મહારાષ્ટ્રના ગડચિરોલીના ગ્રામીણ વિસ્તારની કરુણાંતિકા
વાહન ચાલી શકે એવો રસ્તો ન હોવાથી બે પુત્રોના મૃતદેહને ખભા પર મૂકીને માતા-પિતા ગામમાં પહોંચ્યાં હતાં.
ભારત મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે અને વિશ્વની ત્રીજી ઇકૉનૉમી બનવા તરફ અગ્રેસર છે ત્યારે મહારાષ્ટ્રના ગડચિરોલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારની હાલત આઝાદીના સમય જેવી જ હોવાનું જણાઈ આવ્યું છે. આ ક્ષેત્રમાં વાહનો ચાલી શકે એમ ન હોવાથી માતા-પિતાએ મૃત્યુ પામેલા સાડાત્રણ અને છ વર્ષના પુત્રોના મૃતદેહને ખભે મૂકીને હૉસ્પિટલથી ઘરે પહોંચવા માટે પંદર કિલોમીટર ચાલવું પડ્યું હોવાની ચોંકાવનારી ઘટના બુધવારે બની હતી.
ગડચિરોલી જિલ્લાના અહેરી તાલુકામાં આવેલા પત્તીગાવમાં વેલાદી દંપતી રહે છે. તેમને સાડાત્રણ વર્ષનો દિનેશ અને છ વર્ષનો બાજીરાવ નામના બે પુત્રો હતા. બુધવારે સવારના બન્નેને તાવ આવ્યો હતો એટલે પહેલાં તેઓ પુત્રોને લઈને ગામના પૂજારી પાસે ગયા હતા. પૂજારીએ જડીબુટ્ટી આપી હતી, પરંતુ એનાથી પણ તબિયતમાં સુધારો ન થતાં દંપતી પુત્રોને લઈને ગામથી પંદરેક કિલોમીટર દૂર આવેલા સરકારી આરોગ્ય સેન્ટરમાં પહોંચ્યું હતું. જોકે ત્યાં સુધીમાં મોડું થઈ જતાં બન્ને પુત્રોએ જીવ ગુમાવી દીધો હતો. આરોગ્ય સેન્ટરના ડૉક્ટરોએ આ દંપતીને થોડા સમયમાં મૃત્યુ પામેલાં બાળકોના મૃતદેહને ગામ સુધી લઈ જવા માટે ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. જોકે વેલાદી દંપતી ઍમ્બ્યુલન્સની રાહ જોવાને બદલે પુત્રોના મૃતદેહોને ખભે મૂકીને ચાલવા માંડ્યું હતું.
ADVERTISEMENT
પુત્રોના મૃતદેહોને ખભે મૂકીને માતા-પિતા ચાલીને જઈ રહ્યાં હોવાનો વિડિયો ગઈ કાલે વાઇરલ થયો હતો જે જોઈને અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટના વિશે ગડચિરોલી જિલ્લાના હેલ્થ-ઑફિસર ડૉ. પ્રતાપ શિંદેએ કહ્યું હતું કે ‘બે નાનાં બાળકોનાં મૃત્યુ થવાની ઘટના બુધવારે બની હતી. તેમનાં મૃત્યુ કેવી રીતે થયાં એનું કારણ જાણી શકાયું નથી. જીવ ગુમાવનારા ભાઈઓને પહેલાં તેમનાં માતા-પિતા પૂજારીને ત્યાં લઈ ગયા હતા. જોકે તબિયત ન સુધરતાં તેમને આરોગ્ય સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા. કમનસીબે તેઓ બચી નહોતા શક્યા. તેમને મદદ મેળવવા કોઈ મુશ્કેલી થઈ છે કે કેમ એની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.’