Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લગ્નના નામે ઉચ્ચ શિક્ષિત યુવતીઓ સાથે સંબંધ રાખ્યા બાદ ગાયબ થતો એન્જિનિયર છ મહિને હાથ લાગ્યો

લગ્નના નામે ઉચ્ચ શિક્ષિત યુવતીઓ સાથે સંબંધ રાખ્યા બાદ ગાયબ થતો એન્જિનિયર છ મહિને હાથ લાગ્યો

09 June, 2021 09:51 AM IST | Mumbai
Prakash Bambhrolia

મૅટ્રિમોનિયલ સાઇટ્‌સ પર હૅન્ડસમ બિઝનેસમૅનની ફેક પ્રોફાઇલ બનાવીને ઉચ્ચ શિક્ષિત યુવતીઓને આકર્ષિત કર્યા બાદ તેમને પબ, હોટેલ અને મૉલમાં લઈ જવાની સાથે લગ્નના નામે સંબંધ રાખીને ગાયબ થઈ જતા કમ્પ્યુટર એન્જિનિયરની નવી મુંબઈની એપીએમસી પોલીસે સોમવારે ધરપકડ કરી

બિઝનેસમૅનની પ્રોફાઇલ બનાવીને લગ્નોત્સુક ઉચ્ચ શિક્ષિત યુવતીઓને ફસાવવાના આરોપસર ધરપકડ કરાયેલો કમ્પ્યુટર એન્જિનિયર કરણ ગુપ્તા એપીએમસી પોલીસની ટીમ સાથે.

બિઝનેસમૅનની પ્રોફાઇલ બનાવીને લગ્નોત્સુક ઉચ્ચ શિક્ષિત યુવતીઓને ફસાવવાના આરોપસર ધરપકડ કરાયેલો કમ્પ્યુટર એન્જિનિયર કરણ ગુપ્તા એપીએમસી પોલીસની ટીમ સાથે.


મૅટ્રિમોનિયલ સાઇટ્‌સ પર હૅન્ડસમ બિઝનેસમૅનની ફેક પ્રોફાઇલ બનાવીને ઉચ્ચ શિક્ષિત યુવતીઓને આકર્ષિત કર્યા બાદ તેમને પબ, હોટેલ અને મૉલમાં લઈ જવાની સાથે લગ્નના નામે સંબંધ રાખીને ગાયબ થઈ જતા ૩૨ વર્ષના કમ્પ્યુટર એન્જિનિયરની નવી મુંબઈની એપીએમસી પોલીસે સોમવારે ધરપકડ કરી હતી. આરોપીએ ૧૨થી વધુ યુવતીઓને પોતાની જાળમાં ફસાવીને ફાયદો ઉઠાવ્યો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. આરોપી દરેક નવી પ્રોફાઇલ બનાવતી વખતે નવા સિમ કાર્ડનો ઉપયોગ કરતો હોવાનું તપાસમાં જણાયું છે. દેખાવમાં તે સામાન્ય છે, પરંતુ યુવતીઓને આકર્ષવા માટે અપ-ટુ-ડેટ થઈને મળતો હતો.

નવી મુંબઈ પોલીસના એપીએમસી પોલીસ સ્ટેશનમાં પુણેમાં રહેતી એક યુવતીએ ૨૯ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ મીરા રોડમાં રહેતા એક બિઝનેસમૅન સામે લગ્નના નામે પોતાનો કારમાં વિનયભંગ કરવાની ફરિયાદ નોંધાવી હતી. કરણ નામના કહેવાતા આ બિઝનેસમૅને એક જાણીતી મૅટ્રિમોનિયલ વેબસાઇટ પર પોતે લગ્ન કરવા માગતો હોવાની પ્રોફાઇલ બનાવી હતી. તેની પ્રોફાઇલથી આકર્ષાઈને ફરિયાદી યુવતી તેની સાથે વાતચીત કરવાની સાથે મળવા ગઈ હતી. આવી એક મુલાકાત દરમ્યાન કારમાં આરોપીએ પોતાનો વિનયભંગ કર્યો હોવાની ફરિયાદ તેણે પોલીસમાં નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એપીએમસી પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી અને કહેવાતા બિઝનેસમૅનનો મોબાઇલ નંબર બંધ આવતો હોવાથી ટેક્નિકલ એક્સપર્ટની મદદથી છ મહિના આરોપીને પકડવામાં લાગ્યા હતા.




એપીએમસી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિકાસ રામગુડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી કરણ ઉર્ફે મનોજ મહેશ ગુપ્તાનાં માતા-પિતા મીરા રોડમાં રહે છે, જ્યારે તેની એક રૂમ મલાડની ધનજીવાડીમાં પણ છે. કમ્પ્યુટર એન્જિનિયર હોવાથી તે અગાઉ કોઈક મોટી કંપનીમાં જૉબ કરતો હતો, પરંતુ બાદમાં કોઈક કારણસર તેણે નોકરી છોડી દીધી હતી. નવી-નવી યુવતીઓ સાથે સંબંધ બાંધવા માટે તેણે પોતાની ફેક પ્રોફાઇલ મૅટ્રિમોનિયલ સાઇટ પર મૂકી હતી. પ્રોફાઇલમાં પોતે બિઝનેસમૅન હોવાનું લખ્યું હોવાથી કેટલીક ઉચ્ચ શિક્ષિત અને સારી કંપનીમાં જૉબ કરતી યુવતીઓ તેની જાળમાં ફસાઈ હોવાનું જાણવા મળ્યું છે. પુણેની ફરિયાદ કરનારી યુવતી પણ એક જાણીતી કંપનીમાં સારી પોસ્ટ પર કામ કરે છે. તે સારા લાઇફ પાર્ટનરની શોધમાં હોવાથી આરોપી સાથે વાતચીત કરતી હતી. આરોપીના આગ્રહથી તે મળવા આવી હતી ત્યારે વાશીથી બેલાપુર દરમ્યાન કારમાં જતી વખતે તેની સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. યુવતીને આ પસંદ ન હોવાથી તેણે તાબે થવાને બદલે ફરિયાદ નોંધાવી હતી.’

નવી મુંબઈ પોલીસના ઝોન-૧ના ડીસીપી સુરેશ મેંગડેએ જણાવ્યું હતું કે ‘આરોપી કરણ ગુપ્તા કમ્પ્યુટર એન્જિનિયર હોવાથી પોલીસની નજરમાંથી બચવા માટેના આઇડિયા જાણતો હતો. તે દરેક નવી મૅટ્રિમોનિયલ પ્રોફાઇલ બનાવતી વખતે નવા સિમ કાર્ડનો ઉપયોગ કરતો હતો. યુવતી પોતાની જાળમાં ફસાયા બાદ તેનો ઉપયોગ કરીને તે સિમ કાર્ડ ફેંકી દેતો હતો એટલે તે યુવતી તેનો સંપર્ક નહોતી કરી શકતી. અમારી ટીમે કરેલી ટેક્નિકલ તપાસમાં આવી રીતે આરોપીએ ૧૨ જેટલી યુવતીઓને ફસાવી હોવાનું અત્યાર સુધીમાં જણાયું છે. તે પ્રોફાઇલમાં હૅન્ડસમ ફોટો મૂકતો હતો, પરંતુ હકીકતમાં સામાન્ય લુક ધરાવતો યુવક છે. સોમવારે એપીએમસી પોલીસ સ્ટેશનની ટીમે આરોપી કરણ ગુપ્તાની મલાડના માલવણી વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. તે એક મૅટ્રિમોનિયલ સાઇટ પર નવી પ્રોફાઇલ બનાવીને વધુ એક યુવતીને ફસાવી રહ્યો હોવાનું અમારા ધ્યાનમાં આવતાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો. કોર્ટમાંથી તેના ચાર દિવસના રિમાન્ડ મેળવાયા હોવાથી તેની પૂછપરછમાં વધુ માહિતી મેળવાઈ રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2021 09:51 AM IST | Mumbai | Prakash Bambhrolia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK