Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > માનસિક સક્ષમતાએ આપી શારીરિક અક્ષમતાને મહાત

માનસિક સક્ષમતાએ આપી શારીરિક અક્ષમતાને મહાત

21 June, 2022 09:38 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

થૅલેસેમિયા મેજર જેવી ‍રક્તવિકારની બીમારી હોવા છતાં ત્રણ વિદ્યાર્થીઓ દસમા ધોરણમાં સારા માર્ક્સથી પાસ થઈને બીજા માટે બન્યા ઉદાહરણરૂપ

સાહિલ થોરાત, સફત શેખ, દીક્ષા પાટીલ

SSC Result

સાહિલ થોરાત, સફત શેખ, દીક્ષા પાટીલ


માનવી આર્થિક રીતે નબળો હોય, તેનો આખો પરિવાર સંઘર્ષમય જીવન જીવતો હોય છતાં જીવન જીવવાની અને જીવડાવવાની જિજીવિષા સાથે તે અને તેનો પરિવાર સંઘર્ષનો સામનો કરીને જીવનમાં કોઈ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તો તે માનવી અને તેના પરિવારમાં હર્ષોલ્લાસનું વાતાવરણ સર્જાય જાય છે. આવી જ હાલતમાંથી પસાર થઈ રહેલાં અને એમાં પણ થૅલેસેમિયા મૅજર જેવી વારસાગત રક્તવિકારની બીમારીનો નાનપણથી મક્કમ મનોબળ સાથે સામનો કરી રહેલાં અને કોરાનાકાળમાં પણ દસમા ધોરણની પરીક્ષામાં પહેલી જ ટ્રાયલમાં સારા ટકા મેળવીને સફળતાના શિખર તરફ આગળ વધી રહેલાં અમુક બાળકો સમાજ માટે અને જીવનમાં મુસીબત આવતા હારી જતા વિદ્યાર્થીઓ માટે ઉદાહરણરૂપ બની જતાં હોય છે. આવાં બાળકોમાં ઘાટકોપર-ઈસ્ટની રાજાવાડીનો સાહિલ થોરાત, ગોવંડીનો સફત શેખ અને મહારાષ્ટ્રના વાડા ગામની દીક્ષા પાટીલનો સમાવેશ થાય છે.

આ બાળકોની બીમારીની માહિતી આપતાં ઘાટકોપર-વેસ્ટના સમર્પણ થૅલેસેમિયા સેન્ટરનાં મેડિકલ સોશ્યલ વર્કર ડિમ્પલ પંડ્યાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બાળકો થૅલેસેમિયા મેજરનાં પેશન્ટ્સ છે. જેમ કારમાં સમયે-સમયે પેટ્રોલ પુરાવતા રહેવું પડે તો કાર ચાલી શકે એમ આ બાળકોની જીવનદોરી માટે તેમને એક મહિનામાં બે વાર બ્લડ ચડાવવું અનિવાર્ય હોય છે. આ માટે આ બીમારીનાં બાળકોએ બ્લડ બૅન્કના સંપર્કમાં રહેવું પડે છે. આ બીમારીમાં બાળકોએ હીમોગ્લોબિન ઓછું હોવું, બ્લડ-પ્રેશરમાં બદલાવ આવવો, કમજોરી આવવી, શરીરમાં દુખાવો થવો, ભૂખ ન લાગવી, શ્વાસ લેવામાં તકલીફ પડવી, બર્ડન વધવું, હૃદય-કિડની પર ભાર વધવો, અચાનક ટીબી કે ડાયાબિટીઝનો અટૅક આવવો, રક્તવાહિની સંકોચાઈ જવી, લોહીમાં રીઍકશન આવવું જેવાં અનેક દર્દોમાંથી પસાર થવું પડતું હોય છે.’



આ પરિસ્થિતિમાં પણ ઘાટકોપર-ઈસ્ટની રાજાવાડીનો સાહિલ થોરાત, ગોવંડીનો સફત શેખ અને મહારાષ્ટ્રના વાડા ગામની દીક્ષા પાટીલ દસમા ધોરણની ઑફલાઇન એક્ઝામ આપીને સારા માર્ક્સ સાથે પાસ થયાં છે. 


સાહિલ થોરાતને થવું છે કૉમર્સ ગ્રૅજ્યુએટ

ઘાટકોપરનો સાહિલ થોરાત નાનપણથી જ થૅલેસેમિયા પેશન્ટ છે. રાજાવાડીમાં આવેલી ચાલમાં તે રહે છે. તેના પિતા ત્રણ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા. તેની મમ્મી ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં હાઉસકીપિંગની નોકરી કરે છે. સાહિલ ઘણા સમયથી રોજ સવારે સાઇકલ પર લોકોના ઘરે દૂધ પહોંચાડવાનું કામ કરે છે. ટિળકનગરની એક મરાઠી સ્કૂલમાં અભ્યાસ કરતો સાહિલ દસમા ધોરણમાં ૫૨.૮૦ ટકા માર્ક્સ સાથે પાસ થયો છે. તેને ભવિષ્યમાં કૉમર્સ ગ્રૅજ્યુએટ થવું છે.


સંઘર્ષ મારા માટે હવે સામાન્ય છે, કારણ કે થૅલેસેમિયાનો દરદી હોવાથી અવારનવાર મુસીબતો આવતી રહે છે એમ જણાવીને સાહિલ થોરાતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બધી મુસીબતો વચ્ચે લડવા માટે હું તૈયાર છું. કોરાનાને કારણે મારી ઑનલાઇન સ્કૂલ હતી. ક્યારેક-ક્યારેક એમાં પણ મુસીબતો આવતી હતી. એક વાર મારા મોબાઇલમાં બૅલૅન્સ પૂરું થઈ ગયું હતી. મારા ક્લાસ શરૂ થવાના હતા. ખિસ્સામાં રીચાર્જના પૈસા નહોતા. મારી મમ્મી મીનાતાઈ પાડોશીને ત્યાંથી મોબાઇલના રીચાર્જ માટે પૈસા માગીને લઈ આવી હતી. આ બધી પ્રક્રિયામાં સારોએવો સમય વીતી ગયો હતો, પરંતુ મારા ઑનલાઇન ક્લાસ શરૂ થાય એ પહેલાં જ રીચાર્જ કરીને મેં મારા દસમાના અભ્યાસ માટે ક્લાસ અટેન્ડ કર્યા હતા. મારે મહિનામાં બે વાર બ્લડ ટ્રાન્સ્ફ્યુઝન માટે ઘાટકોપર-વેસ્ટની સમર્પણ બ્લડ બૅન્કમાં જવાનું હોય છે. પરીક્ષાની તૈયારીના સમયમાં તો ઠીક, પરીક્ષાના સમયમાં પણ બ્લડ બદલવામાં ખાડો પાડી શકાય એવી કોઈ જ પરિસ્થિતિ નથી. જોકે બ્લડ બૅન્કની મૅડમ મને મારો ભણવાનો સમય ઓછામાં ઓછો બગડે એ માટે પૂરો સપોર્ટ કરતી હતી. હું વહેલી સવારે દૂધ આપવા નીકળી જતો હતો. ત્યાંથી આવીને પાછો મારા અભ્યાસમાં લાગી જતો હતો. મારી મમ્મી પણ મને પ્રોત્સાહિત કરતી હતી. એને પરિણામે હું પરીક્ષામાં ૫૨.૮૦ ટકા માર્ક્સ લાવવામાં સફળ રહ્યો હતો. મારે આગળ ભણીને કૉમર્સ ગ્રૅજ્યુએટ થવું છે.’

સફત શેખને બનવું છે પાઇલટ અથવા ફાર્મસિસ્ટ

ગોવંડીના સફત શેખનું એક વર્ષની ઉંમરે થૅલેસેમિયાનો પેશન્ટ હોવાનું નિદાન થયું હતું. તેની મમ્મી સમીના અને પપ્પા ઇબ્રાહિમ કોવિડના સમયમાં રોડ પર જઈને માસ્ક વેચવાનું કામ કરતાં હતાં. તેઓ સમયે-સમયે તેમનો ફેરીનો ધંધો બદલતાં રહે છે. સફતને એક મોટો ભાઈ પણ છે. તેણે પણ દસમા ધોરણની એક વર્ષ પહેલાં પરીક્ષા આપી હતી અને એમાં તે પાસ થયો હતો. સફત થૅલેસેમિયાનો પેશન્ટ હોવા છતાં ઑનલાઇન, મિત્રો અને યુટ્યુબના માધ્યમથી પરીક્ષા માટે મહેનત કરીને દસમા ધોરણમાં ૬૬.૨૦ ટકા માર્ક્સ સાથે તે પાસ થયો છે. તેને ભવિષ્યમાં પાઇલટ અથવા ફાર્મસિસ્ટ બનવું છે.

હું મારો અભ્યાસ મારી જાતે જ કરીને ૬૬.૨૦ ટકા માર્ક્સ લાવ્યો છું, જોકે મને ૭૦ ટકા માર્ક્સ મળશે એવી અપેક્ષા હતી એમ જણાવીને સફત શેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ગોવંડીની ચાલમાં રહીએ છે. હું ચેમ્બુરની સ્કૂલમાં ભણવા જાઉં છું. નસીબજોગે મને કોવિડકાળ હોવા છતાં કોઈ જ મુસીબતો આવી નથી. મારું જીવન નૉર્મલ રહ્યું છે. હું સવારે બે કલાક વાંચીને પછી ક્લાસમાં જતો હતો. ત્યાંથી પાછા ફરતી વખતે મમ્મી-પપ્પાને તેમના કામમાં મદદ કરવા જતો હતો. મારા પરિવારમાં કોઈને કોવિડની બીમારી આવી નહોતી. મને મારી મમ્મી અને મારા સ્કૂલના ટીચરો ભણવા માટે માર્ગદર્શન આપતાં રહે છે. મને બ્લડ ટ્રાન્સ્ફ્યુઝન માટે પરીક્ષાના સમયમાં રવિવાર ઍડ્જસ્ટ કરી આપ્યો હતો એટલે મારા અભ્યાસમાં કોઈ જ ખલેલ પહોંચી નહોતી.’

દીક્ષા પાટીલને કરવું છે સાયન્સમાં ગ્રૅજ્યુએશન

પાલઘર ડિસ્ટ્રિક્ટમાં આવેલા વાડા ગામમાં રહેતી દીક્ષા દશરથ પાટીલના પિતા કડિયાકામ કરીને ગુજરાન ચલાવે છે. તેમને ત્રણ દીકરીઓ છે. એમાં દીક્ષા સૌથી મોટી છે. દીક્ષાને ચાર મહિનાની ઉંમરે થૅલેસેમિયા ડિટેક્ટ થયો હતો. તેના પિતા દશરથ પાટીલ કહે છે, ‘આપણી ગમે એવી પરિસ્થિતિ હોય પણ આપણાં બાળકોને જીવન આપવું અને તેમની સારસંભાળ લેવી એ આપણી ફરજ છે. દીક્ષા થૅલેસેમિયા પેશન્ટ હોવા છતાં મક્કમ મનોબળ સાથે ભણીને દસમા ધોરણમાં ૭૬.૬૦ ટકા માર્ક્સ સાથે પાસ થઈ છે. તેને ભવિષ્યમાં સાયન્સ ગ્રૅજ્યુએટ થવું છે.’
મારા ઘરમાં નેટવર્કની કોઈ સુવિધા નથી એટલે ઑનલાઇન ભણવા માટે દીક્ષાએ મારા કઝિનના ઘરે જવું પડતું હતું એમ જણાવીને દશરથ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પરિસ્થિતિ આર્થિક રીતે બહુ જ નબળી છે. એમાં મારી ત્રણ દીકરીઓમાંથી મોટી દીકરી દીક્ષા થૅલેસેમિયાની બીમારી સાથે લડી રહી છે. આમ છતાં તે ભણવામાં ખૂબ જ હોશિયાર છે. કોવિડમાં લૉકડાઉન હોવાથી અમને ઘાટકોપર બ્લડ ટ્રાન્સ્ફ્યુઝન માટે જવામાં ખૂબ જ તકલીફ પડતી હતી. હું તેને મોટરબાઇક પર લઈને ઘાટકોપર જતો હતો. અમને પરીક્ષાના સમયમાં સન્ડેનો દિવસ ઍડ્જસ્ટ કરી આપ્યો હતો. આ સિવાય મારા ઘરમાં ઑનલાઇન ભણી શકે એ માટે નેટવર્કની કોઈ જ સુવિધા નથી. મારા જ ગામમાં રહેતા મારા કઝિન પાસે વાઇ-ફાઇની સગવડ હોવાથી દીક્ષા ત્યાં જઈને ભણતી હતી. તેને સમયસર બ્લડ મળતું હોવાથી કોઈ જ બીજી તકલીફ પડી નથી.’

Whatsapp-channel Whatsapp-channel

21 June, 2022 09:38 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK