વર્ષો જૂની અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં અનેક જગ્યાએ લીકેજ, લીકેજ શોધવું એ પણ અઘરું કામ, એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ
પ્રતીકાત્મક તસવીર
વરસાદ ખેંચાઈ જતાં ફરી એક વાર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ પાણીકાપ મૂકવો પડ્યો છે અને ફરી એક વખત વરસાદ પર આધાર રાખવો પડી રહ્યો છે ત્યારે ચોંકાવનારી બાબત એ જાણવા મળી છે કે રોજનું લીકેજ, ચોરી અને ગેરકાયદે કનેક્શનને કારણે રોજના ૧૧૦૦ મિલ્યન લીટર પાણીની ઘટ પડે છે, જે રોજની પાણી સપ્લાયના ૩૦ ટકા જેટલી થાય છે. મુંબઈમાં રોજનો પાણીનો વપરાશ ૩૮૫૦ મિલ્યન લીટર છે એ સામે રોજના ૧૧૦૦ મિલ્યન લીટર પાણીની ઘટ પડે છે. આ માટે BMC દ્વારા ખાસ કોઈ પગલાં લેવાતાં નથી.
આ સંદર્ભે BMCના એક ઑફિસરે કહ્યું હતું કે ‘મૂળ સમસ્યા વર્ષો જૂની પાઇપલાઇનની છે જેમાં ઘણી જગ્યાએ લીકેજ થાય છે. વળી સતત લીકેજ થાય છે. વળી એ એક્ઝૅક્ટલી કઈ જગ્યાએ લીકેજ છે એ પણ શોધી કાઢવું અઘરું હોય છે અને ત્યાર બાદ એનું રિપેરિંગ કરવામાં પણ ડિલે થતું હોય છે. ૧૫ ટકા પાણી ગેરકાયદે કનેક્શનથી ચોરાઈ જાય છે એ બધું જ રોકવામાં આવે તો ૫૫૦ મિલ્યન લીટર પાણી બચી શકે.
ADVERTISEMENT
બાબુશાહીમાં અટવાયો પ્રોજેકટ
મુંબઈની હાલની રોજની પાણીની ડિમાન્ડ ૪૫૦૦ મિલ્યન લીટર સામે હાલ મુંબઈને પાણી પૂરું પાડતાં ૭ જળાશયોમાંથી કુલ ૩૮૫૦ મિલ્યન લીટર પાણી જ મળી રહ્યું છે. એ ઉપરાંત આવનારાં પાંચ વર્ષોમાં એ ડિમાન્ડ વધીને ૫૦૦૦ મિલ્યન લીટર થઈ જવાની છે. એથી ગારગાઈ ડૅમની પ્રપોઝલ છેલ્લાં ૧૦ વર્ષથી ચર્ચાઈ રહી છે, પણ એ પ્રોજેક્ટ બાબુશાહીમાં અટવાઈ ગયો છે. BMCની પ્રપોઝલ મુજબ ગારગાઈ-પિંજાળ અને ગારગાઈ–દમણગંગા નદી પર કુલ ચાર ડૅમ (બન્ને પર બે–બે ) બનાવવા ધારે છે, જેમાંથી રોજનું ૨૪૫૧ મિલ્યન લીટર પાણી મળી શકે એમ છે.
સુધરાઈના એક ઑફિસરે એ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘આ પ્રોજેક્ટ માટે કેન્દ્રની ફૉરેસ્ટ ઍડ્વાઇઝરી કમિટી અને વાઇલ્ડલાઇફ બોર્ડ પાસેથી એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સ લેવું પડે એમ છે. જોકે એ પહેલાં સ્ટેટ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરી હોવી પણ જરૂરી છે. આ પ્રોજેક્ટના કારણે થનારી પર્યાવરણની અસર સરભર કરવા માટે રાજ્ય સરકારે ચંદ્રપુર જિલ્લામાં ૬૫૦ હેક્ટર જમીન જંગલ માટે આપવાની છે. એક વાર ત્યાં જંગલ ડેવલપ કરવાનું ચાલુ કર્યા પછી એ પરવાનગી માગવાની હોય છે. છેલ્લાં પાંચ વર્ષથી એ પ્રોસેસ ચાલુ છે, પણ એમાં કોઈ ખાસ પ્રગતિ થઈ નથી. બીજું, એ ડૅમને કારણે જે વિસ્થાપિતોના પુનર્વસનનો મુદ્દો છે એ પણ ઉકેલવા અમે તૈયાર છીએ. અમે બધું જ કરવા તૈયાર છીએ, પણ બીજા ડિપાર્ટમેન્ટની કામ કરવાની ઝડપ પર અમારો કોઈ જ કન્ટ્રોલ નથી એથી અમે ન કહી શકીએ કે અમને આની બધી જ પરવાનગીઓ ક્યાં સુધી મળશે.’