સ ચેમ્બરે કાપડબજાર અને દુકાનોના ભુલેશ્વરમાં આવેલા માથાડી બોર્ડમાં આ બાબતની ફરિયાદ કરીને વેપારીઓની સુરક્ષાની માગણી કરી છે. આ બોર્ડનાં ચૅરમૅન સુનીતા મ્હેસકરે તેઓ આ બાબતની પૂરી તપાસ કરીને લાગતાવળગતા યુનિયનના કાર્યકરો સામે કાર્યવાહી કરશે એવી ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના પ્રતિનિધિમંડળને હૈયાધારણ આપી છે. 

આ બાબતની માહિતી આપતાં ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના ટ્રસ્ટી રાજીવ સિંઘલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોવિડના સમયથી કાપડબજારના ગુજરાતી અને મારવાડી વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે. માર્ચ ૨૦૨૦થી દિવાળી સુધી કોવિડને કારણે કાપડના હોલસેલ અને રીટેલ વેપારીઓના બિઝનેસને તાળાં લાગી ગયાં હતાં. એને લીધે માલનું વેચાણ બંધ થઈ જતાં વેપારીઓ આર્થિક મુસીબતમાંથી પસાર થઈ રહ્યા હતા. આનાથી ટ્રાન્સપોર્ટના બિઝનેસ પર પણ ગંભીર અસર પડી હતી. આ જગજાહેર વાત છે. આમ છતાં માથાડી યુનિયનના નામે અમુક કાર્યકરોએ કાપડબજારના વેપારીઓ પાસે જઈને તેમણે એક વર્ષમાં કેટલો બિઝનેસ કર્યો છે અને કેટલો માલ વેચાયો છે જેવી તપાસ કરીને તેમને હેરાનપરેશાન કરી નાખ્યા છે. તેઓ આડીઅવળી માગણી કરીને આખરે વેપારીઓ પાસેથી ખંડણી માગી રહ્યા છે. તેઓ વેપારીઓને જઈને પૂછે છે કે તમે આ વર્ષમાં ધંધો ઓછો કેમ કર્યો છે? અમારા બોર્ડમાં તમે રજિસ્ટર્ડ છો કે નહીં? તમારો બોર્ડને આટલો ઓછો ચેક કેમ ગયો છે? તેઓ આવી પૂછપરછ કરીને વેપારીઓને તંગ કરી રહ્યા છે. ગુજરાતી અને મારવાડી વેપારીઓની એક નબળાઈ રહેલી છે કે તેઓ ભાગ્યે જ માર્કેટમાં વિવાદ સર્જતા હોય છે. તેઓ આગળ જતાં તેમના બિઝનેસને કોઈ સમસ્યા નડે નહીં અને તેમનો કારોબર સ્મૂધલી ચાલુ રહે એ માટે આવા કાર્યકરોની માગણી સંતોષી રહ્યા છે અને સાથોસાથ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી અંદરખાને ફફડી પણ રહ્યા છે.’

માથાડી યુનિયનને કોઈ પણ વેપારીનાં અકાઉન્ટ્સ તપાસવાનો કોઈ અધિકાર જ નથી અને તેમને આવી કોઈ સત્તા આપવામાં આવી જ નથી એમ જમાવીને રાજીવ સિંઘલે કહ્યું હતું કે ‘આ વાતની વેપારીઓને પણ પૂરી જાણકારી છે. આમ છતાં તેઓ યુનિયનથી ડરીને ૫૦,૦૦૦ રૂપિયાથી લઈને લાખ રૂપિયાની ખંડણી આપી રહ્યા છે. આ બાબતની અમારી પાસે અમુક પીડિત અને અસરગ્રસ્ત વેપારીઓએ ફરિયાદ કરતાં અમે ચોંકી ઊઠ્યા હતા. આથી અમે વેપારીઓની ફરિયાદ લઈને મંગળવારે ભુલેશ્વરમાં આવેલા માથાડી કામગાર બોર્ડનાં ચૅરમૅનને મળવા ગયા હતા.’
અમે બોર્ડનાં ચૅરમૅન સુનીતા મ્હેસકરે સાથે મીટિંગ કરીને તેમની સમક્ષ વેપારીઓની વ્યથા વર્ણવી હતી એમ જણાવીને રાજીવ સિંઘલે કહ્યું હતું કે ‘અમે તેમની સમક્ષ બોર્ડના નામે અસામાજિક તત્ત્વો દ્વારા થતી હેરાનગતિથી છુટકારો અપાવવાની માગણી કરી હતી. માથાડી કામગારો ભૂમિપુત્રો છે. તેમની અને વેપારીઓ વચ્ચે વર્ષોથી એક પારિવારિક સંબંધ બંધાયો છે. માથાડીઓના અસંગઠિત કાર્યબળને મદદ કરવાના સારા આશયથી આ બોર્ડની રચના કરવામાં આવી હતી. જોકે હાલમાં કેટલાંક અસામાજિક તત્ત્વો બોર્ડના નામે બજારમાં ફરી રહ્યાં છે અને અમારા સભ્યોને હેરાન કરી રહ્યાં છે.’

અમારી આ વાત સાંભળીને બોર્ડનાં ચૅરમૅન સુનીતા મ્હેસકરે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘તમારી આ ફરિયાદ નવાઈ પમાડે એવી છે. વેપારીઓ શા માટે આવા ખંડણીખોરોની દાદાગીરી સહન કરે છે? મારી કાપડબજારના વેપારીઓને વિનંતી છે કે તમારી દુકાને કે ઑફિસે આવા ખંડણીખોર આવે ત્યારે તેમના ફોટો પાડતાં અચકાશો નહીં. તેમનાથી ડરવાની જરૂર નથી. તમે તરત જ પોલીસ-કન્ટ્રોલમાં ફોન કરીને આ બાબતની જાણકારી આપી ફરિયાદ કરો. બોર્ડ તરફથી તમને પૂરતો સાથ-સહકાર આપવામાં આવશે. આવાં અસામાજિક તત્ત્વો પર કાયદાકીય ઍક્શન લેવામાં બોર્ડ પણ વેપારીઓની સાથે જ છે.’

24 November, 2022 08:10 AM IST | Mumbai | Rohit Parikh

અન્ય લેખો

મુંબઈ સમાચાર

જૈનોની જીવદયાને સલામ

છેલ્લાં ૪૫ વર્ષથી જૈનો બોરીવલીના નૅશનલ પાર્કમાં પટ્ટદર્શન કરતા હતા, પણ આ વર્ષે વિરાધના-આશાતનાને બદલે જીવદયાના સિદ્ધાંતોનું પાલન

09 November, 2022 09:02 IST | Mumbai | Rohit Parikh
મુંબઈ સમાચાર

વેપારીઓને મળી સિલેક્ટિવ રાહત

કોર્ટના આદેશનો ફાયદો ફક્ત ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના સભ્યો અને એની સાથે સંકળાયેલાં અન્ય ફેડરેશનોના સભ્યોને જ મળવાનો છે

05 November, 2022 08:44 IST | Mumbai | Rohit Parikh
મુંબઈ સમાચાર

દિવાળીની કરી અનોખી ઉજવણી

ત્રણ જિંદગીને આપ્યું જીવતદાન: સ્થાનિકવાસી જૈનની ઑર્ગન્સ ડોનેટ કરવાની ઇચ્છા કરી પરિવારજનોએ પૂરી : બે કિડની, લિવર અને ચામડીનું દાન કરીને ત્રણ પરિવારોના સ્વજનોમાં કર્યો દિવાળીની રોશનીનો ઝળહળાટ

26 October, 2022 09:30 IST | Mumbai | Rohit Parikh

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK