Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મઢના સ્ટુડિયોને કામ બંધ કરવાની નોટિસ મોકલાઈ

મઢના સ્ટુડિયોને કામ બંધ કરવાની નોટિસ મોકલાઈ

27 August, 2022 11:33 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉન્ગ્રેસના વિધાનસભ્ય અસલમ શેખના સહયોગથી કથિત રીતે બાંધવામાં આવેલા પાંચ સ્ટુડિયોની મુલાકાત બીજેપીના નેતાઓએ લીધા બાદ બીએમસી થઈ સક્રિય

ગઈ કાલે મલાડના મઢ આઇલૅન્ડ પાસે ગેરકાયદે ઊભા કરવામાં આવેલા સ્ટુડિયોની વિઝિટે આવેલું બીજેપીનું પ્રતિનિધિમંડળ.

ગઈ કાલે મલાડના મઢ આઇલૅન્ડ પાસે ગેરકાયદે ઊભા કરવામાં આવેલા સ્ટુડિયોની વિઝિટે આવેલું બીજેપીનું પ્રતિનિધિમંડળ.


મલાડમાં આવેલા મઢમાં ગેરકાયદે સ્ટુડિયો બાંધીને કૉન્ગ્રેસના વિધાનસભ્ય અસલમ શેખે ૧૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો આરોપ થયા બાદ આ સંબંધે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન દ્વારા નોટિસ મોકલવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં ગઈ કાલે બીજેપીના નેતા કિરીટ સોમૈયા, સંસદસભ્ય ગોપાલ શેટ્ટી, તહસીલદાર, બીએમસીના અધિકારીઓ અને પોલીસે આ સ્ટુડિયોની મુલાકાત લીધી હતી અને જ્યાં સ્થાનિક માછીમારોને સ્મશાન બાંધવાની પરવાનગી નથી મળતી તો આલીશાન સ્ટુડિયો કેવી રીતે બની ગયા એવો સવાલ કરવામાં આવ્યો હતો. બધા સ્ટુડિયોમાં પહોંચ્યા ત્યારે અહીંના બાઉન્સરોએ તેમને રોક્યા હતા. આથી તેમની સામે પોલીસે ફરિયાદ નોંધી હોવાનું જાણવા મળ્યું હતું. કિરીટ સોમૈયાએ સ્ટુડિયો ઊભા કરવા માટે આદિત્ય ઠાકરેએ મદદ કરી હોવાનો આરોપ કર્યો હતો.

કૉન્ગ્રેસના મલાડ (પશ્ચિમ) વિસ્તારના વિધાનસભ્ય અને મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાન અસલમ શેખ અને તેમના સહયોગીઓએ શૂટિંગ માટે મઢમાં મર્યાદિત સમય માટે સ્ટુડિયો ઊભો કરવાની પરવાનગી લીધી હતી અને બાદમાં અહીં ગેરકાયદે બાંધકામ કરીને ૧૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો આરોપ બીજેપીના નેતા કિરીટ સોમૈયા કરી રહ્યા છે. પોતાની ફરિયાદ બાદ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન દ્વારા મંજૂરી વિના પાંચ પર્મનન્ટ સ્ટુડિયો ઊભા કરવા બદલ નોટિસ મોકલીને જવાબ આપવાનું કહેવામાં આવ્યું હતું. નોટિસ મોકલ્યા બાદ પણ બીએમસીના સંબંધિત વિભાગો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી એટલે ગઈ કાલે કિરીટ સોમૈયા, ગોપાલ શેટ્ટી, વિધાનસભ્યો યોગેશ સાગર અને અતુલ ભાતખળકર, તહસીલદાર અને બીએમસીના અધિકારીઓ અને પોલીસની ટીમે ગઈ કાલે મઢમાં જે સ્થળે કથિત રીતે ગેરકાયદે સ્ટુડિયો ઊભા કરવામાં આવ્યા છે એની મુલાકાત લીધી હતી.



બધા સ્ટુડિયોમાં પહોંચ્યા ત્યારે સ્ટુડિયોની સુરક્ષા માટે તહેનાત કરવામાં આવેલા બાઉન્સરોએ તેમને અંદર જતા રોક્યા હતા. કલેક્ટરના આદેશથી બાદમાં પોલીસે બાઉન્સરો સામે ફરિયાદ નોંધી હોવાનું જાણવા મળ્યું હતું.


કિરીટ સોમૈયાએ સ્ટુડિયોની મુલાકાત બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રાલયે ફેબ્રુઆરી ૨૦૨૧માં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન વિસ્તારમાં ફિલ્મનો સેટ બાંધવા માટેની મંજૂરી આપી હતી. ફિલ્મના સેટને બદલે અહીં સિમેન્ટનો બેઝ કે બાંધકામ કરવાની મંજૂરી ન હોવા છતાં એક-બે નહીં પણ બબ્બે માળના પાંચ-પાંચ કમર્શિયલ સ્ટુડિયો ઊભા કરી દેવામાં આવ્યા છે. તત્કાલીન પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરે આ માટે જવાબદાર છે, કારણ કે તેમના પ્રધાન તરીકેના કાળમાં આ કૌભાંડ થયું છે. તાજેતરમાં આદિત્ય ઠાકરેએ આ સ્ટુડિયોની મુલાકાત અસલમ શેખ સાથે લીધી હતી. આથી બીએમસીના અધિકારીઓ દબાણમાં આવી ગયા હતા અને તેમણે અહીં કોઈ કાર્યવાહી નથી કરી. આજે અહીંની સ્થિતિ જોયા બાદ બીએમસીના પી-ઉત્તર વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે બાલાજી તિરુપતિ સિનેમા નામના સ્ટુડિયોના માલિકને તાત્કાલિક ધોરણે ફિલ્મ શૂટિંગનું કામ બંધ કરવાની નોટિસ મોકલી હતી. તેઓ આમ નહીં કરે તો બીએમસીનો અતિક્રમણ વિભાગ કાર્યવાહી કરશે એમ નોટિસમાં લખવામાં આવ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2022 11:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK