Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘટનાસ્થળેથી મળેલા એક ચંપલને કારણે લૂંટના આરોપીઓ પકડાયા

ઘટનાસ્થળેથી મળેલા એક ચંપલને કારણે લૂંટના આરોપીઓ પકડાયા

31 December, 2021 11:21 AM IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

દહિસરની સ્ટેટ બૅન્કના બનાવમાં ડૉગ-સ્ક્વૉડની મદદથી પોલીસ આરોપીઓ સુધી પહોંચી : યુ-ટ્યુબ પર વિડિયો જોઈને બૅન્ક લૂંટવાની યોજના બનાવી હતી

દહિસર બૅન્કમાં ઘૂસી આવેલા બે લૂંટારાઓ સીસીટીવી કૅમેરાના ફુટેજમાં કેદ થયા હતા

દહિસર બૅન્કમાં ઘૂસી આવેલા બે લૂંટારાઓ સીસીટીવી કૅમેરાના ફુટેજમાં કેદ થયા હતા


વિરારની એક પ્રાઇવેટ બૅન્કમાં લૂંટના કિસ્સામાં બૅન્કના કૅશિયરનું મૃત્યુ થયાનો કિસ્સો લોકો ભૂલ્યા નથી ત્યાં દહિસરની બૅન્કમાં લૂંટ અને હત્યાનો કેસ થતાં ખળભળાટ મચી ગયો છે. દહિસર-વેસ્ટમાં જયવંત સાવંત માર્ગ પર ગુરુકુળ હાઉસિંગ સોસાયટી નીચે આવેલી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની શાખામાં બુધવારે બપોરે સાડાત્રણ વાગ્યાની આસપાસ બે લૂંટારા ભાઈઓ ઘૂસી ગયા હતા. એક લૂંટારાએ વિરારમાં રહેતા અને કૉન્ટ્રૅક્ટ પર કામ કરતા ૨૫ વર્ષના કર્મચારી સંદેશ ગોરામરેની છાતીમાં દેશી બનાવટની રિવૉલ્વરનો ઉપયોગ કરીને પૉઇન્ટ બ્લૅન્ક રેન્જ ગોળી મારતાં તે મૃત્યુ પામ્યો હતો. બૅન્કની અંદર માસ્ક પહેરીને આવેલા લૂંટારાઓને લૂંટ કર્યા બાદ ફક્ત પાંચ કલાકની અંદર ડૉગ-સ્ક્વૉડની મદદથી પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે પકડી પાડેલા બન્ને આરોપીઓ સગા ભાઈઓ હોવાની સાથે તેમણે યુ-ટ્યુબ જોઈને લૂંટનો પ્લાન બનાવ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ડૉગ-સ્ક્વૉડ અને સીસીટીવી કૅમેરાનાં ફુટેજની મદદથી પોલીસે આરોપીઓને પકડી પાડ્યા હતા.
બૅન્ક-લૂંટનો વિડિયો વાઇરલ થયો
દહિસરની બૅન્કમાં ખુલ્લેઆમ થયેલી લૂંટના કેસમાં એમએચબી પોલીસને તપાસ કરતી વખતે બૅન્કની લૂંટનો એક મિનિટ ૨૭ સેકન્ડનો વિડિયો પણ મળી આવ્યો હતો. એમાં બન્ને આરોપીઓ બૅન્કમાં સીધા ઘૂસી આવે છે અને પિસ્તોલ દેખાડીને બૅન્કના કર્મચારીઓને ડરાવે છે. પછી બીજા આરોપીએ કૅશિયર પાસે એક બૅગ મૂકીને એમાં અઢી લાખ રૂપિયા છીનવીને મૂકી દીધા હતા. ત્યાર બાદ લૂંટારાઓ પગપાળા જ દહિસરની દિશામાં ફરાર થઈ ગયા હતા. બૅન્કનું શટર અડધું ખુલ્લું હતું અને બૅન્કના કર્મચારીઓ આખા દિવસનું કામ પૂરું કરવામાં વ્યસ્ત હતા. લૂંટના બનાવ વખતે બૅન્ક બંધ થવાનો સમય હોવાથી આશરે આઠ કર્મચારીઓ એમાં ઉપસ્થિત હતા. લૂંટારાઓને એ વખતે જે પણ રોકડ રકમ મળી એ લઈને તેઓ બે મિનિટમાં ત્યાંથી ભાગી નીકળ્યા હતા. 
ક્રાઇમ બ્રાન્ચે દરવાજો 
તોડીને આરોપીને પકડ્યો
દહિસરની બૅન્કમાં લૂંટ થયાને ફક્ત કલાકોની અંદર જ પોલીસ કેસને ઉકેલવામાં સફળ રહી હતી. તપાસમાં પોલીસને આરોપીનું એક ચંપલ મળી આવ્યું હતું. આ ચંપલ મુંબઈ પોલીસના ડૉગ-સ્ક્વૉડના ડૉગીને સૂંઘાડતાં એ પોલીસને તેના ઘર સુધી લઈ ગયો હતો. જોકે આરોપી ઘરનો દરવાજો અંદરથી બંધ રાખીને છુપાઈને બેઠો હતો. પોલીસે ઘણી વખત દરવાજો ખખડાવ્યા બાદ પણ તેણે ન ખોલતાં ક્રાઇમ બ્રાન્ચ અને સીઆઇડીની ટીમે દરવાજો તોડી નાખ્યો હતો. પોલીસને અંદર છુપાઈને બેસેલો એક આરોપી મળી આવ્યો હતો. એના થોડા વખત બાદ પોલીસે એ જ પરિસરમાં છુપાયેલા બીજા આરોપીને પકડી પાડ્યો હતો. 
યુ-ટ્યુબ જોઈને પ્લાન બનાવ્યો 
પોલીસે આ વિસ્તારના ખબરીઓની પાસેથી માહિતી ભેગી કરી હતી. પોલીસે બે આરોપી ભાઈઓ ધર્મેન્દ્ર યાદવ અને વિકાસ યાદવને પકડી પાડ્યા છે. તેમને કોર્ટમાં લઈ જતાં કોર્ટે તેમને સાત દિવસની પોલીસ-કસ્ટડીનો આદેશ આપ્યો છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે યુ-ટ્યુબ જોઈને તેમણે લૂંટની યોજના બનાવી હતી. આરોપીઓ તેમની પાસેનાં શસ્ત્રો ભદોહી ગામથી લઈને આવ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

31 December, 2021 11:21 AM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK