ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડની ૧૦ એકર જમીન પર ધારાવીના અપાત્ર રહેવાસીઓનું પુનર્વસન કરવાનો પ્લાન છે. એ માટે એ જગ્યા ટૂંક સમયમાં હસ્તગત કરવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
ધારાવી રીડેવલપમેન્ટનો મુદ્દો ફરી એક વાર ચર્ચામાં છે. વર્ષોથી ધારાવીમાં વસેલા, ખાસ કરીને સૌરાષ્ટ્રના કુંભાર પરિવારો વર્ષોથી ત્યાં માટલા, ગરબા, દીવા અને માટીની અન્ય આઇટમો બનાવી પોતાનું અને પરિવારનું ગુજરાન કરે છે. એમાંના ૫૦થી ૬૦ જણનું મુલુંડના ડમ્પિંગ ગ્રાઉન્ડની ૧૦ એકરની જમીનમાં પુનર્વસન કરવામાં આવે એ માટે તેમને બસમાં બેસાડી સાઇટ-વિઝિટ પર લઈ જવામાં આવ્યા હતા. જોકે એમાંના મોટા ભાગના કુંભારોનું કહેવું હતું કે તેઓ ઝૂંપડાવાસીઓ નથી, વર્ષોથી ધારાવીમાં સ્થાયી થયેલા છે; તેમને મુલુંડના ડમ્પિંગ ગ્રાઉન્ડની એ જમીન પર પુનર્વસનમાં રસ નથી, તેમનું ધારાવીમાં જ પુનર્વસન કરવામાં આવે.
ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડની ૧૦ એકર જમીન પર ધારાવીના અપાત્ર રહેવાસીઓનું પુનર્વસન કરવાનો પ્લાન છે. એ માટે એ જગ્યા ટૂંક સમયમાં હસ્તગત કરવામાં આવશે. જોકે ધારાવીના પાત્ર રહેવાસીઓનો ત્યાં જ ધારાવીમાં જ સમાવેશ કરવાનો છે તો વર્ષોથી સ્થાયી થયેલા કુંભારોને કેમ મુલુંડમાં જગ્યા અપાઈ રહી છે એવો સવાલ એ લોકો કરી રહ્યા છે. તેમની માગણી એવી છે કે તેમને તેમના સાડાબાર એકરમાં ફેલાયેલા કુંભારવાડાની જગ્યાએ માત્ર છ એકરમાં જ પણ ધારાવીમાં જ સમાવેશ કરાય એટલું જ નહીં, જે રીતે રાજ્સ્થાનમાં પ્રદૂષણ ટાળવા ઇલેક્ટ્રિક ભઠ્ઠીનો વપરાશ કરાય છે એવી ભઠ્ઠી વાપરવાની મંજૂરી તેમને પણ આપવામાં આવે.

