પુત્રને ઠપકો આપતાં અદાલતે કહ્યું કે આપણી સંસ્કૃતિમાં સ્થાપિત નૈતિક મૂલ્યો એટલી હદે ઘટી ગયાં છે કે આપણે માતા-પિતાને યાત્રા કરાવનાર શ્રવણકુમારને ભૂલી ગયા છીએ
ફાઇલ તસવીર
વૃદ્ધ માતા-પિતાને સારવાર માટે પોતાના ઘરનો ઉપયોગ કરવાની મનાઈ કરતા પુત્ર પર નારાજગી વ્યક્ત કરતાં બૉમ્બે હાઈ કોર્ટે અરજદાર પુત્રને ખૂબ જ આદર અને પ્રેમ સાથે માતા-પિતાની સંભાળ રાખવાનો નિર્દેશ કર્યો હતો. માતા-પિતા ઘરનો ઉપયોગ ન કરી શકે એ માટેની અરજી કરનાર પુત્રને ઠપકો આપતાં કોર્ટે સાંસ્કૃતિક મૂલ્યોનો ઉલ્લેખ કરીને ટાંક્યું હતું કે ‘આપણી સંસ્કૃતિમાં સ્થાપિત નૈતિક મૂલ્યો એટલી હદે ઘટી ગયાં છે કે આપણે શ્રવણકુમારને ભૂલી ગયા છીએ, જે પોતાનાં માતા-પિતાને તીર્થયાત્રા પર લઈ ગયો હતો અને રસ્તામાં પોતાનો જીવ આપી દીધો હતો.’
અરજદારે ૨૦૧૮ની ૨૦ જાન્યુઆરીએ સિટી સિવિલ કોર્ટે આપેલા આદેશને પડકારતાં બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. તેનાં માતા-પિતા કોલ્હાપુરમાં રહે છે. તેઓ જ્યારે પણ સારવાર માટે મુંબઈ આવે ત્યારે ગોરેગામ-ઈસ્ટ ખાતેના પુત્રના ઘરનો ઉપયોગ કરવા પર મનાઈ ફરમાવવા માટે પુત્રએ કોર્ટમાં અપીલ કરી હતી. સિવિલ કોર્ટે આવો હુકમ આપવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે હાઈ કોર્ટે આ અપીલને દુઃખદ સ્થિતિ તરીકે વર્ણવી હતી.
ADVERTISEMENT
આ ઉપરાંત કોર્ટે કહ્યું હતું કે માતા-પિતાની સંભાળ તેમના ત્રણેય પુત્રોએ રાખવી જોઈએ. અરજદાર પુત્ર મુંબઈમાં છે, બીજો ઐરોલીમાં અને ત્રીજો કોલ્હાપુરમાં છે. સાથે જ સારવારનો ખર્ચ અને સારવાર માટે લઈ જવા અને ઘરે લાવવામાં પણ પુત્રોએ કાળજી રાખવાનું સૂચન કોર્ટે કર્યું હતું.


