દાદર, ભાયખલા, ચેમ્બુર, મુલુંડ, બોરીવલી, અંધેરી પરિસરમાં ઇલેક્ટ્રિકના થાંભલામાંથી તેઓ પાવર મેળવતા હોવાનું જણાયું
ગેરકાયદે ફેરિયાઓ
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના આદેશ બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા ગેરકાયદે ફેરિયાઓ અને ફુટપાથ પર અતિક્રમણ કરનારાઓ સામે વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમ્યાન ગેરકાયદે ફેરિયાઓ વીજળીના થાંભલાના કનેક્શન-બૉક્સમાં વાયર નાખી પાવરની ચોરી કરીને ધંધાના સ્થળે લૅમ્પ જ નહીં, પંખા પણ ચલાવતા હોવાનું જણાઈ આવ્યું હતું. આથી ગઈ કાલે BMCની સાથે મુંબઈમાં વીજળી સપ્લાય કરતી કંપનીઓ બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ-BEST) અને અદાણી ઇલેક્ટ્રિસિટીએ સંયુક્ત કાર્યવાહી કરીને દાદર, ભાયખલા, ચેમ્બુર, મુલુંડ, બોરીવલી અને અંધેરીમાં ફેરિયાઓએ લીધેલાં વીજળીનાં ગેરકાયદે કનેક્શન કટ કર્યાં હતાં.
BMCના કમિશનર કમ ઍડ્મિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણીએ મુંબઈમાં ગેરકાયદે ફેરિયાઓ સામે કાર્યવાહી કાયમ રાખવાનો નિર્દેશ આપ્યો છે. આથી BMCના અતિક્રમણ સહિતના તમામ વિભાગો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

