Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જૉઇન્ટ કમિશનર, ૧૩ ડીસીપી સહિત ૪૦૦ પોલીસ સંક્રમિત

જૉઇન્ટ કમિશનર, ૧૩ ડીસીપી સહિત ૪૦૦ પોલીસ સંક્રમિત

11 January, 2022 11:58 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૪૮ કલાકમાં વધુ બે પોલીસનાં કોરોનામાં મૃત્યુ થયાં : દિવસે સંચારબંધી અને રાત્રે કરફ્યુની ડ્યુટી વચ્ચે મુંબઈ પોલીસ મુશ્કેલીમાં

ફાઈલ તસવીર

COVID-19

ફાઈલ તસવીર


મુંબઈ સહિત રાજ્યભરમાં ગઈ કાલે રાતના ૧૧ વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી નાઇટ કરફ્યુ અને દિવસે સંચારબંધીની અમલબજાવણી વચ્ચે મુંબઈ પોલીસ મુશ્કેલીમાં મુકાઈ હોવાનું જણાઈ આવ્યું છે. ૪૮ કલાકમાં મુંબઈમાં બે પોલીસ-કર્મચારીનાં મૃત્યુ થવાની સાથે એક જૉઇન્ટ પોલીસ કમિશનર, ૧૩ ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) અને ૪૦૦ જેટલા પોલીસ કોરોનાથી સંક્રમિત થયા છે. બીજી જાન્યુઆરીથી ગઈ કાલ સુધી શહેરમાં ૧૩૧૭ પોલીસને કોરોનાનું સંક્રમણ થયું છે. અત્યાર સુધી મુંબઈમાં ૧૨૫ પોલીસે કોરોનામાં જીવ ગુમાવ્યા છે.
મુંબઈ પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગયા શુક્રવારે ચેમ્બુર ખાતેના ટિળકનગરમાં રહેતા ૫૭ વર્ષના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. આર. રેડકરને પીઠમાં દુખાવો થવાથી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો. દેવનાર પોલીસ સ્ટેશનમાં ડ્યુટી કરતી વખતે તેને આ તકલીફ થવાથી શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. ડૉક્ટરોને તેને તપાસ્યા બાદ આરામ કરવાનું કહ્યું હતું. જોકે બપોર બાદ ફરી દુખાવો થવા લાગતાં તેને નવી મુંબઈના વાશીમાં આવેલી એમજીએમ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. અહીં આઇસીયુમાં સારવાર દરમ્યાન શુક્રવારે મોડી રાત્રે તેનું અવસાન થયું હતું. આવી જ રીતે મુંબઈ પોલીસના ટ્રાફિક વિભાગના ૫૫ વર્ષના સબ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર ભાટીને શનિવારે બાંદરામાં આવેલી લીલાવતી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું.
બન્ને પોલીસ કર્મચારી ૫૫ વર્ષથી મોટી વયના હતા. કોરોનાના સમયમાં ૫૫ વર્ષથી મોટી ઉંમરના પોલીસ કર્મચારીને વર્ક ફ્રૉમ હોમનો આદેશ આપવામાં આવ્યા હોવા છતાં તેમને આવી ડ્યુટી આપવામાં આવે છે અને તેમના જીવ જઈ રહ્યા હોવાથી પોલીસ કર્મચારીઓમાં આ બાબતે ભારે નારાજગી જોવા મળી રહી છે. 

મીરા-ભાઈંદર-વસઈ-વિરાર પોલીસ-કમિશનર પણ સંક્રમિત



મુંબઈને અડીને આવેલા મીરા-ભાઈંદર-વસઈ-વિરાર પોલીસ કમિશનરેટના કમિશનર સદાનંદ દાતે, તેના ડ્રાઇવર સહિત ૧૪૦ પોલીસ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું હતું. તાજેતરમાં આ પોલીસ કમિશનરેટમાં કાર્યરત અધિકારી-કર્મચારીઓની કોવિડ ટેસ્ટ કરાઈ હતી, જેમાં ૧૬૪ પોલીસની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

11 January, 2022 11:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK