° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


દુકાનદારોને બ્લૅકમેલ કરતાં બન્ટી અને બબલી પકડાયાં

21 November, 2021 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ભાઈંદરમાં રૅશનની દુકાનના માલિક પાસેથી ૫૦,૦૦૦ રૂપિયા પડાવવા જતાં પોલીસના હાથમાં આવી ગયાં

ધરપકડ કરાયેલા એક આરોપીને કોર્ટમાં લઈ જઈ રહેલી નવઘર પોલીસની ટીમ.

ધરપકડ કરાયેલા એક આરોપીને કોર્ટમાં લઈ જઈ રહેલી નવઘર પોલીસની ટીમ.

કેન્દ્ર સરકારના અધિકારી અને નૅશનલ હ્યુમન રાઇટ્‌સના અધિકારી હોવાનું કહીને રૅશન સહિતની દુકાનના માલિકોનાં લાઇસન્સ ચેક કરવાને નામે દુકાનદારોને બ્લૅકમેલ કરવાના આરોપસર પોલીસે એક મહિલા અને એક પુરુષની ભાઈંદરમાંથી ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી ‘બન્ટી-બબલી’ પાસેથી અનેક દુકાનદારોનાં નામ, લાઇસન્સ નંબરની નોંધ મળતાં તેઓ લાઇસન્સ ચેક કરવાને નામે દુકાનદારો પાસેથી રૂપિયા પડાવતાં હોવાનું તપાસમાં જણાઈ આવ્યું છે.
મીરા-ભાઈંદર-વસઈ-વિરાર પોલીસના જણાવ્યા મુજબ ભાઈંદર (ઈસ્ટ)માં રમેશ સૂર્યપ્રસાદ વર્મા નામના વેપારી રૅશનિંગની દુકાન ધરાવે છે. પાંચમી નવેમ્બરે રૅશનિંગ દુકાનનું લાઇસન્સ તપાસવા માટે શબાનાબાનો બલ્લુભાઈ સિદ્દીકી અને પ્રશાંત ગંગા વિષ્ણુ નામનાં બે જણ ગયાં હતાં. તેમણે કાયદાનું પાલન ન થતું હોવાનું અને રૅશનના માલમાં ફરિયાદો મળી રહી હોવાનું કહી તમારી કમ્પ્લેઇન્ટ બુક બતાવો એમ કહીને દુકાનદાર પાસેથી માહિતી માગી હતી. તેમણે પોતાના કેન્દ્ર સરકારના અને નૅશનલ હ્યુમન રાઇટ્‌સના અધિકારીના આઇડેન્ટિટી કાર્ડ બતાવતાં દુકાનદાર ગભરાઈ ગયો હતો. ૫૦,૦૦૦ રૂપિયાની માગણી સામે તેણે એ સમયે આરોપી ‘બન્ટી-બબલી’ને ૨૦,૦૦૦ રૂપિયા આપ્યા હતા. બાકીના ૩૦,૦૦૦ રૂપિયા માટે બન્ને સતત ફોન કરતાં હોવાથી કંઈક ગરબડ હોવાના શકથી દુકાનદારે નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નવઘર પોલીસ સ્ટેશનમાં ૧૯ નવેમ્બરે આઇપીસીની કલમ ૩૮૪, ૪૧૯, ૧૭૦ અને ૩૪ અંતર્ગત આરોપી મહિલા અને પુરુષ સામે ફરિયાદ નોંધ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપીઓના ફોન-નંબરને આધારે તપાસ કરીને તેમની ધરપકડ કરી હતી. ૩૦ વર્ષની આરોપી શબાનાબાનો સિદ્દીકી સાંતાક્રુઝમાં રહે છે, જ્યારે તેનો ૨૭ વર્ષનો સાથી પ્રશાંત વિષ્ણુ મીરા રોડમાં રહે છે. 
પોલીસે તેમની પૂછપરછ અને તેમની પાસેના પર્સની તપાસ કરતાં એમાંથી એક ડાયરી મળી આવી હતી જેમાંથી નૅશનલ હ્યુમન રાઇટ્‌સ ઍન્ડ સોશ્યલ જસ્ટિસ કમિશન (ગવર્નમેન્ટ ઑફ દિલ્હી)ના આઇડેન્ટિટી કાર્ડ તેમ જ રૅશન તથા અન્ય દુકાનદારોનાં નામ, લાઇસન્સ-નંબર અને કૉન્ટૅક્ટ-નંબર મળી આવ્યા હતા. તેમની સામે ભાઈંદર અને મીરા રોડ પોલીસ સ્ટેશનમાં દુકાનદારોને બ્લૅકમેલ કરવાના મામલા નોંધાયા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જણાયું હોવાનું પોલીસે કહ્યું હતું.
ઝોન-૧ના અસિસ્ટન્ટ પોલીસ કમિશનર શશિકાંત ભોસલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓ પ્લાનિંગ કરીને રૅશન સહિતના દુકાનદારોનાં લાઇસન્સની માહિતી ક્યાંકથી મેળવીને તેમને બ્લૅકમેલ કરી રહ્યા હતા. જોકે ફરિયાદ કરીશું તો પોલીસ પણ આપણને હેરાન કરશે એમ વિચારીને અનેક દુકાનદારોએ ફરિયાદ નહોતી નોંધાવી. આ આરોપીઓ દ્વારા છેતરાયેલા દુકાનદારોને અમારી અપીલ છે કે તેઓ આગળ આવીને ફરિયાદ નોંધાવે. અત્યારે એક દુકાનદારે સરકારી અધિકારી અને હ્યુમન રાઇટ્‌સના અધિકારી હોવાને નામે બ્લૅકમેલ કરાયા હોવાની ફરિયાદ નોંધાવતાં અમે બન્ને આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓએ અનેક દુકાનદારો પાસેથી આવી રીતે રૂપિયા વસૂલ્યા હોવાની શક્યતા છે. અમે આ મામલે આગળ તપાસ કરી રહ્યા છીએ.’ નવઘર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર મિલિંદ દેસાઈના જણાવ્યા મુજબ આ પહેલાં ભાઈંદર અને મીરા રોડ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ક્યારે અને કેટલી ફરિયાદ નોંધવામાં આવી હતી એની માહિતી મેળવીને આ યુગલે કેટલા લોકોને નિશાન બનાવ્યાં છે એની તપાસ હાથ ધરાઈ છે. 

21 November, 2021 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

રાકેશ ટિકૈતે મુંબઈમાં સભા યોજી કેન્દ્રને આપી ચીમકી, MSP પર કાયદો ઘડો નહિતર...

મુંબઈમાં સંયુક્ત શેતકરી કામદાર મોરચા (SSKM) ના બેનર હેઠળ આઝાદ મેદાન ખાતે કિસાન-મઝદૂર મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.

28 November, 2021 07:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

હંસા હેરિટેજ સોસાયટીના હોદ્દેદારોએ પણ કરી આગોતરા જામીનની અરજી

કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર બાબાસાહેબ સાળુંખેએ કહ્યું છે કે કોર્ટ હવે બિલ્ડર અને સોસાયટીના હોદ્દેદારોની આગોતરા જામીનની અરજી પર સોમવારે સુનાવણી કરવાની છે.

28 November, 2021 03:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

ઑર્ગન ડોનેશનને પણ નડ્યો કોરોના

કોવિડને લીધે ડોનેટ કરાયેલાં સ્કિન-આંખ ન મેળવી શકાયાં : મહારાષ્ટ્રમાં વિવિધ અવયવોની ૬૭૪૮ જરૂરિયાત સામે જૂજ ડોનર હોવાથી નૅશનલ ઑર્ગન ડોનેટ ડેએ લોકોને મુંબઈની સુધરાઈએ કરી અપીલ

28 November, 2021 03:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK