° °

આજનું ઇ-પેપર
Saturday, 19 June, 2021


સંસ્કારી કલમ અનાથ બની ને વાર્તાવતુર્ળ બન્યું નિસ્તેજ

01 December, 2012 06:15 AM IST |

સંસ્કારી કલમ અનાથ બની ને વાર્તાવતુર્ળ બન્યું નિસ્તેજ

સંસ્કારી કલમ અનાથ બની ને વાર્તાવતુર્ળ બન્યું નિસ્તેજ
(રોહિત પરીખ)


ઘાટકોપર, તા.૧


નવલકથાકાર, નાટ્યકાર, લઘુકથાકાર, નિબંધકાર અને અન્ય સાહિત્યના સર્જક અને વ્યવસાયે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એવા ઉમદા સાહિત્યકાર ચંદુલાલ સેલારકાને ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે ઘાટકોપર (ઈસ્ટ)ના તિલક રોડ પર આવેલા ડૉ. મનુભાઈ પી. વૈદ્ય માર્ગ પરના સેલારકા સદનમાંથી સાહિત્યસર્જકો અને સાહિત્યરસિકો તથા અનેક મહાનુભાવોની હાજરીમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. 
તેમની અંતિમ વિદાયમાં તેમના અંગત મિત્રો અને સાહિત્યકાર દિનકર જોષી, જયંતી દલાલ, નાટ્યકાર પ્રવીણ સોલંકી, ઘાટકોપરના જાણીતા બિલ્ડર અને તેમના મિત્ર સી. ડી. શાહ, પ્રફુલ્લ દેઢિયા, ઘાટકોપરની ગુરુકુળ સ્કૂલના ટ્રસ્ટી ભૂપેન્દ્ર દોશી, સેક્રેટરી જયેશ વોરા અને અન્ય મૅનેજિંગ કમિટીના મેમ્બર્સ, લાયન્સ ક્લબ ઑફ ઘાટકોપરના સર્વે હોદ્દેદારો તેમ જ નગરસેવક પ્રવીણ છેડા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
લાગણીશીલ અને ઉમદા વ્યક્તિત્વ
નાટ્યકાર પ્રવીણ સોલંકીએ ચંદુલાલ સેલારકાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું હતું કે ‘ચંદુલાલ શિષ્ટ સાહિત્યનું સરનામું હતા. તેમના સાહિત્યમાં ડોકાતી સરળતા અને સંસ્કારિતા તેમના જીવનનું પ્રતિબિંબ હતું. મૃદુભાષી, સાલસ, નિખાલસ, ક્યારેય કોઈની ટીકા ન કરનારા ચંદુલાલ સાહિત્યના સર્જક કરતાં ઉપવાસક તરીકે ઓળખાવાનું વધારે પસંદ કરતા હતા. વાર્તાજગતમાં તેમનું માનવંતું નામ હતું. ઘાટકોપરનું ગૌરવ હતા. મારા તે ખાસ શુભેચ્છક હતા. અનેક નવોદિત-ઊગતા સાહિત્યકારોના તે માર્ગદર્શક હતા. મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમીના અધ્યક્ષ હોવાથી માંડીને અનેક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા હતા અને તેમની નિર્વિવાદ કાર્યપદ્ધતિથી તેમણે લોકચાહના પ્રાપ્ત કરી હતી. ઘાટકોપરના એક ચોક્કસ વતુર્ળ સાથેનો તેમનો ઘરોબો અને એ જ રીતે સાહિત્યજગતની ચોક્કસ વ્યક્તિઓ સાથેની તેમની નિકટતા તેમની મર્યાદા હતી. પણ એ મર્યાદાને લીધે જ મિત્રધર્મની પ્રબળ ભાવના ઉદ્ભવી હતી. અમે ૧૯૫૭-’૫૮થી ૧૯૬૦ની સાલ સુધી ગુરુકુળ સ્કૂલમાં નૂતન પ્રવૃત્તિ સંઘ ચલાવતા હતા, અવનવા કાર્યક્રમો કરતા હતા. ચંદુલાલના પિતા ભગવાનજીભાઈ સારું વાંચન ધરાવતા એથી સંતાનોમાં સારા સંસ્કાર ઊતર્યા હતા. તેઓ ખૂબ જ લાગણીશીલ અને ઉમદા વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમના અવસાનથી એક સંસ્કારી
કલમ અનાથ બની છે. વાર્તાવતુર્ળ નિસ્તેજ બન્યું છે.’
ચંદુલાલ સેલારકાના ૪૦ વર્ષ જૂના મિત્ર અને તેમના ગમે તેવા સંજોગોમાં પણ અઠવાડિયે એક વાર વાતો કરી મન હળવું કરતા લેખક જયંતી દલાલે ચંદુલાલ સેલારકા માટે કહ્યું હતું કે ‘તેઓ છેલ્લા કેટલાક સમયથી લેખનપ્રવૃત્તિ કરતા નહોતા, પણ હું જ્યારે તેમને ફોન કરું ત્યારે અચૂક કહેતા કે તારા દર અઠવાડિયે આવતા ફોનથી મને જીવન જીવવાનું નવું જોમ મળે છે. તેઓ ખૂબ જ કાળજીપૂર્વક સંબંધો સાચવી રાખતા અને શ્રેષ્ઠ મિત્ર હતા.’
ઘાટકોપરની ૧૦૦ વર્ષ જૂની ગુરુકુળ શૈક્ષણિક સંસ્થાઓના ટ્રસ્ટી અને વિદ્યાર્થી, દાતા, વાલી ચંદુલાલ સેલારકાને મંગળવારે શ્વાસની તકલીફ થતાં નજીકની આર્શીવાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં સાંજના સાડાચાર વાગ્યે તેમનું અવસાન થયું હતું. ઘાટકોપરમાં લાયન્સ ક્લબ ઑફ ઘાટકોપરની સ્થાપના કરનારા ફાઉન્ડરોમાં તેમનો સમાવેશ થતો હતો.
પહેલો વાર્તાસંગ્રહ ૧૯૫૯માં
મૂળ સૌરાષ્ટ્રના વેકરી ગામના શ્રી દશા સોરઠિયા વણિક જ્ઞાતિના ચંદુલાલનો સૌથી પહેલો વાર્તાસંગ્રહ ૧૯૫૯માં પ્રગટ થયો હતો. ચંદુલાલના પિતા ભગવાનજીભાઈ સેલારકા સારા વાંચનનો ખૂબ જ શોખ ધરાવતા હતા. તેમના સંસ્કાર ચંદુલાલને મળ્યા  હતા. તિલક રોડ પર આવેલા ‘કૌસ્તુભ’ની નાની રૂમમાં રહીને મોટા થયેલા તેમને ૧૯૪૯ની સાલમાં ઘાટકોપરની ગુરુકુળ હાઈ સ્કૂલમાંથી મુંબઈ રાજ્ય સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન આપી હતી. તેમનાં સૌથી પહેલાં લગ્ન વિનોદિની સાથે ૧૯૫૦ની ૨૦ એપ્રિલે થયાં હતાં. લગ્ન બાદ ૧૯૫૩માં સિડનહૅમ કૉલેજ ઑફ આર્ટ્સ ઍન્ડ ઇકોનૉમિક્સમાંથી બીકૉમ થયા બાદ ૧૯૫૫માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બીએ, એલએલબીની ડિગ્રી મેળવી હતી. ૧૯૫૬માં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ થઈ તેમણે સી. બી. સેલારકા ઍન્ડ કંપની શરૂ કરી તેમની સ્વતંત્ર પ્રૅક્ટિસ શરૂ કરી હતી. ૧૯૭૨ની ૧૩ જુલાઈએ તેમણે રંજનબહેન સાથે બીજાં લગ્ન કયાર઼્ હતાં.
નાની વયથી જ વાંચન અને લેખનના શોખીન ચંદુલાલ સેલારકાનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘દૂરના ડુંગરા’ ૧૯૫૯માં પ્રગટ થયો હતો. બીજો વાર્તાસંગ્રહ ‘અમૃતપાત્ર’ ૧૯૬૦માં પ્રગટ થયો હતો. એને ગુજરાત રાજ્યનું શ્રેષ્ઠ નવલિકા સંગ્રહનું પારિતોષિક મળ્યું હતું. બીજા એક વાર્તાસંગ્રહ ‘આકાર વગરનો સંબંધ’ને પણ ગુજરાત રાજ્યનું પારિતોષિક મળ્યું હતું.
જૂન, ૧૯૮૪માં તેમને પ્રથમ વાર હૃદયરોગનો હુમલો આવ્યો હતો. ત્યાર બાદ ૧૯૯૧ની ૨૯ સપ્ટેમ્બરે તેમની ષષ્ટિપૂર્તિની ઉજવણી કરવામાં આવી  હતી.
એલએલબી =બેચલર ઑફ લેજિસ્લેટિવ લૉ, બી.એ. = બૅચેલર ઑફ આર્ટ્સ

૧૦૦થી વધુ પુસ્તકોનું પ્રકાશન

ઉત્કૃષ્ટ રચનાઓ : નવલકથાઓ: વહાલી મમ્મી, આકાર વગરનો સંબંધ, અમૃતપાત્ર, આપણી વચ્ચે દરિયો, ભીતર સાત સમંદર, હોઠ પર ટહુકા રમતા મૂકું.
કવિતા-ગીત : દિશાગાન, ધુમ્મસનાં ઝરણાં.
લેખન/નિબંધ/સંસ્મરણ : કલરવ અને કોલાહલ, સંબંધનું વૃક્ષ, જિંદગીની સમી સાંજે, પાનખરમાં વસંત, મન અજાયબ ખેલ.

01 December, 2012 06:15 AM IST |

અન્ય લેખો

મુંબઈ સમાચાર

ઈન્દોરથી ગ્રીન ફંગસના દર્દીને વધુ સારવાર માટે મુંબઈ કરાયો શિફ્ટ

ઈન્દોરના 34 વર્ષિય વિશાલ શ્રીધરને કોવિડ ઇન્ફેક્શનથી સાજા થયાને દોઢ મહિના બાદ ગ્રીન ફંગસ મળી આવ્યો હતો. જેને સારવાર માટે મુંબઈ લાવવામાં આવ્યો હતો.

18 June, 2021 06:19 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

કાંદિવલી વેક્સિનેશન સ્કેમઃ ચાર જણની ધરપકડ, વેક્સિનેશન કેમ્પને નામે છેતરપિંડી

મુંબઈના કાંદિવલી વિસ્તારમાં હાઈપ્રોફાઇલ હિરાનંદાની હેરિટેજ બિલ્ડિંગમાં બનાવટી વેક્સિંન ડ્રાઇવના કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મુંબઈ પોલીસે એ રેકેટનો ભાંડો ફોડ્યો છે અને 4 લોકોની ધરપકડ કરી છે.

18 June, 2021 05:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

‘તારક મહેતા...’ની બબીતાજી ઉર્ફ મુનમુન દત્તાને સુપ્રીમ કોર્ટે આપી રાહત

ટીવી અભિનેત્રી મુનમુન દત્તા પર ચાર રાજ્યોમાં કેસ કરવામાં આવ્યા હતા, આ તમામ કેસ પર સ્ટે મુકવામાં આવ્યો છે

18 June, 2021 04:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK