Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં ગરમીનું આ રહ્યું કૉન્ક્રીટ કારણ...

મુંબઈમાં ગરમીનું આ રહ્યું કૉન્ક્રીટ કારણ...

19 October, 2021 08:36 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હદ ઉપરાંતનાં કૉન્ક્રીટનાં બાંધકામો અને કૉન્ક્રીટમાંથી છટકી ન શકતી ગરમીને લીધે મુંબઈગરાનું જીવન નરક : રસ્તાના છેડે તથા બગીચાઓમાં વધુ વૃક્ષો વાવવા ઉપરાંત રૂફટૉપ ગાર્ડન, કૂલ રૂફ તથા છત પર અર્બન ફાર્મિંગથી ગરમી ઘટાડી શકાય

કૉન્ક્રીટ, સ્ટીલ અને કાચ જેવી સામગ્રી ગરમીને મુક્ત થવા દેતી નથી

કૉન્ક્રીટ, સ્ટીલ અને કાચ જેવી સામગ્રી ગરમીને મુક્ત થવા દેતી નથી


હદ ઉપરાંતનાં કૉન્ક્રીટનાં બાંધકામો અને કૉન્ક્રીટમાંથી છટકી ન શકતી ગરમીને લીધે મુંબઈગરાનું જીવન નરક : રસ્તાના છેડે તથા બગીચાઓમાં વધુ વૃક્ષો વાવવા ઉપરાંત રૂફટૉપ ગાર્ડન, કૂલ રૂફ તથા છત પર અર્બન ફાર્મિંગથી ગરમી ઘટાડી શકાય

સરેરાશ ૩૫ ડિગ્રી તાપમાનમાં પણ ત્રાહિમામ્ પોકારી જવાય છે - મુંબઈના હવામાનની આ તાસીર પાછળ છેલ્લા ત્રણ દાયકાથી થઈ રહેલું એકધારું શહેરીકરણ અને ઝડપથી ઘટી રહેલી હરિયાળી જવાબદાર છે એમ નવા અભ્યાસના આધારે જાણવા મળ્યું છે. અવિવેકી શહેરીકરણને કારણે મુંબઈમાં ગરમી વધુ તીવ્રપણે વર્તાય છે. ત્રણ યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ મુજબ ૧૯૯૧થી ૨૦૧૮ના ગાળા દરમિયાન મુંબઈની આશરે ૮૧ ટકા ખુલ્લી જગ્યાઓ ભરાઈ ગઈ છે અને ૪૦ ટકા વન તથા ઝાડીઝાંખરાંના પ્રદેશનું નિકંદન નીકળી ગયું છે.



શહેરમાં ઠેકઠેકાણે ટાવરો ઊભા થઈ રહ્યા છે તો બીજી તરફ છેલ્લાં ૨૭ વર્ષમાં શહેરનાં ૩૦ ટકા જળાશયો સુકાઈ ગયાં છે અને બાંધકામ ધરાવતો વિસ્તાર ૬૬ ટકા વધી ગયો છે. આ સમયગાળા દરમિયાન સરેરાશ તાપમાન ૩૪.૦૮ ડિગ્રીથી વધીને ૩૮.૨૮ ડિગ્રી સેલ્શિયસ થઈ ગયું છે.


જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી, ઓસ્માનિયા યુનિવર્સિટી અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી દ્વારા ‘મુંબઈ જેવા દરિયાકિનારાના શહેરોમાં જમીનના ઉપયોગમાં થયેલા ફેરબદલને લીધે વધેલી ગરમીના પરિણામો’ વિષય પર હાથ ધરવામાં આવેલા અભ્યાસનાં તારણો ઇન્ડિયન સોસાયટી ઑફ રિમોટ સેન્સિંગ જર્નલમાં પ્રસિદ્ધ થયાં છે. અભ્યાસ અનુસાર આવનારાં વર્ષોમાં ગરમીનું પ્રમાણ હજી વધશે.

જામિયા યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ જ્યૉગ્રાફી, ફૅકલ્ટી ઑફ નૅચરલ સાયન્સિસના પ્રોફેસર અતિકુર રહેમાને જણાવ્યું હતું કે કૉન્ક્રીટ ગરમીને મુક્ત થવા દેતી નથી એટલે એના પરિણામે વધુ ગરમીનો અનુભવ થાય છે.


૬૦૩ ચોરસ કિ.મી.માં પથરાયેલા મુંબઈના લૅન્ડસ્કેપમાં ઝડપથી થઈ રહેલા ફેરફારોનો અભ્યાસ કરવા માટે સંશોધનોએ નાસા લૅન્ડસેટની સૅટેલાઇટ તસવીરોનો ઉપયોગ કર્યો હતો.

જામિયાના ડિપાર્ટમેન્ટ ઑફ જ્યૉગ્રાફીના સિનિયર રિસર્ચ ફેલો અને અભ્યાસના મુખ્ય લેખક શાહફહાદના જણાવ્યા પ્રમાણે છેલ્લા પાંચથી-છ દાયકામાં થયેલા બેફામ શહેરીકરણને કારણે આર્થિક તકોનું નિર્માણ થતાં વ્યાપક વસ્તી મુંબઈ તરફ આકર્ષાઈ હતી.

ગરમીને શી રીતે ઘટાડવી?

લેખકોએ જણાવ્યું હતું કે ‘શહેરી આયોજન કરતા નિષ્ણાતો તથા વહીવટી તંત્રે વૉર્ડ કે મહોલ્લા સ્તરે ‘અર્બન ગ્રીનિંગ’ (હરિયાળું શહેરીકરણ)ને તથા ટેરેસ ગાર્ડનિંગને ઇજન આપવું જોઈએ. ઊંચી ઇમારતોમાં કાચનો ઉપયોગ ટાળવો જોઈએ.’

આ ઉપરાંત વહીવટી તંત્રે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની ભલમણો અનુસરવી જોઈએ, જેમાં શહેરી વિસ્તારમાં માથાદીઠ હરિયાળી જમીનની લઘુતમ મર્યાદા ૯ ચોરસ મીટર નક્કી કરવામાં આવી છે.

ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્વાયર્મેન્ટલ આર્કિટેક્ચર ઍન્ડ રિસર્ચનાં પ્રમુખ ડૉ. (આર્કિટેક્ટ) રોશની ઉદ્યાવર યેહુડાએ જણાવ્યું હતું કે ‘માર્ગના છેડે તથા બગીચાઓમાં વધુ વૃક્ષો વાવવાં જોઈએ તથા પાર્કિંગ ઉપર ગ્રીન કવર શેડિંગ કરવાથી પરિસ્થિતિમાં સુધારો કરી શકાય છે. રૂફટૉપ ગાર્ડન, કૂલ રૂફ તથા છત પર અર્બન ફાર્મિંગ માટે પ્રોત્સાહન પૂરું પાડીને પણ ગરમીની તીવ્રતા ઘટાડી શકાય છે.’

Whatsapp-channel Whatsapp-channel

19 October, 2021 08:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK