° °

આજનું ઇ-પેપર
Monday, 29 November, 2021


પાણીનો ફોર્સ મળતાં સમય લાગ્યો જેને કારણે એ આગ વિકરાળ થઈ

24 October, 2021 09:05 AM IST | Mumbai | Rohit Parikh

ફાયર-બ્રિગેડનું કહેવું છે કે ફાયર-ફાઇટિંગ સિસ્ટમમાં ક્ષતિ હોવાને કારણે અમને ત્યાં પહોંચ્યા પછી પાણીનો ફોર્સ મળતાં સમય લાગ્યો હતો : પોલીસે અવિઘ્ન પાર્કના માલિક, એના ઑક્યુપન્ટ અને ફાયરસેફ્ટી સિસ્ટમના મેઇન્ટેનન્સ કૉન્ટ્રૅક્ટર સામે બેદરકારીનો ગુનો

લાલબાગમાં આવેલી બહુમાળી ઇમારત અવિઘ્ન પાર્કની સામે આવેલી મોનોરેલ (તસવીર : બિપિન કોકાટે)

લાલબાગમાં આવેલી બહુમાળી ઇમારત અવિઘ્ન પાર્કની સામે આવેલી મોનોરેલ (તસવીર : બિપિન કોકાટે)

કરી રોડમાં આવેલી ૬૧ માળની બહુમાળી ઇમારત અવિઘ્ન પાર્કના ફ્લૅટ-નંબર ૧૯૦૨માં શુક્રવારે બપોરે લાગેલી આગમાં સોસાયટીના વૉચમૅનનું ૧૯મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. એના પ્રથમદર્શી રિપોર્ટના આધારે પોલીસે આ ઇમારતના માલિક, તેના ઑક્યુપન્ટ અને ફાયરસેફ્ટી સિસ્ટમના મેઇન્ટેનન્સ કૉન્ટ્રૅક્ટર તેમ જ અન્ય લોકો સામે ઇમારતમાં રહેલી ક્ષતિઓ અને બેદરકારી જેને પરિણામે માનવજીવન અથવા અન્યની વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકે છે અને મૃત્યુનું કારણ બને છે એ કલમ હેઠળ કાલાચૌકી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.

આ બાબતની માહિતી આપતાં કાલાચોકી પોલીસ સ્ટેશનના એક પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે મહારાષ્ટ્ર ફાયર પ્રિવેન્શન ઍન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ ઍક્ટની કલમો હેઠળ ઇમારતના માલિક, તેના ઑક્યુપન્ટ અને ફાયરસેફ્ટી સિસ્ટમના મેઇન્ટેનન્સ કૉન્ટ્રૅક્ટર સામે ગુનો નોંધ્યો છે.’

શુક્રવારે અવિઘ્ન પાર્કમાં ૧૯મા માળે માઝગાવના કાપડના એક વેપારીના ફ્લૅટમાં આગ લાગી હતી જેમાં બે ફ્લૅટ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયા હતા. ફાયર-બ્રિગેડે આ આગને લેવલ-ચારની આગ તરીકે વર્ગીકૃત કરી હતી. આગમાં બચાવકાર્ય માટે ૧૯મા માળે ગયેલો ઇમારતનો વૉચમૅન ૩૦ વર્ષનો સિક્યૉરિટી ગાર્ડ અરુણ તિવારી એક ફ્લૅટમાં ફસાઈ ગયો હતો. તેણે પોતાના બચાવમાં આ ફ્લૅટની બાલ્કનીની રેલિંગને પકડીને બચવા માટે થોડી મિનિટો ફાંફાં માર્યાં હતાં. આખરે તેના હાથની પકડ છૂટી ગઈ હતી અને તે ૧૯મા માળેથી નીચે પટકાઈને મૃત્યુ પામ્યો હતો.

આગની આ ઘટનામાં ફાયર-બ્રિગેડે ૧૬ રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. બનાવની પ્રાથમિક તપાસ બાદ પોલીસે પહેલાં તો આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો, પરંતુ ગઈ કાલે પોલીસ ઇમારતના માલિક, એના ઑક્યુપન્ટ અને ફાયરસેફ્ટી સિસ્ટમના મેઇન્ટેનન્સ કૉન્ટ્રૅક્ટર સામે બેદરકારીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.

શુક્રવારની આગની ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓએ સૌથી પહેલાં જ ઇમારતની ફાયર-ફાઇટિંગની સિસ્ટમની ક્ષતિઓ સામે આંગળી ચીંધતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફ્લૅટમાં આગ લાગ્યા બાદ તેમના પરિવારના સભ્યો અને અન્ય રહેવાસીઓએ સાથે મળીને પહેલાં ફાયર-એક્સ્ટિંગ્વિશરથી આગ બુઝાવવાની કોશિશ કરી હતી. એમાં તેઓ નિષ્ફળ જતાં તેમણે ફાયર-ફાઇટિંગ સિસ્ટમમાંથી પાણીનો ફોર્સ મેળવીને આગ બુઝાવવાની કોશિશ કરી હતી, પણ પાણીનો ફોર્સ મળ્યો નહોતો જેને કારણે સામાન્ય આગ હોવા છતાં ૧૯૦૨ અને ૨૦૦૨ નંબરના ફ્લૅટ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયા હતા. જે ફ્લૅટમાં આગ લાગી હતી એ ફૅમિલીને તેમના પાડોશી બચાવીને નીચે લઈ ગયા હતા, પરંતુ પાણીની અછતને લીધે ફલૅટની આગ સમયસર બુઝાઈ નહોતી.’ 

ઇમારતની ફાયર-ફાઇટિંગ સિસ્ટમની નિષ્ફળતા પછી ફાયર-બ્રિગેડને પણ સમયસર પાણીનો ફોર્સ મળ્યો નહોતો. આ બાબતની માહિતી આપતાં ચીફ ફાયર બ્રિગેડ-ઑફિસર એચ. ડી. પરબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને આગના સમાચાર મળતાં જ તરત જ અમારી ૧૦થી ૧૨ ફાયર-વૅનો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ ફાયર-ફાઇટિંગ સિસ્ટમમાં ક્ષતિ હોવાને કારણે અમને ત્યાં પહોંચ્યા પછી પાણીનો ફોર્સ મળતાં સમય લાગ્યો હતો જેને પરિણામે અમારી પ્રોસેસ લાંબી થઈ ગઈ હતી. ભારે જહેમત ઉઠાવ્યા પછી અમને પાણીનો ફોર્સ મળ્યો હતો. બહુમાળી ઇમારતમાં ઉપરના માળ પર પ્રૉપર પાણીનો ફોર્સ મળે તો જ અમે સમયસર આગ બુઝાવવામાં સફળતા પ્રાપ્ત કરતા હોઈએ છીએ, પરંતુ અવિઘ્ન પાર્કમાં અમને પાણીનો ફોર્સ મળતાં સમય લાગ્યો હતો જેને કારણે આગ વિકરાળ થઈ ગઈ હતી. અમારી પહેલાં જે વૅનો પહોંચી હતી તેમણે આગના ધુમાડા અને અન્ય પરિસ્થિતિ જોતાં જ આગને લેવલ-થ્રીની જાહેર કરી દીધી હતી. ત્યાર પછી થોડી જ વારમાં આગની જ્વાળાઓ જોતાં આગને લેવલ-ફોરની જાહેર કરવામાં આવી હતી. પાણીનો ફોર્સ અમે સમયસર કેમ ન મેળવી શક્યા અને ફાયર-ફાઇટિંગ સિસ્ટમમાં શું ક્ષતિઓ હતી એનો જવાબ તો સંપૂર્ણ તપાસ કર્યા પછી જ આપી શકાશે, પણ એટલું ચોક્કસ છે કે શુક્રવારે આગને જલદીથી બુઝાવવા માટે અમને ફાયર-ફાઇટિંગ સિસ્ટમનો સપોર્ટ મળ્યો નહોતો.’

24 October, 2021 09:05 AM IST | Mumbai | Rohit Parikh

અન્ય લેખો

મુંબઈ સમાચાર

100 કરોડ રિકવરી કેસઃ પરમબીર સિંહ વિરુદ્ધ જારી જામીનપાત્ર વોરન્ટ રદ, જાણો વિગત

મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ સોમવારે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ કરી રહેલા ચાંદીવાલ આયોગ સમક્ષ હાજર થયા હતાં.

29 November, 2021 08:06 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મહિલાએ મંત્રાલયની બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, પોલીસે બચાવી જાન

તેણીએ પોતાના પર કેરોસીન રેડ્યું હતું અને જ્યારે તેણી આગ ચાંપવાની હતી ત્યારે અને તેને સલામત સ્થળે લઈ જવામાં આવી હતી.

29 November, 2021 08:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

ડ્રગ-પેડલર અજમલ તોતલાને મુંબઈ પોલીસે ઝડપી લીધો

મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકે તાજેતરમાં એક પત્રકાર પરિષદ દરમિયાન અજમલ અને એક મહિલા ડ્રગ-પેડલર રુબિના નિયાઝુ શેખનો ઉલ્લેખ કર્યો હતો.

29 November, 2021 01:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK