° °

આજનું ઇ-પેપર
Tuesday, 11 May, 2021


ઉદ્ધવે બધાને આપ્યું પણ વેપારીઓને ઠેંગો

14 April, 2021 09:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાન દ્વારા આકરાં નિયંત્રણોની જાહેરાત કરાઈ એ પછી ભડકેલાં વેપારી સંગઠનોનું આવું છે રીઍક્શન

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર

રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે રાત્રે ફેસબુક લાઇવ મારફત લોકોને કરેલા સંબોધનમાં આજે રાતના આઠ વાગ્યાથી પહેલી મેએ સવારે સાત વાગ્યા સુધી સંચારબંધી લાગુ કરી છે. જોકે સરકારના આ નિર્ણયથી વેપારીવર્ગ હતાશ અને નિરાશ થઈ ગયો છે.

ચેમ્બર ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડના સેક્રેટરી મિતેશ મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગરીબ વર્ગ પર મહેરબાન સરકારનું વેપારીઓ, દુકાનદારો અને નાના ઉદ્યોગો તરફનું ઓરમાયું વર્તન સ્પષ્ટ થઈ ગયું છે. સરકારની નજર વોટ-બૅન્ક પર જ છે. તેને એ નારાજ કરી શકે એમ નથી. એથી હવે આગળ જતાં અમારા કર્મચારીઓના પગાર, ઇલેક્ટ્રિસિટી બિલ, દુકાનનું ભાડું અને બૅન્કોની લોનના હપ્તા ભરવા અમારી પાસે પૈસા નથી. સરકાર એથી અમને અમારી એક કિડની વેચીને પૈસા ઊભા કરવાની પરવાનગી આપે.’

ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર (ફામ)ના પ્રેસિડન્ટ વિનેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારની જાહેરાત જોઈને તો એવું લાગી રહ્યું છે કે વેપારીઓ માટે જ આ બંધ રાખવામાં આવ્યો છે. બાકી તો બધું ચાલુ છે. વેપારીઓમાં હતાશા અને નિરાશા વ્યાપી ગઈ છે. તેમણે તમામ વર્ગને થોડુંઘણું વળતર આપ્યું છે, પણ વેપારીઓને કંઈ ન આપ્યું. જોકે આ બધા વચ્ચે તેમણે કેન્દ્ર સરકાર પાસે જીએસટી રિટર્ન ત્રણ મહિના મોડું ફાઇલ કરવાની જે વિનંતી કરી છે એ આવકાર્ય છે.’

ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ વીરેન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારની જાહેરાતથી વેપારીઓ જરાય ખુશ નથી થયા. તેમણે અમારા માટે એક શબ્દ પણ નથી ઉચ્ચાર્યો. જો આ પંદર દિવસમાં આપણે કોરોનાની આ ચેઇન બ્રેક કરવામાં સફળ થઈશું તો સારું છે. નહીં તો પંદર દિવસના ધંધાનું નુકસાન થયું કહેવાશે અને ત્યાર બાદ પણ એ ક્યાં જઈને અટકશે એ અત્યારે કહેવું મુશ્કેલ છે. જોકે સરકારે નૉન-અસેન્સિયલ આઇટમો ઈ-કૉમર્સ પર વેચવાની પરવાનગી આપી ન હોવાથી અમને થોડી રાહત છે.’

બ્રેક ધ ચેઇનના નામ હેઠળ ગઈ કાલે જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સમાં લોકોને ૩૦ એપ્રિલ સુધી કારણ વગર ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માત્ર જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓને ચાલુ રાખવામાં આવી છે. આ લોકોની અવરજવર માટે પબ્લિક અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ ચાલુ રાખવામાં આવી છે. અસેન્સિયલ સર્વિસવાળાઓને પણ સવારે સાત વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી જ આ સુવિધા આપવામાં આવી છે. આ સિવાય શહેરમાં ચોમાસાને લગતાં જે પણ કામ છે એ ચાલુ રહેશે એવી જાહેરાત મુખ્ય પ્રધાને કરી હતી. આનો મતલબ એવો થયો કે દુકાનદારોએ હવે પછીના પંદર દિવસ પોતાના ઘરે જ બેસી રહેવું પડશે. આ સિવાય મંદિરો, સૅલોં, બ્યુટીપાર્લર, મૉલ, થિયેટર્સ, ગાર્ડન, ક્લબ, જિમ, સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ બંધ રહેશે. અસેન્સિયલ સર્વિસ સાથે જોડાયેલા મૅન્યુફૅક્ચરિંગ યુનિટ્સને જ ચાલુ રહેવાની પરવાનગી આપવામાં આવી છે. તમામ પ્રાઇવેટ ઑફિસોને વર્ક ફ્રૉમ હોમ કરવાનું કહેવામાં આવ્યું છે. લોકોના મનોરંજન પર પણ હવે થોડો બ્રેક આવી શકે છે, કારણ કે તમામ સિરિયલો અને ફિલ્મોના શૂટિંગ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાને હોટેલ અને રેસ્ટોરાંને ટેક-અવે અને પાર્સલ માટે રાત્રે આઠ વાગ્યા સુધી ખુલ્લા રહેવાની પરવાનગી આપી છે. આ સિવાય રસ્તા પરના ફેરિયાઓ પણ રાત્રે આઠ વાગ્યા સુધી લોકોને પાર્સલ આપી શકશે. આ બધા વચ્ચે જેને ત્યાં લગ્ન હોય તેઓ ૨૫ માણસ સાથે મૅરેજ કરી શકશે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં રિક્ષામાં બે પૅસેન્જર જ બેસી શકશે, જ્યારે ટૅક્સીમાં ડ્રાઇવર ઉપરાંત પચાસ ટકા પૅસેન્જરને પરવાનગી આપવામાં આવી છે.  જોકે વાનખેડે સ્ટેડિયમમાં આઇપીએલની મૅચ રમવા દેવામાં આવશે કે કેમ એની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

આ બધા પ્રતિબંધની જાહેરાત કરવા પહેલાં સીએમએ રાજ્યમાં કોરોનાની શું પરિસ્થિતિ છે એનાથી લોકોને અવગત કરાવ્યા હતા. તેમનું કહેવું હતું કે આરોગ્ય સેવા પર અત્યારે એટલું દબાણ છે કે આવાં કડક પગલાં નહીં ભરીએ તો આવનારા દિવસોમાં એ ભાંગી પડશે. તેમણે રાજ્યમાં ઑક્સિજન અને રેમડેસિવીર ઇન્જેક્શનની અછતનો હવાલો આપીને કહ્યું કે અત્યારની પરિસ્થિતિ ગયા વર્ષ કરતાં પણ ભયાનક છે અને આપણે આ યુદ્ધ લડીને એમાંથી પાસ થઈને બહાર આવવાનું છે.

મુખ્ય પ્રધાને વડા પ્રધાન પાસે ત્રણ ડિમાન્ડ મૂકી હતી. એમાં ઍરફોર્સની મદદ લઈને વધારાનો ઑક્સિજનનો પુરવઠો પ્લેનમાં મહારાષ્ટ્રમાં મોકલવાની પરવાનગી આપવી જોઈએ, વેપારીઓને માર્ચ મહિનાનું જીએસટીનું રિટર્ન ત્રણ મહિના મોડું ફાઇલ કરવાની છૂટ આપવી જોઈએ તેમ જ કોરોનાની મહામારીને નૈસર્ગિક આપત્તિ ગણીને રાજ્યને આર્થિક મદદ કરવી જોઈએ. જોકે તેમણે રાજ્ય તરફથી અન્ન સુરક્ષાના સાત કરોડ લાભાર્થીઓને એક મહિના માટે ત્રણ કિલો ઘઉં અને બે કિલો ચોખા, બે લાખ લોકોને વિનામૂલ્ય શિવભોજન થાળી, સરકારની જુદી-જુદી પાંચ યોજના હેઠળ રાજ્યના ૩૫ લાખ લોકોને એક હજાર રૂપિયા, ૧૨ લાખ અધિકૃત બાંધકામ મજૂરોને એક મહિના માટે ૧,૫૦૦ રૂપિયા, પાંચ લાખ અધિકૃત ફેરિયાઓને ૧,૫૦૦ રૂપિયા, ૧૨ લાખ પરવાનાધારક રિક્ષાવાળાઓને ૧,૫૦૦ રૂપિયા અને આદિવાસીઓના પરિવારજનોને ૨,૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આ સિવાય કોરોનાનો આ જંગ લડવા માટે તેમણે ૩,૩૦૦ કરોડ રૂપિયાની પણ જોગવાઈ કરીને એને બાજુએ મૂક્યા છે.

14 April, 2021 09:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

કૉન્સ્ટેબલના ધાવણ પર સચવાયેલા બાળકનો મેળાપ આખરે માં સાથે થયો

. એક માએ તેના બે મહિનાના બાળકને ગરીબીને કારણે ત્યજી દીધું હતું. પોલીસ સ્ટેશનમાં એક કોન્સ્ટેબલે આ બાળકને પોતાનું દૂધ પાઇને બચાવ્યું. આ કોન્સ્ટેબલની વાત ભલભલાના દીલ જીતી રહી છે

10 May, 2021 06:26 IST | Mumbai | Shirish Vaktania
મુંબઈ સમાચાર

મુંબઇમાં સતત બીજા દિવસે પણ કોવેક્સિનનો બીજો ડોઝ ન મળતા લોકો રોષે ભરાયા

મુંબઇના વેક્સિનેશન સેન્ટરમાં સોમવારે પણ કોવેક્સિન નો ડોઝિસ ન મળ્યા હોવાનો સતત બીજો દિવસ રહ્યો. કોવેક્સિન આઉટ ઑફ સ્ટૉક હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઇ છે અને આ કારણે નાગરિકો  ભારે રોષે ભરાયા છે

10 May, 2021 04:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

લગ્નમાં વતન ગયેલા મીરા રોડના જ્વેલરે કોરોનામાં જીવ ગુમાવ્યો

મીરા રોડના કાશીગાંવ વિસ્તારમાં જ્વેલરી શૉપ ધરાવતા ૩૫ વર્ષના રાજસ્થાની દુકાનદાર મુકેશ પ્રજાપતિનું શનિવારે તેમના વતનમાં કોવિડનું સંક્રમણ થવાને લીધે મૃત્યુ થયું હતું.

10 May, 2021 09:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK