ત્રણ મહિનામાં ભારતમાં આવેલા કુલ રોકાણમાંથી ૫૨.૪૬ ટકા એટલે કે ૭૦,૭૯૫ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હોવાનું દેવેન્દ્ર ફડણવીસે કહ્યું
દેવેન્દ્ર ફડણવીસ
આ વર્ષના એપ્રિલથી જૂન સુધીના ત્રણ મહિનાના સમયમાં ભારતમાં કરવામાં આવેલા કુલ વિદેશી રોકાણમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૫૨.૪૬ ટકા એટલે કે ૭૦,૭૯૫ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હોવાનું ગઈ કાલે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘આ વર્ષના એપ્રિલથી જૂનમાં ભારતમાં ૧,૩૪,૯૫૯ કરોડ રૂપિયાનું કુલ વિદેશી રોકાણ આવ્યું છે. આમાંથી આખા દેશમાં સૌથી વધુ ૭૦,૭૯૫ કરોડ રૂપિયાનું રોકાણ એકલા મહારાષ્ટ્રમાં કરવામાં આવ્યું છે. ૨૦૧૪થી ૨૦૧૯ સુધી અમારી સરકાર હતી ત્યાં સુધી મહારાષ્ટ્ર વિદેશી રોકાણમાં નંબર એક હતું. અમે ઉદ્યોગ મહારાષ્ટ્રની બહાર લઈ જઈ રહ્યા હોવાનું જે કહી રહ્યા છે એ ઉદ્ધવ ઠાકરેની સરકાર વખતે ગુજરાત અને કર્ણાટક આગળ નીકળી ગયાં હતાં. ૨૦૨૨માં ફરી અમારી સરકાર આવ્યા બાદ મહારાષ્ટ્રને એક નંબર પર લાવવાનું અમે કહ્યું હતું. વિદેશી રોકાણ લાવવામાં બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા નંબરે રહેલાં ગુજરાત, કર્ણાટક, દિલ્હી અને તેલંગણ આ ચારેય રાજ્યોમાં ત્રણ મહિનામાં ૪૭,૩૭૮ કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું છે એના કરતાં એકલા મહારાષ્ટ્રમાં અમે રોકાણ લાવ્યા છીએ. જોકે વિરોધ પક્ષો આ બાબતે પણ રાજકારણ કરી રહ્યા છે. તેઓ અમને મહારાષ્ટ્રવિરોધી કહે છે, પણ દેશમાં સૌથી વધુ રોકાણ લાવીને અમે તેમને જવાબ આપ્યો છે.’