Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બીએમસીની ચૂંટણી માટેના બીજા ડ્રૉ પછી ઉમેદવારોમાં છે...કહીં ખુશી, કહીં ગમ

બીએમસીની ચૂંટણી માટેના બીજા ડ્રૉ પછી ઉમેદવારોમાં છે...કહીં ખુશી, કહીં ગમ

30 July, 2022 09:40 AM IST | Mumbai
Prajakta Kasale, Sameer Surve | feedbackgmd@mid-day.com

વૉર્ડ‍્સના રિઝર્વેશનના બીજા ડ્રૉમાં કેટલાક ઉમેદવારોને વધુ એક તક મળી હતી જ્યારે કોઈને જેના વિશે કશી જાણકારી જ નથી એવો વૉર્ડ મળ્યો હતો

શુક્રવારે બાંદરા-વેસ્ટના બાલગંધર્વ રંગમંદિર ખાતે કૉર્પોરેશનની ચૂંટણી માટે કૉર્પોરેશન દ્વારા લૉટરીમાં પસંદ થયેલા વૉર્ડ-નંબર બતાવાઈ રહ્યા છે.

શુક્રવારે બાંદરા-વેસ્ટના બાલગંધર્વ રંગમંદિર ખાતે કૉર્પોરેશનની ચૂંટણી માટે કૉર્પોરેશન દ્વારા લૉટરીમાં પસંદ થયેલા વૉર્ડ-નંબર બતાવાઈ રહ્યા છે.


સુધરાઈની આગામી ચૂંટણી માટે વૉર્ડ્સના રિઝર્વેશનના બીજા ડ્રૉમાં કેટલાક ઉમેદવારોની સ્થિતિ શુક્રવારે વધુ કથળી હતી. પ્રથમ ડ્રૉ પછી આશા ગુમાવી બેઠેલા શિવસેનાના ભૂતપૂર્વ મેયર વિશ્વનાથ મહાડેશ્વરને વધુ એક તક સાંપડી છે તો એનસીપીનાં ભૂતપૂર્વ ગ્રુપ લીડર રાખી જાધવને જેના વિશે કશી જાણકારી નથી એવો વૉર્ડ મળ્યો છે. કૉન્ગ્રેસના કેટલાક કૉર્પોરેટરો માટે પરિસ્થિતિ યથાવત્ રહી હતી.

અગાઉના રિઝર્વેશનમાં બાંદરા-ઈસ્ટથી શિવસેનાના તમામ કૉર્પોરેટરોને અનામતને કારણે સહન કરવું પડ્યું હતું. આ લૉટરીમાં ભૂતપૂર્વ મેયર વિશ્વનાથ મહાડેશ્વર, હાજી અલીમ ખાન અને સદાનંદ પરબ માટે આશા જન્મી છે. વિશ્વનાથ મહાડેશ્વરનો વૉર્ડ-નંબર ૯૬ હવે ઓબીસી મહિલાઓ માટે અનામત છે, પણ તેઓ ઓપન વૉર્ડ-નંબર ૯૫ પરથી ચૂંટણી લડી શકે છે. હાજી અલીમ ખાનનો વૉર્ડ-નંબર ૯૯ અગાઉની લૉટરીમાં મહિલાઓ માટે અનામત હતો, પણ હવે એ બિનઅનામત છે. સદાનંદ પરબનો વૉર્ડ-નંબર ૯૦ મહિલાઓ માટે અનામત હોવા છતાં તેમની પાસે વૉર્ડ-નંબર ૯૧ પરથી લડવાની તક રહેલી છે.



એનસીપીનાં રાખી જાધવે કહ્યું હતું કે ‘છ વૉર્ડમાંથી પાંચ ઓબીસી માટે અનામત છે અને બાકીનો એક વૉર્ડ મારા માટે અજાણ્યો છે. હું કોઈ પણ વૉર્ડમાં જઈ શકીશ નહીં. આથી મારા માટે સ્થિતિ નિરાશાજનક છે.’


એમએનએસના ભૂતપૂર્વ કૉર્પોરેટરો સંતોષ ધુરી અને સંદીપ દેશપાંડેને અનામત કૅટેગરીમાં ઉમેરવામાં આવ્યા હતા, પણ હવે તેમના વૉર્ડ ૧૯૭ અને ૧૯૯ ઓપન કૅટેગરીમાં છે અને એટલે તેમને ચૂંટણી લડવાની તટસ્થ તક મળશે.

બીજેપીના પ્રવક્તા ભાલચંદ્ર શિરસાટ અને કૉર્પોરેટર પ્રવીણ છેડા ઘાટકોપરથી લડવા માટે ઉત્સાહી છે. ઘાટકોપર પાંચ ઓબીસી વૉર્ડ ધરાવે છે, જેમાંથી બે ઓબીસી મહિલાઓ માટે અનામત છે. ત્રણ ઓબીસી વૉર્ડ છે અને જો પાર્ટી નક્કી કરશે તો હું નજીકના વૉર્ડમાંથી લડીશ એમ ભાલચંદ્ર શિરસાટે જણાવ્યું હતું. તેમનો મૂળ વૉર્ડ-નંબર ૧૩૦ ઓબીસી મહિલાઓ માટે અનામત છે.
આ તરફ તમામ નજીકના વૉર્ડ્સ મહિલાઓ માટે આરક્ષિત હોવાથી કોઈ વિકલ્પ ન બચતાં કૉન્ગ્રેસના ભૂતપૂર્વ કૉર્પોરેટર આસિફ ઝકરિયાએ બીજી વખત નિરાશ થવું પડ્યું હતું.


કૉન્ગ્રેસના રવિ રાજાએ અભિપ્રાય આપ્યો હતો કે ‘તમામ સળંગ વૉર્ડ્સ અનામત છે. એમાં કુદરતી ન્યાય ક્યાં આવ્યો? મેં પ્રક્રિયા મામલે અદાલતમાં યાચિકા દાખલ કરી છે. લૉટરીની જાહેરાત થયા પહેલાં જ કયા વૉર્ડ અનામત રખાશે એની યાદી સોશ્યલ મીડિયા પર ફરતી થઈ ગઈ હતી. આ બધું શંકાસ્પદ છે.’

ભૂતપૂર્વ મેયર શ્રદ્ધા જાધવ, કિશોરી પેડણેકર અને વિશાખા રાઉત બિનઅનામત વૉર્ડ્સ પરથી ચૂંટણી લડશે.

બીજેપીના વિધાનસભ્યએ ઓબીસી કૅટેગરી માટે વૉર્ડ અનામત રાખતી વખતે વૉર્ડના ડેટાની ખોટી રજૂઆત કરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. વિધાનસભ્ય મિહિર કોટેચાએ કૉર્પોરેશનના વડા આઇ. એસ. ચહલને શુક્રવારે પત્ર પાઠવીને લૉટરી સિસ્ટમ થકી ઓબીસી અનામતની માગણી કરી હતી અને અન્યથા સમગ્ર પ્રક્રિયા સામે બૉમ્બે હાઈ કોર્ટમાં જાહેર હિતની યાચિકા દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Whatsapp-channel Whatsapp-channel

30 July, 2022 09:40 AM IST | Mumbai | Prajakta Kasale, Sameer Surve

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK