સાઇબર ગઠિયાના વૉટ્સઍપ DPમાં પોતાના બૉસનો ફોટો જોઈને કંપનીનો અકાઉન્ટ્સ ઑફિસર છેતરાયો, ૧.૩૦ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા
પ્રતીકાત્મક તસવીર
બેલાપુરની એક કંપનીના ચીફ અકાઉન્ટ્સ અને ફાઇનૅન્સ ઑફિસરને ઠગે કંપનીના માલિક હોવાનો દાવો કરીને કહ્યું કે હું સરકારી અધિકારીઓ સાથે બેઠો છું અને મને તાત્કાલિક પૈસાની જરૂર છે
CBD બેલાપુરની એક કંપનીના ૪૩ વર્ષના ચીફ અકાઉન્ટ્સ અને ફાઇનૅન્સ ઑફિસર (CAFO)ને સોમવારે વૉટ્સઍપ મેસેજમાં કંપનીના માલિક હોવાનો દાવો કરી તાત્કાલિક પૈસા મોકલવાનું કહીને સાઇબર ગઠિયાએ ૧.૩૦ કરોડ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ નવી મુંબઈ સાઇબર પોલીસ-સ્ટેશનમાં મંગળવારે નોંધાઈ હતી. મેસેજ કરનાર યુવાનનું પ્રોફાઇલ પિક્ચર કંપનીના માલિકનું હતું. આ ઉપરાંત મેસેજ કરનાર યુવાને હું સરકારી અધિકારીઓ સાથે બેઠો છું અને મને તાત્કાલિક પૈસાની જરૂર છે એમ કહેતાં CAFOએ કોઈને પૂછ્યા વગર કંપનીના બૅન્કખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા.
ADVERTISEMENT
સાઇબર ગઠિયાએ CAFOને વૉટ્સઍપ પર મેસેજ કરીને પહેલાં કંપનીના ખાતામાં કેટલા પૈસા છે એ પૂછ્યું હતું અને ત્યાર બાદ તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરવા માટે કહેવામાં આવ્યું હતું એમ જણાવીને નવી મુંબઈ સાઇબર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગજાનંદ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે સાંજે છ વાગ્યાની આસપાસ CAFOને અજાણ્યા નંબર પરથી વૉટ્સઍપ કૉલ આવ્યો હતો. એ ઉપાડતાં સામેથી કોઈનો અવાજ આવ્યો નહોતો એટલે કોણ ફોન કરી રહ્યું છે એ તપાસતાં એ જ કંપનીના માલિકનો ફોટો વૉટ્સઍપના ડિસ્પ્લે પિક્ચર (DP)માં દેખાયો હતો. થોડી વારમાં એ નંબર પરથી CAFOને ક્યાં છો એમ પૂછતાં તેણે ઑફિસમાં હોવાનું કહ્યું હતું. એ પછી મેસેજ કરનારે કહ્યું હતું કે આપણા કંપનીના બૅન્કખાતામાં હાલમાં કેટલા પૈસા છે એ માહિતી લઈને મને મોકલો. થોડી વારમાં CAFOએ માહિતી કાઢીને આશરે ૧,૪૮,૯૭,૦૮૧ રૂપિયા હોવાનું કહ્યું હતું. એ પછી સામેની વ્યક્તિએ કહ્યું હતું કે હું સરકારી અધિકારીઓ સાથેની બેઠકમાં છું અને તમને એક બૅન્કખાતાનો નંબર આપું છું જેમાં તમે હમણાં જ ૧.૩૦ કરોડ રૂપિયા મોકલી આપો. એટલે CAFOએ કોઈને પૂછ્યા વગર પૈસા મોકલી આપ્યા હતા. થોડી વાર બાદ વધુ પૈસા મોકલવા માટે કહેવામાં આવ્યું ત્યારે શંકા જવાથી કંપનીના બૉસને ફોન કરીને માહિતી લેવામાં આવી ત્યારે આખી ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. અંતે તેમણે અમારી પાસે આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.’
જે અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે એની માહિતી અમે કાઢી રહ્યા છીએ. આરોપીઓએ બહુ જ સ્માર્ટ્લી પૈસા બૅન્કખાતામાં સ્વીકારીને ગણતરીની મિનિટોમાં જ એ બીજાં ખાતાંમાં ફેરવી દીધા હતા એટલે અમે એ બધાં બૅન્કખાતાંની માહિતી કાઢી રહ્યા છીએ. - ગજાનંદ કદમ, સિનિયર ઇન્સ્પેક્ટર