Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



માર ડાલા!

14 October, 2021 08:08 AM IST | Mumbai
Bakulesh Trivedi | bakulesh.trivedi@mid-day.com

ટમેટાંના ભાવની સેન્ચુરી : નવો માલ દિવાળી પછી આવશે એટલે દોઢેક મહિનો ભાવ ટાઇટ જ રહેશે

માર ડાલા!

માર ડાલા!


હજી પંદર જ દિવસ પહેલાં જ ૨૫થી ૩૦ રૂપિયે કિલો વેચાતા મુંબઈગરાના મોટા ભાગના શાકમાં અને સૅલડમાં સ્થાન પામતાં રોજબરોજ વપરાશમાં લેવાતાં ટમેટાંના ભાવ રીટેલમાં ૧૦૦ રૂપિયે કિલો થઈ જતાં ગૃહિણીઓનું બજેટ હચમચી ગયું છે. પહેલાં જ્યાં સહેજે રોજ પા કિલો કે અડધો કિલો ટમેટાં ઘરમાં વપરાઈ જતાં હતાં ત્યાં હવે ટમેટાં વાપરવા પર અંકુશ મુકાઈ ગયો છે અથવા તો મન મારીને પણ મોંઘા ભાવે ખરીદવા પડે છે. 
જોકે નવી મુંબઈની એપીએમસીની શાકમાર્કેટમાં તો ટમેટાં ગઈ કાલે ૪૦થી ૫૦ રૂપિયે કિલો વેચાઈ રહ્યાં હતાં. એ જ ટમેટાં જ્યારે બોરીવલી, મલાડ, કાંદિવલી કે પછી ઘાટકોપર અને મુલુંડના કાછિયા પાસે કે શાકભાજીવાળાની દુકાને પહોંચે છે ત્યારે એના ભાવ ડબલ થઈ જાય છે. 
ટમેટાંના ભાવ આટલા કેમ વધી ગયા એ વિશે માહિતી આપતાં એપીએમસી માર્કેટના શાકભાજી માર્કેટના ડિરેક્ટર શંકર પિંગળેએ કહ્યું હતું કે ‘થોડા વખત પહેલાં ટમેટાંના ભાવ એકદમ જ ઘટી ગયા હતા અને ખેડૂતોને એક કિલોના માંડ એકથી પાંચ રૂપિયા મળી રહ્યા હતા ત્યારે ઘણા ખેડૂતોએ માલ ફેંકી દીધો હતો. ત્યાર બાદ જે પાક આવ્યો એ વરસાદમાં ખરાબ થઈ ગયો હતો એટલે હવે ટમેટાંની તંગી છે. એટલે જે સ્ટૉક છે એ કિલોના ૪૦થી ૫૦ રૂપિયે વેચાઈ રહ્યો છે. રીટેલમાં અમારો કોઈ અંકુશ નથી. રીટેલરો તેમના ભાવ લગાવતા હોય છે. હવે જે નવો માલ આવશે એ લગભગ દિવાળી પછી આવશે એટલે હાલ એકથી દોઢ મહિનો ટમેટાંના ભાવ ટાઇટ જ રહેશે.’    
જૈનોમાં પણ ટમેટાંનો વપરાશ સારોએવો હોય છે. હોટેલમાં અને સ્ટૉલ પર સૅન્ડવિચ, પાંઉભાજી અને અન્ય આઇટમોમાં પણ ટમેટાં છૂટથી વપરાતાં હોય છે. પંજાબી શાકમાં તો ટમેટાંની ગ્રેવી મસ્ટ હોય છે. એથી વપરાશની દૃષ્ટિએ જેનો બહોળો વેપાર છે એ ટમેટાંના ભાવ વધતાં મુંબઈની ગૃહિણીઓ લાલઘૂમ થઈ ગઈ છે.  
બોરીવલીમાં રહેતાં ભાવના જોશીએ કહ્યું હતું કે ‘ટમેટાંના ભાવ વધતાં હવે કરકસર કરવી પડે છે. પહેલાં એક કિલો ટમેટાં સહેજે લઈ લેતા, પણ હવે પાથી અડધો કિલો પર આવી જવું પડ્યું છે. ઘરના મેનુમાં થોડોઘણો ફેરફાર કરવો પડ્યો છે. જે આઇટમમાં ટમેટાં વધુ જોઈએ એ ઓછી બનાવીએ, પણ સાવ ન બનાવીએ એવું તો ન જ બને. એટલે હાલ કરકસરથી જ ચલાવવું પડે એમ છે.’

ટમેટાંમાં કમાણી નથી કરતા, અન્ય શાકમાં કમાઈ લઈએ
દહિસરના શાકભાજીના એક દુકાનદારે કહ્યું હતું કે ‘સારી ક્વૉલિટીનાં બૅન્ગલોર ટમેટાં અમને પણ દહિસર હોલસેલ માર્કેટમાં ૨૦૦૦ રૂપિયે ક્રેટ મળે છે જેમાં ૨૫થી ૨૬ કિલો ટમેટાં હોય છે. એથી જો ગણતરી માંડો તો એના પણ ૮૦ રૂપિયા જ થાય. અમારો વર્ષોનો ધંધો છે. અમે ટમેટાં ગ્રાહકોને ભાવ ટુ ભાવ આપી દઈએ, પણ એનું માર્જિન બીજાં શાકમાં થોડું-થોડું વહેંચી દઈએ. આ અમારી શાકવાળાની ગણતરી છે. ટમેટાંમાં કમાણી નહીં કરીએ, પણ સાથે ઘરાક પણ નહીં તોડીએ.’    



ટમેટાં તો વાપરવાં જ પડે, ઓછાં વાપરીએ બીજું શું


બોરીવલીમાં રહેતાં કુસુમ સુરેજાએ કહ્યું હતું કે ‘ટમેટાં તો વાપરવાં જ પડે. એના વગર ન ચાલે. જોકે હાલ એના ભાવ બહુ વધી ગયા છે એથી થોડાં ઓછાં વાપરીએ. બીજાં બધાં શાક પણ હાલ ૮૦ રૂપિયે કિલોની આસપાસ જ છે. હાલ કંઈ સસ્તું નથી. અમારે ઘરના બધાની પસંદગીને ધ્યાનમાં રાખીને શાક બનાવવાનાં હોય છે.’


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2021 08:08 AM IST | Mumbai | Bakulesh Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK