રિક્ષા-ફ્રી ઝોન હોવાથી પોલીસે ડૉ. બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓને રોક્યા, પણ વિવાદ વકરે નહીં એટલે અંતે જવા દીધા
ગઈ કાલે રિક્ષાઓ અટકાવવામાં આવતાં સર્જાયેલી અંધાધૂંધીની સ્થિતિ.
ગઈ કાલે ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા માટે રિક્ષા-ફ્રી ઝોનમાં રિક્ષા લઈ જવાની બાબતે પોલીસ અને બાબાસાહેબના અનુયાયીઓ વચ્ચે ઊહાપોહ મચ્યો હતો. પ્રાથમિક જાણકારી પ્રમાણે પોલીસ અને અનુયાયીઓ વચ્ચે દાવાદલીલો અને અથડામણ થઈ હતી. આ અથડામણમાં રિક્ષા પગ પર ચડી જતાં એક પોલીસ ઘાયલ થયો હતો. પોલીસે કહ્યું હતું કે સાયન સ્ટેશનની આગળ રિક્ષા જવા દેવામાં આવતી નથી એટલે રિક્ષાઓ રોકવામાં આવી હતી. જોકે થોડા કલાકોના વિવાદ પછી પોલીસે રિક્ષાઓને જવા દીધી હતી. આ અથડામણને કારણે ઈસ્ટર્ન એક્સપ્રેસવે બ્લૉક થઈ ગયો હતો. બાબાસાહેબના અનુયાયીઓએ ચેતવણી આપી હતી કે જ્યાં સુધી અમારી રિક્ષાઓને પસાર નહીં થવા દેવામાં આવે ત્યાં સુધી રસ્તો ખાલી નહીં થાય. અંતે પોલીસે નમતું મૂક્યું હતું અને રિક્ષાઓને જવા દીધી હતી.


