શહેરમાં કોરોનાના કેસ ભલે ઘટ્યા, પણ ઓરીના કેસમાં થયો છે વધારો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
મુંબઈમાં જ્યાં એક તરફ કોરોના (Covid-19) દર્દીઓની સંખ્યા ઘટી રહી છે અને બીજી બાજુ ઓરી (Measles)નું સંકટ વધી રહ્યું છે. ૧૧ માર્ચ, ૨૦૨૦ પછી પહેલીવાર ગુરુવારે માત્ર બે નવા કોરોનાના કેસ નોંધ્યા છે. ટેસ્ટ પોઝિટીવીટી રેટ (TPR) કરવામાં આવેલ કુલ પરીક્ષણોમાંથી પોઝિટિવ કેસોની સંખ્યા એક ટકાથી નીચે ગઈ છે. મુંબઈમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને ૭૧ થઈ ગઈ છે.
પાલિકાના આંકડાઓ અનુસાર ગુરુવારે નવા નોંધાયેલા બે કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કોવિડ કેસની કુલ સંખ્યા ૧૧,૫૪,૯૧૧ થઈ ગઈ છે. વાયરસથી મૃત્યુઆંક ૧૯,૭૪૪ છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં કોવિડના કેસ ખૂબ ઓછા થઈ ગયા છે. બુધવારે પણ શહેરમાં આઠ કેસ નોંધાયા હતા જ્યારે ૧૦ લોકો સારવાર બાદ સાજા થયા છે.
કોરોના વાયરસના કેસ ભલે ઓછા થયા હોય પણ શહેરમાં વધતા ઓરીના કેસ ચિંતાનું કારણ છે.
મુંબઈમાં ઓરીના દર્દીઓની સંખ્યા વધી રહી છે. મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૩ કેસ નોંધાયા છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે ૧૫ લોકોએ જીવ ગુમાવ્યો છે.
નોંધનીય છે કે, જો કોઈ બાળકને ઓરીનો ચેપ લાગ્યો હોય તો તે ચેપના આઠ દિવસ પછી બીજા બાળકને ચેપ લગાવી શકે છે. આ સમય સુધીમાં, અગાઉ ચેપગ્રસ્ત બાળકમાં ફોલ્લીઓ દેખાતી નથી. તેમ છતાં, ઓરીનો ચેપ બાળકમાંથી બીજા બાળકમાં સંક્રમિત થઈ શકે છે.