Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જીવનજરૂરિયાતની આઇટમોને પણ જીએસટીમાં સામેલ કરવામાં આવતાં વેપારીઓની રોડ પર ઊતરવાની ધમકી

જીવનજરૂરિયાતની આઇટમોને પણ જીએસટીમાં સામેલ કરવામાં આવતાં વેપારીઓની રોડ પર ઊતરવાની ધમકી

02 July, 2022 10:27 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

જીએસટી કાઉન્સિલ દ્વારા શાહી, એલઈડી લેમ્પ્સ, લાઇટ્સ અને ફિક્સર અને એના મેટલ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પરનો જીએસટી અગાઉના બાર ટકાથી વધારીને ૧૮ ટકા કરવામાં આવ્યો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુડ્સ ઍન્ડ સર્વિસિ​સ ટૅક્સ (જીએસટી) કાઉન્સિલે માળખામાં રહેલી અસંગતતાઓને દૂર કરવા માટેની ભલામણો હાથ ધર્યા પછી અસંખ્ય વસ્તુઓ પરના જીએસટી દરમાં વધારો કર્યો છે. જીએસટી કાઉન્સિલે શાહી, પેન્સિલ શાર્પનર, કટલરી, એલઈડી લૅમ્પ્સ, પાવરથી ચાલતા પમ્પ અને ડેરી, મરઘાં અને બાગાયતી મશીનરી સહિતની ઘણી વસ્તુઓ પર લેવીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. આના સિવાય પ્રી-પૅક્ડ પનીર, દહીં, માખણ, અનાજ-કરિયાણાં પર પાંચ ટકા જીએસટી લાદવામાં આવ્યો છે. આ ફેરફાર સામે આક્રોશ વ્યક્ત કરતાં મુંબઈના વેપારીઓ કહે છે કે આનાથી મોંઘવારી વધશે અને કિસાન આંદોલનની જેમ જ દેશભરના વેપારીઓ રોડ પર ઊતરશે એવા સંકેત મળી રહ્યા છે.

જીએસટીમાં શું બદલાવ આવ્યા?
જીએસટી કાઉન્સિલ દ્વારા શાહી, એલઈડી લેમ્પ્સ, લાઇટ્સ અને ફિક્સર અને એના મેટલ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પરનો જીએસટી અગાઉના બાર ટકાથી વધારીને ૧૮ ટકા કરવામાં આવ્યો છે. સોલર વૉટર હીટર અને સિસ્ટમ્સ પર જીએસટી દર પાંચ ટકાથી વધારીને બાર ટકા કરવામાં આવ્યો છે. ચામડાની ચીજવસ્તુઓ અને ફુટવેઅરના ઉત્પાદન સંબંધિત જૉબવર્ક પરનો દર વધારીને બાર ટકા કરવામાં આવ્યો છે અને રોડ, પુલ, રેલવે, મેટ્રો, એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્મશાનગૃહ માટેના વર્ક-કૉન્ટ્રૅક્ટ પરનો દર વધારીને ૧૮ ટકા કરવામાં આવ્યો છે. આ નવા દરો ૧૮ જુલાઈથી લાગુ પડશે.



મોંઘવારી ચરમસીમાએ પહોંચશે
અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના અધ્યક્ષ અને કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સના મહાનગર અધ્યક્ષ શંકર વી. ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પરિસ્થિતિમાં જીએસટી કાઉન્સિલે કરદારોમાં આપેલી છૂટ પાછી લીધી છે. નિયમોમાં સંશોધન કરીને લોકોનાં ખિસ્સાં ખાલી કરાવી શકાય એવા નિર્ણયો લેવામાં આવ્યા છે. ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો માટે નૉન-બ્રૅન્ડેડ ઘઉં, ચોખા, આટો વગેરે પર જીએસટી લાગુ કરવામાં આવ્યો નહોતો. જોકે નવા નિયમ મુજબ પ્રી-પૅક્ડ ફૂડ અને લેબલ લાગેલાં પૅકેટો પર પાંચ ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. એમાં સરકારના અધિકારીઓએ ચતુરાઈપૂર્વક નૉન-બ્રૅન્ડેડ શબ્દની જગ્યાએ પ્રી-પૅક્ડ અને લેબલ લાગેલા શબ્દનો ઉપયોગ કર્યો છે. એના પરિઘમાં ફક્ત ખુલ્લામાં વેચવામાં આવતી વસ્તુઓ જ બહાર રહે, પણ બીજી તરફ સરકારના અન્ય વિભાગ જેમ કે એફએસએસએઆઇ તેમ જ તોલ-માપ વિભાગના કાયદા પ્રમાણે કોઈ પણ માલ લેબલ તેમ જ નિયમો શરતો લખવા વગર વેચી શકાતો નથી એનો મતલબ બધા જ ઘઉં, ચોખા, દહીં, પનીર, વગેરે પૅકેજ્ડ વસ્તુ પર ગરીબ જનતાએ પાંચ ટકાનો બોજો સહન કરવો પડશે. એવી જ રીતે સરકાર દ્વારા ૧૦૦૦ રૂપિયાથી નીચેના બજેટવાળી હોટેલો પર જીએસટી નહોતો એના પર હવે ૧૨ ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે જે નાના અને મધ્યમ કક્ષાના લોકોને હોટેલમાં રહેવાથી વંચિત કરશે. સરકાર આ બાબત પર પુનઃવિચાર નહીં કરે તો નાછૂટકે દેશભરના વેપારીઓએ આંદોલન કરવું પડશે.


પહેલાં મંત્રણા, પછી વિરોધની રણનીતિ
આ સંદર્ભમાં ચેમ્બર ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ (કૅમિટ)ના સેક્રેટરી મિતેશ મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બધો જ બોજ સામાન્ય જનતા પર આવશે. જોકે સાથે-સાથે આની ઘણી જોગવાઈઓમાં અનિશ્ચિતતા અને કન્ફ્યુઝન પણ છે. એક તરફ સરકાર એલઈડી, એલઈડી લાઇટ્સને પ્રોત્સાહન આપે છે જેથી વીજળીની બચત થાય અને વપરાશકર્તાને ઓછું બિલ આવે અને બીજી તરફ સરકાર એલઈડી લૅમ્પ પર જીએસટી વધારે છે. આવો વિરોધાભાસ કેમ? આ વખતે તો ખાદ્ય પદાર્થોની અમુક શ્રેણીને બ્રૅન્ડેડમાંથી પૅકેજ ગુડ્સમાં સમાવી જીએસટીના દાયરામાં લાવ્યા છે. રાઇસ મિલો પોતાનો વગર બ્રૅન્ડનો માલ ગ્રાહકોને અને દુકાનદારોને પોતાના લૂઝ-પૅકિંગમાં પહોંચાડતા હતા જેના પર જીએસટી લાગુ નહતો. હવેથી એ ખાદ્ય પદાર્થો પર પણ જીએસટી લગાડવામાં આવશે. આનાથી મોંઘવારી ચોક્કસ વધશે. આ બધા કારણે નવી મુંબઈ, નાશિક, કોલ્હાપુર, અમરાવતી, સોલાપુર વગેરેના વેપારીઓએ કૅમિટનો સંપર્ક સાધી આ બાબત ચર્ચા કરવા તેમ જ વેપારીઓની આગળની રણનીતિ નક્કી કરવા માટે એક અર્જન્ટ મીટિંગ બોલાવવાનું નક્કી કર્યું છે. આ બાબત સરકાર સાથે કઈ રીતે મંત્રણા કરવી અને વિરોધ દર્શાવવો એ બાબતની રણનીતિ આ મીટિંગમાં નક્કી કરવામાં આવશે. હાલ નજીકના ભવિષ્યમાં કોઈ મોટાં રાજ્યોમાં ઇલેક્શન નથી દેખાતાં. કદાચિત એ કારણે પણ સર્વ રાજ્યના નાણાપ્રધાનોએ જીએસટીના સ્લૅબમાં વધારાને મંજૂરી આપી હોઈ શકે છે જેથી રાજ્યોની આવકમાં પણ વધારો થાય અને હાલમાં ચૂંટણી ન હોવાથી રાજ્ય સરકારોને અવળી અસર ન થાય.’

આ એક ખૂની ફટકા સમાન છે
ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર (ફામ)ના ડિરેક્ટર જનરલ આશિષ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આની સીધી અસર સમાજના તમામ વર્ગો પર થશે. એટલું જ નહીં, મધ્યમ અને નીચલા મધ્યમ વર્ગના સામાન્ય માણસો પર એક ખૂની ફટકો સમાન હશે. બીજી બાજુ સરકાર ફુગાવાને કાબૂમાં લેવા માટે પગલાં લઈ રહી છે અને રેપો દરમાં વધારો કરીને અને બજારમાં તરલતા ઘટાડીને લોકોને મદદ કરવાનો પ્રયાસ કરી રહી છે. જોકે જીએસટીના દરમાં પ્રસ્તાવિત વધારા સાથે ફુગાવો આસમાને પહોંચશે. સામાન્ય માણસને ઊંચો અને સૂકો છોડી દેવામાં આવે છે. અગાઉ માત્ર બ્રૅન્ડેડ ખાદ્ય પદાર્થો જ જીએસટી હેઠળ આવતા હતા, પરંતુ હવે તેમણે બ્રૅન્ડેડ શબ્દ હટાવીને એની જગ્યાએ પ્રી-પૅક્ડ શબ્દ મૂકી દીધો છે. કાઉન્સિલે હવે ચેકબુક પર પણ જીએસટી પાંચ ટકાથી વધારીને ૧૮ ટકા કર્યો છે. આ આડકતરી રીતે લોકોને રોકડ વ્યવહાર કરવા માટે પ્રેરિત કરશે. ઈ-વેસ્ટને અગાઉ પાંચ ટકામાં આવરી લેવામાં આવતું હતું જે હવે વધારીને ૧૮ ટકા કરવામાં આવ્યું છે. એ પર્યાવરણને બચાવવા માટે મૃત્યુનો ફટકો હશે. પોસ્ટલ સેવાઓ જેને શરૂઆતમાં મુક્તિ આપવામાં આવી હતી એ હવે આવરી લેવામાં આવી છે જે સામાન્ય નાગરિકો પર વધારાનો બોજ હશે. આ સાબિત કરે છે કે સરકાર લક્ઝરી વસ્તુઓ અથવા ઉચ્ચ વર્ગના લોકોને અસર કરતી વસ્તુઓ પર જીએસટી વસૂલવામાં કેટલી ગંભીર છે. ફામનું માનવું છે કે હાલના સુધારા કરીને કાઉન્સિલે મધ્યમ વર્ગના લોકોનું ગળું કાપી નાખ્યું છે. અમે માનીએ છીએ કે તાજેતરના સુધારાથી સામાન્ય માણસો પર વધારાનો નાણાકીય બોજ પડશે.’


ન જોયેલી તકલીફોનો સામનો કરવો પડશે
ધ ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન (ગ્રોમા)ના જનરલ સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જો સરકાર તરફથી પાંચ ટકા જીએસટી વસૂલ કરવાની યોજના અમલમાં આવશે તો સરકારે ભૂતકાળમાં કદીયે ન જોયેલી તકલીફોનો સામનો કરવો પડશે. સમગ્ર દેશને આ ટૅક્સ આવતાં ઘણીબધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. દેશભરની બજારોમાં અપૂરતી વ્યવસ્થા તેમ જ નાના-મોટા વેપારીઓને ખપ્પરમાં હોમી દેનારા નિર્ણયથી વેપારી સમુદાયમાં આક્રોશની લાગણી જન્મી છે. વેપારીઓનો આક્ષેપ છે કે આ પ્રસ્તાવિત ટૅક્સનો નિર્ણય મોટી કૉર્પોરેટ કંપનીઓની રાહબરીમાં લેવાયો છે. અમારી એપીએમસી બજારોમાં અત્યારે ફક્ત ૩ ટકા બ્રૅન્ડેડ અને ૯૭ ટકા નૉન-બ્રૅન્ડેડ માલ વેચાય છે. નવો ટૅક્સ આવતાં આમ જનતા દ્વારા ખરીદી કરવામાં આવતા ૯૭ ટકા માલની ખરીદી પર અસર થશે. સરકાર સામે વેપારીઓ અને ગ્રાહક સંગઠનો જોરદાર વિરોધ કરવાની તૈયારી કરી રહ્યાં છે. આ ટૅક્સના માળખાથી નાના વેપારીઓનો મૃત્યુઘંટ વાગી જશે અને કૉર્પોરેટ કંપનીઓને ઘી-કેળાં થશે. ગ્રાહકોએ મોંઘવારીમાં પીસાવું પડશે. અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ પહેલાં આ ટૅક્સ પર અમલ ન કરવાની વિનંતી કરી છે.’ 

Whatsapp-channel Whatsapp-channel

02 July, 2022 10:27 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK